Homeઆમચી મુંબઈઅંધેરી, વિલે પાર્લેની પાણીની સમસ્યાનો આવશે અંત

અંધેરી, વિલે પાર્લેની પાણીની સમસ્યાનો આવશે અંત

૧૪ કરોડના ખર્ચે પાઈપલાઈનનાં ગળતર થશે દૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરના અંધેરી, વિલે પાર્લે અને જોગેશ્ર્વરીના અમુક વિસ્તારમાં ઓછું પાણી મળતું હોવાની લાંબા સમયથી ફરિયાદો આવતી હતી. તેથી અહીં જૂની અને જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈનમાં રહેલાં ગળતરને શોધીને તેને દૂર કરવાનું કામ હાથ મોટા પાયા પર ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી અહીં હજારથી પણ વધુ ગળતર દૂર કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં પણ આ કામ ચાલુ જ રહેવાનું છે, તે માટે પાલિકાએ લગભગ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની હોવાનું જાણવા મળ્યું છે.
‘કે-પશ્ર્ચિમ’ વોર્ડના અંધેરી, વિલે પાર્લે અને જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં લાંબા સમયથી પાણીની પાઈપલાઈનમાં ગળતર હોવાનું અને નાગરિકોને ઓછું પાણી મળતું હોવાની ફરિયાદો આવતી હતી. છેવટે વોર્ડ સ્તરે પાણીની પાઈપલાઈનમાં ગળતર શોધીને તેને રોકવાનું, દૂષિત પાણીનું પ્રમાણ ઘટાડવાનું, ઓછા દબાણથી આવતાં પાણીની સમસ્યા દૂર કરવાના કામ હાથમાં લેવામાં આવ્યું હતું, જે હેઠળ કટાઈ ગયેલી પાણીની પાઈપલાઈન બદલવાથી લઈને રસ્તાના વિકાસ કામને આડે આવતી પાણીની પાઈપલાઈનને હટાવવાનું તેમ જ નવી પાઈપલાઈન નાખવાના કામ કરવામાં આવ્યાં હતા.
‘કે-પશ્ર્ચિમ’ વોર્ડમાં પાણીની પાઈપલાઈન બદલવાના કામ માટે પાલિકાએ કોવિડકાળમાં એટલે કે ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૨ સુધીના સમયગાળા માટે કૉન્ટ્રેક્ટર નીમ્યો હતો. આ સમય દરમિયાન પાઈપલાઈનમાં રહેલાં લગભગ ૯૭૭ ગળતર દૂર કરવામાં આવ્યાં હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. ખાસ કરીને રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન તેમ જ વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનમાંથી જતી ૨૩૬ પાઈપલાઈન હટાવવાનું કામ પણ કરવામાં આવ્યું હતું. એ સિવાય જૂની અને કાટ લાગેલા ૧૦૦ મીટર સુધીની ૩૫ પાઈપલાઈન પણ બદલવામાં આવી હતી.
કૉન્ટ્રેક્ટરની મુદત પૂરી થતા હવે આ કામ માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે અને આ વિસ્તારમાં બાકી રહેલાં કામ માટે લગભગ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

RELATED ARTICLES

Most Popular