વાયનાડ, ઊટી અને શોરબકોર

ઉત્સવ

રંગ છલકે-કિન્નર આચાર્ય

વાયનાડ એક સુંદર જિલ્લો છે, એકદમ બ્યૂટીફૂલ વિસ્તાર. પરંતુ કેરળનાં અન્ય પર્યટન સ્થળો જેટલો પોપ્યુલર નથી. કેરળનું નામ પડે એટલે આપણા મનમાં મુન્નાર-ઠેક્કડી કે કોચ્ચી જેવાં નામો જ આવે. જેમ હિમાચલ એટલે આપણે મન કુલ્લુ-મનાલી અને સિમલા. વાસ્તવમાં આ ઘોંઘાટિયા ગિરિમથકો કરતાં ક્યાંય વધુ સુંદર સ્થળો હિમાચલમાં છે. પરંતુ સામાન્ય રીતે આપણે વર્જિન સ્થળોએ જવાનું ટાળીએ છીએ.
વાયનાડ પણ આવો જ એ ઉપેક્ષિત વિસ્તાર છે. અહીં જોવાલાયક, માણવાલાયક ઘણુંબધું છે. વાયનાડનું સૌથી લોકપ્રિય સ્થળ કદાચ બાણાસૂર જળાશય છે. અહીં સ્પીડબોટમાં બોટિંગ કરવું એ એક લહાવો છે. બોટિંગ તો તમે અને અમે ઘણી જગ્યાએ કર્યું હોય, પરંતુ બાણાસૂર ડેમની મજા એ છે કે, અહીં ડેમ મધ્યે અસંખ્ય ટચૂકડા ટાપુઓ આવેલા છે. આ ભુલભુલામણી વચ્ચે તમારી બોટ ફૂલ સ્પીડમાં દોડતી હોય એ એક રોમાંચક અનુભવ છે.
બાણાસૂર એક ફોટોજેનિક સાઈટ છે. આસપાસ લકઝરિયસ રિસોર્ટ અને હોટેલ્સ છે. ઈવન, તાજ ગ્રુપનું રિસોર્ટ પણ છે. આવું જ એક સુંદર તળાવ છે: પુકોડે લેક. ગાઢ જંગલ મધ્યે અને પહાડો વચ્ચે સ્થિત આ ફ્રેશ વોટરનું જળાશય સાડા આઠ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની વિશેષતા છે- તળાવમાં ઉગતાં બ્લુ રંગનાં કમળ.
જો કે વાયનાડનું સૌથી સુંદર સ્થળ ચેમ્બ્રા પીક છે. લગભગ સાત હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું આ શિખર ટ્રેકર્સ માટે સ્વર્ગ ગણાય છે. અહીંના આંખો ઠારતાં દૃશ્યો આપણને મંત્રમુગ્ધ કરી મૂકે છે. વાયનાડમાં આવા ઘણા વ્યૂ પોઈન્ટસ છે. નીલિમાલા વ્યૂ પોઈન્ટ પણ આવું જ એક સ્ટનિંગ સ્થળ છે.
અહીં ઘણું છે. એડક્કલ કેવ્ઝ, કુરુવા આઈલેન્ડ, મીનમુટ્ટી ધોધ, થોલપેટ્ટી વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરી, સૂચિપારા ધોધ, વાયનાડ વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરી…. અને બીજું ઘણુંબધું. આખું વાયનાડ ફરવું હોય તો કમસેકમ ચાર-પાંચ દિવસ જોઈએ. પરંતુ અમારી પાસે મર્યાદિત સમય હતો. એટલે મુખ્ય સ્થળો જોઈને અમે કેરળથી તામિલનાડુની વાટ પકડી.
અમારા કોફી એસ્ટેટથી તમિળનાડુ તરફ જતા રસ્તામાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં. પણ વિખ્યાત હિલ સ્ટેશન ઊટી પહોંચ્યા પછી થયું કે, અહીં આવવાને બદલે થિરૂનેલ્લીનાં જંગલોમાં પડ્યાં રહ્યાં હોત તો સારૂં હતું. જેમ શિમલા, મનાલી અને દાર્જિલિંગ ઓવર ક્રાઉડથી દૂષિત-પ્રદૂષિત થઈ ગયા છે, તેમ ઊટીની હાલત પણ ખરાબ છે.
અહીં પ્રખ્યાત જીલનું પાણી એટલી હદે ગંદું છે કે, તેમાં તમે બોટિંગ કરતાં હોવ ત્યારે રીતસર જાણે ગટરનાં પાણીમાં બોટિંગ કરતા હોવ તેવી બદબૂ આવે. આખા ઊટીમાં ચોતરફ હોટેલ્સ અને હોમ-સ્ટે ખડકાઈ ગયા છે. મુખ્ય માર્ગો સ્વચ્છ. પરંતુ જેવાં સ્હેજ ઈન્ટીરિયર જાઓ કે પૈસા પડી જાય. ઊટીમાં જાણે કીડીયારું ઉભરાયું હતું. ચોતરફ માણસો જ માણસો. હિલ સ્ટેશનમાં નહીં, કોઈ મેળામાં ફરતા હોઈએ તેવું લાગે.
ભારતનાં મોટા ભાગનાં પોપ્યુલર હિલ સ્ટેશનની આ જ દશા છે. મસમોટી રેસ્ટોરાં, મેટ્રો સિટી જેવી બજારો અને રોડ ઓળંગી ન શકાય તેવો ટ્રાફિક. આપણે ફ્રેશ થવા ત્યાં ગયા હોઈએ અને પહોંચીએ તો મુંઝારો થવા લાગે. આપણને થાય કે, જલદી અહીંથી ભાગીએ.
આવાં કારણોથી હું હંમેશાં આવાં સ્થળો પર સિટી સેન્ટરથી દૂરની હોટેલ પસંદ કરું. ભીડની જફા નહીં અને કોઈ જ શોરબકોર નહીં. ફરવાની સાચી મજા- સાચો આનંદ આ જ છે. એટલિસ્ટ, અમારા માટે તો આ જ છે. જો કે ફરવાનો બધાનો ટેસ્ટ અલગ હોય. કોઈને શાંતિ ગમે, કોઈને ભીડ ગમે. તમને ભીડ ગમતી હોય તો ઊટી જરૂર જજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.