મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અમે એવું અમૃત પીવડાવ્યું છે કે તેની ગાડી હવે નોન-સ્ટોપ દોડશે, બુલેટ ટ્રેન કરતાં પણ આગળ, એવું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય તરફથી ૭૫મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કેન્દ્રએ શરૂ કરેલી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની ‘સંકલ્પ સે સિદ્ધિ’ પરિષદ મુંબઈમાં પાર પડી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના પદાધિકારીઓ હાજર હતા.
સીઆઈઆઈના પદાધિકારીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે તમારે રોકાણ વધારવાની જરૂર છે. એગ્રિકલ્ચર ગ્રોથ રેટ પર ધ્યાન આપવું અને જંગલ પર્યટન પર ધ્યા આપવું જરૂરી છે. આને કારણે આદિવાસી ગ્રોથ રેટ બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટો અધૂરા છે તેને પૂરા કરવા. સિંચન માટે પાણી આપો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રને પાણી પૂરું પાડો. આત્મનિર્ભર બનાવવા માટે મોદીનો વિચાર છે.
ઈનોવેશનમાં આપણે સૌથી આગળ છીએ, આપણે દેશને માર્ગદર્શન પૂરું પાડી શકીએ છીએ. છેલ્લાં આઠ વર્ષમાં મોટાં પરિવર્તનો થયાં છે. આઠ વર્ષ પહેલાં શું થયું હતું એ હું અત્યારે નહીં બોલું. આપણે દેશને આર્થિક રીતે ટોચ પર લઇ જઇ શકીએ છીએ, એવું નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નાગપુર-હૈદ્રાબાદ હાઈવે બાબતે પણ વિચારણા ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.ઇથેનોલની બરાબરી પેટ્રોલની એવરેજ સાથે થશે. આને કારણે ગ્રાહકોને ફાયદો થશે. ઈવી થશે નહીં એવું કહેવાતું હતું, પણ હવે થોડી રાહ જોવાની છે.
મારી પાસે હાઈડ્રોજનની કાર છે. આપણે હાઈડ્રોજન મિશન લાવ્યા છીએ. બાયો સીએનજી, એલએનજી યવતમાળ જિલ્લામાં બનાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર જો ભૂમિકા હાથ ધરશે તો ચિત્ર બદલાઇ શકે છે. ૬૫ પ્રોજેક્ટ હું બનાવી રહ્યો છું, જેમાં અમુક મહારાષ્ટ્રમાં છે, એવું ગડકરીએ જણાવ્યું હતું. નવી મુંબઈથી નવા એરપોર્ટ સુધી આપણે ૧૭ મિનિટમાં પહોંચીશું, એનો પણ પ્લાન ચાલી રહ્યો છે. આપણું રાજ્ય તમામ બાબતે સેવા, કૃષિ, જીડીપમાં આગળ છે. એમએસઆરડીસીએ અનેક રસ્તા બનાવ્યા છે. ફડણવીસ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે સમુદ્રી હાઈવે પણ બનાવાયો હતો અને રાજ્યમાં વધુમાં વધુ સમુદ્રી હાઈવેને ભેળવી દેવામાં આવશે, એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
