Mumbai: છેલ્લાં કેટલાક દિવસથી મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં વરસાદી પાણીનો 42 ટકા જેટલો જથ્થો જમા થયો છે. નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં તમામ સાત જળાશયોમાં 82,819 મિલિયન લીટર પાણીની આવક થઈ છે.
પાલિકા પ્રશાસને જણાવ્યા અનુસાર હાલમાં મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત જળાશયોમાં 21 દિવસના પાણીનો જથ્થો જમા થયો છે. નોંધનીય છે કે જૂન મહિનામાં વરસાદ ઓછો થવાને કારણે મુંબઈમાં જળસંકટ નિર્માણ થયું હતું. મુંબઈને સૌથી વધુ પાણી સપ્લાય કરતા ભાતસા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 127 મિમી વરસાદ થયો હતો, જેને કારણે પાણીનું સ્તર વધ્યું હતું. ગયા વર્ષે મુંબઈને પાણી પૂરું પાડતા તમામ જળાશયોમા પાણીનો જથ્થો 2.76 લાખ મિલિયલ લીટર હતો જ્યારે આ વર્ષે 2.66 લાખ મિલિયન લીટર છે.