માનસ મંથન -મોરારિબાપુ
બાપ, આ નવદિવસીય રામકથામાં જે ભૂમિ પર આપણે રામકથા ગાવા આવ્યાં છીએ ત્યારે એ ભૂમિમાં ભગવાન ઈસુની પ્રેમપૂર્ણ ચેતનાને પ્રણામ કરું છું. અને ભગવાન ઈસુના મુખ્ય શિષ્યોમાંના એક સેન્ટ પિટર, જેમની આ ભૂમિ છે; અને ઈસાઈ ધર્મની એક બહુજ મોટી એવી કેથોલિક ધારાનું જ્યાં મોટું ધર્મસ્થાન છે, એ વેટિકનની ભૂમિ પર ભગવાનની આ રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપ સહુને વ્યાસપીઠ પરથી મારાં પ્રણામ. મને જુદાં-જુદાં ક્ષેત્રોના ઘણા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે, વેટિકનમાં રામકથાનો હેતુ શું ? હું અંદર-અંદર મુસ્કુરાઉં છું કે શું બધાં જ કાર્યો હેતુ માટે જ કરવાનાં હોય ? જીવનમાં કોઈ કાર્ય તો એવું હોય કે જેની પાછળ કોઈ હેતુ ન હોય ? કેવળ અને કેવળ દિલનો પ્રેમ હોય, હેત હોય એવું કાર્ય ન થાય ?
તો, આવા એક સ્વાભાવિક ક્રમમાં, મનમાં હતું કે આટલું મોટું ધર્મસ્થાન છે, સંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો કેટલો મોટો હિસ્સો જે ધર્મને ફોલો કરે છે, એ ભૂમિ પર શું કામ હું એક રામકથા ન ગાઉં ? એટલા માટે આવ્યો છું. તમે સૌ પણ આવી ગયા છો; તમારું સૌનું સ્વાગત છે.
ભગવાન ઋગ્વેદનો એક મંત્ર છે: इदमापः प्र बहत यत्किं च दुरितं मयि।ભગવાન ઋગ્વેદનાં વચનો છે. એમાં જલનો મહિમા છે. જુઓ, આપણી મનીષાએ, આપણા ઋષિઓએ કેવળ મંદિરોમાં જ ઈશ્ર્વરને નથી જોયો. મંદિરમાં આસ્થા અવશ્ય કેન્દ્રિત થઇ છે, મૂર્તિઓની પૂજા આપણે કરી છે, કરવી જોઈએ, જ્યાં જેમની નિષ્ઠા, પરંતુ આપણે પ્રવાહને પૂજ્યો છે. आपःએટલે પાણી. इदमापः प्र वहंत, હે જળદેવતા, આપ એવી રીતે વહો, यत्किं च दुरितं मयि’ અમારાથી જાણતાં-અજાણતાં જે કંઈ પાપ થઇ ગયાં હોય, દુરિત થઇ ગયાં હોય એને વહાવી દો. આપણે પંચ તત્વોને, સૌને દેવ માન્યા છે. હવે, વેદ પાણીમાંથી શું બનાવે છે, જુઓ ! અહીં, પાણીથી જીવનનો એક નશો, જીવનની એક મસ્તી છે. જિસસે બેહોશ નથી કર્યા, સૌને હોશમાં લાવ્યા છે. પરંતુ અહીં તો અમર કરવાની વાત છે. અને યાદ રાખજો, જે માણસ પૂર્ણ નિષ્પાપ થઇ જાય છે એ અમર થઇ જાય છે. એ મુશ્કેલ છે. એટલા માટે આપણે મરણધર્મા છીએ, કેમ કે આપણે નિષ્પાપ નથી થઇ શકતા; અને યાદ રાખજો, આપણા બધાંનાં પાપનો જન્મ ત્રણ વસ્તુમાંથી થાય છે. બીજાના દ્રોહથી, ખુદ પર કે બીજા પર કરેલા ક્રોધથી કે જૂઠથી.
જ્યારે પણ આપણે કોઈનો દ્રોહ કરીએ છીએ ત્યારે સમજવું કે આપણે પાપને જન્મ આપ્યો છે. પછી એ જ પાપ ઉંમરલાયક થઈને તમારું ગળું પકડે છે, જેવી રીતે શારજહાંનું ઔરંગઝેબે પકડ્યું ! દીકરો જ બાપને પકડે છે, એટલે સાવધાન ! હનુમાનજી શું કામ અમર છે ? કેમ કે એ નિષ્પાપ છે. જે પૂર્ણત: નિષ્પાપ હોય છે એ ક્યારેય બૂઢા નથી થતા. શરીરની વાત છોડો યાર ! એ વિચારોથી વૃદ્ધ નથી થતા. એમની સદ્વૃત્તિઓ ક્યારેય વૃદ્ધ નથી થતી. કાળા વાળનું તો રૂપ હોય છે, પરંતુ સફેદ વાળનો પણ મહિમા હોય છે. જેમનું ભજન પાકી જાય અને જેમનાં પાપ ઓછાં થાય એમની હર અવસ્થા સૌંદર્ય જન્માવે છે. જેમ અંદરનું સ્વરૂપ વિકસિત થાય તેમ રૂપ વધશે. સૌંદર્ય તો દરેક જગ્યાએ છુપાયેલું છે,પ્લીઝ, વિવેક જોઈએ. આપણે જેટલા વધારે નિષ્પાપ થતાં જઈશું એટલા અમર થતા જઈશું. આપણે જેટલા વધારે નિષ્પાપ થતાં જઈશું એટલા અજર થતા જઈશું.
જીવનને ‘ઈચ્છાજીવન’ બનાવો. અને એ થશે હરિસ્મરણથી. આખરે તો મારું એક જ સૂત્ર રહેશે, જનમ જનમ રહેશે અને તે ‘હરિનામ’. અને જીવનને નિષ્પાપ બનાવવામાં કળિયુગમાં કેવળ, કેવળ અને કેવળ હરિનામથી સરળ કોઈ સાધન નથી. મારા તુલસી
લખે છે-
जासु नाम पावक अध तूला।
નામ અગ્નિ છે. પાપ રૂની માફક હરિનામના અગ્નિથી તરત જ ખતમ થઈ જાય છે. જીવવાની ઈચ્છા કરો. વિચાર અને વિશ્ર્વાસથી જ જીવો,પરંતુ વિવેક ન ચૂકો. બીજું, ક્રોધથી પાપનો જનમ થાય છે, જે બોધને હરિ લે છે; અને જૂઠથી, नहिं, असत्य समय पातक पूंजा।
ધ્યાન દેજો, જ્ઞાનનો જનમ ભક્તિથી થાય છે. જેમને જ્ઞાન જોઈએ એમણે ભક્તિ કરવી પડશે. કેમ કે ‘ભાગવત’માં ભક્તિ મા છે અને જ્ઞાન એનો પુત્ર છે. સૂત્ર યાદ રાખજો. ભક્તિ વિના જ્ઞાન પેદા જ નહીં થાય. ભક્તિ વિના જ્ઞાન ક્યારે અજ્ઞાન બની જાય એની ખબર પડતી નથી. મને ભક્તિવાળાં ભક્ત જ પૂરાં જાણી શકે છે’, ‘ભગવદ્ ગીતા’નું આ સૂત્ર છે.
તો, મારાં ભાઈ-બહેનો, ભજન માણસને અજર-અમર કરી દે છે. અને એટલું સરળ સાધન છે પરમાત્માનું નામ, પછી શું ચિંતા ? ભૂલ જાણીબૂઝીને ન કરવી, પરંતુ થઈ જાય તો હરિનામ પાવક છે. આપણે પાપનો સતત દંડ દે એવો ઈશ્ર્વર ન જોઈએ. આપણે તો જોઈએ જે એમનો મૂળ કૃપાળુ ભાવ છે, જે કરુણાવાન છે, મહેરબાન છે. ગુરુનાનક દેવે કહ્યું છે, मेरा साहिब मेहरबान हैं। વેં વિશ્ર્વામિત્રજીએ શું કહ્યું?
चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् ।
एकैकमक्षंर पुंसां महापातक नाशनम् ॥
રામનું ચરિત્ર, રામની લીલા, રામનું નામ, રામનું ગાયન, રામનું રૂપ એક-એક અક્ષર મહાન પાપોનો નાશક છે. આખરે ફરી ફરીને મારી વ્યાસપીઠ રામનામ તરફ વળી જાય છે.
તો, ભગવાન વેદનું બહુ જ કરુણાસભર વચન છે કે હે નીર, હે પ્રવાહમાન કરુણા, અમારાથી જાણ્યે-અજાણ્યે જે ભૂલ થઈ ગઈ હોય એ તું હરી લે. અને मवाळ જૂઠથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, પાપથી, દ્રોહથી અને ક્રોધથી ભૂલ થઈ ગઈ હોય,તો તું દયાળુ છે, તારી કરુણાના પ્રવાહમાં અમારાં પાપોને વહાવી દે. તો, મને લાગે છે, જિસસે પાણીને શરાબ બનાવી દીધો. એને કદાચ એક હોંસલામાં પરિવર્તિત કરી લીધો હશે, એમ બની શકે.
હિંદુસ્તાન સ્વયં ચમત્કાર છે, ચમત્કાર નહીં, હિંદુસ્તાન સાક્ષાત્કારનો દેશ છે. જ્યાં લોકોએ ઈશ્ર્વરનો અહેસાસ કર્યો છે, હરિને મેળવ્યા છે. આ મારગમાં માણસ થોડો પણ ચાલે ને તો સમજવું કે કોઈ પાછળ છે.
भानु पीठि सेड्अ उर आगी।
स्वमिहि सर्व भाव छल त्यागी॥
આ મંત્રને યાદ રાખવો. હરિનામ જપવાવાળાની પીઠ પર સૂરજ હોય છે અને છાતીમાં પ્રભુપ્રેમની એક મીઠી આગ, વિરહાગ્નિ રહે છે. કોઈ પ્રબળ એવું તત્ત્વ આપણી પાછળ હોય તો એ આપણને ઢીલા નથી પડવા દેતું. તો બાપ, તમે વાંચો,સ્વાધ્યાય કરો, આરામ કરો, મોજ કરો, ફિલ્મ જુઓ, બધું કરો;પરંતુ એ બધું કરતાં-કરતાં કોઈ કામ ન હોય એવા સમયે તમારાં ઈષ્ટદેવનું નામ જપો. આ યજ્ઞ છે. જ્યારે અવસર મળે ત્યારે હરિને પુકારો. આચાર્ય મધુસૂદન સરસ્વતીએ કહ્યું, માણસે વ્યર્થ કાળ વિતાવવો ન જોઈએ. તુલસીદાસજીએ લખ્યું છે, હરિનામ ભાવથી, અભાવથી, આળસથી, ક્રોધથી, કોઈ પણ રીતે લો; નામ અનંત છે. – સંકલન : જયદેવ માંકડ