Homeઉત્સવપથ્થર ઉપર પાણી ભીંજે પણ ભેદે નહીં

પથ્થર ઉપર પાણી ભીંજે પણ ભેદે નહીં

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

પથ્થર એવી વસ્તુ છે જે એના વપરાશના આધારે સર્જન કરી શકે છે તો વિનાશને નોતરું પણ આપી શકે છે. ભગવદ્ ગોમંડળ એને માટે પાષાણ, પહાણો કે પાણો, પથરો જેવા વિવિધ પર્યાયવાચી શબ્દો દર્શાવે છે. પથ્થરના મુખ્ય બે ભેદ છે: આગ્નેય અને જલજ. પૃથ્વીની અંદરની ગરમીથી આગ્નેય પથ્થરની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીના ગર્ભમાંનો પ્રવાહી પદાર્થ અત્યંત તપ્ત અવસ્થામાં આ ગરમીને લીધે ઉપર આવે છે અને વખત જતાં ઠંડીથી જામીને પથ્થરનું રૂપ ધારણ કરે છે. જલજ પથ્થર પાણીના પ્રવાહથી થાય છે. માર્ગમાં આવતા પથ્થર વગેરે પદાર્થોનો ચૂરો કરીને જલધારા કીચડના રૂપમાં તેને પોતાના પ્રવાહ સાથે ઘસડી લઈ જાય છે. જે કીચડમાં કઠણ પરમાણુ વધારે હોય ત્યાં જામીને પથ્થરનું રૂપ ધારણ કરે છે. જલજ પથ્થરની બનાવટમાં થર ઉપર થર હોય છે, પણ આગ્નેય પથ્થરમાં એમ હોતું નથી. આ બે સિવાય અસ્થિજ પથ્થર પણ થાય છે. સમુદ્ર જીવોના હાડકાં શિથિલ થયા પછી દબાણથી પાછાં ઘનીભૂત થઈ અસ્થિજ પથ્થર થાય છે. તમે ‘આ બૈલ મુજે માર’ કહેવત સાંભળી હશે. એ જ ભાવાર્થ ધરાવતી કહેવત છે કે આવ પથ્થર પગ પર પડવા જેનો ભાવાર્થ છે જાતે દુ:ખ વહોરી લેવું કે હાથે કરીને મુશ્કેલીમાં આવી પડવું કે મુશ્કેલીને આમંત્રણ આપવું. પથ્થર ઉપર પાણી રૂઢિપ્રયોગ વ્યર્થ પ્રયત્ન તરફ આંગળી ચીંધે છે. પાણીથી જેમ પથ્થર પલળતો નથી તેમ નકામી વસ્તુ પાછળ બધી શક્તિ ગુમાવવી એ એનો ભાવાર્થ છે. ટૂંકમાં કોઈ અસર થાય નહીં તેવું કામ, નકામી મહેનત. આ પ્રયોગનો વિસ્તાર થઈ પથ્થર ઉપર પાણી અને સર્વે ધૂળધાણી જેવી કહેવત પણ બની છે. અહીં પણ એવી મહેનતનો નિર્દેશ છે જેમાંથી કંઈ નિષ્પન્ન નથી થતું. જ્યારે કોઈ વાતની કે શિખામણની કોઈ અસર ન થાય કે શિખામણ કામ ન લાગે ત્યારે પથ્થર ઉપર પાણી ભીંજે પણ ભેદે નહીં એમ કહેવાય છે. પાણી રેડવાથી પથ્થર ભીંજાય ખરો, પણ એ પથ્થર પાણીને ભેદી એની આરપાર ન નીકળે. પથ્થર ઉપર પોયણું ન ઊગે એ કહેવત તમારા સાંભળવામાં આવી હશે. પોયણું એટલે પોયણીનું કે કમળનું ફૂલ. પરસ્પર વિરુદ્ધ બે વસ્તુનો મેળ એક સ્થળે ન હોઈ શકે એ આ કહેવતનો ભાવાર્થ છે. પથ્થર તળે આંગળી દબાઈ હોય તો બળથી નહીં, પણ કળથી નીકળે એ કહેવતમાં વ્યવહારુ જ્ઞાન છલકાય છે. માણસને માથે જ્યારે મુશ્કેલીનો પહાડ તૂટી પડે કે આફતમાં સપડાઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે ધીરજ રાખવી જોઈએ. ઘણી વખત બળ (તાકાત) નહીં પણ કળ (અક્કલ) કામ કરી જાય એ પણ એનો સૂચિતાર્થ છે.
————-
ALLITERATION
ગુજરાતીનો પથ્થર અંગ્રેજીમાં સ્ટોન કહેવાય છે. એના રૂઢિપ્રયોગ અને કહેવતોમાં એક ડોકિયું કરીએ ત્યારે Leave no stone unturnedજેવી કોશિશ કરીએ. Leave no stone unturned એટલે ધાર્યું ફળ કે પરિણામ મેળવવા કોઈ કસર બાકી ન રાખવી.we will leave no stone unturned our efforts to find the culprit. ગુનેગારને પકડવા માટે અમે બનતા બધા જ પ્રયત્ન કરશું, કોઈ કસર બાકી નહીં રાખીએ. એક પ્રચલિત કહેવત છે લગભગ બધાએ સાંભળી હશે કે: A Rolling Stone Gathers No Moss. ચંચળવૃત્તિ દર્શાવતી આ કહેવતનો ભાવાર્થ છે કે સ્થિર સ્વભાવ વિનાની ભ્રમર વૃત્તિ ધરાવતી વ્યક્તિ જીવનમાં સફળ નથી થતી. એદી વ્યક્તિના દિમાગ પર ફૂગ વળી જાય છે. હવે એક આપણે એવી કહેવતની વાત કરીએ જે જાણ્યા પછી એવો જ ભાવાર્થ ધરાવતી ગુજરાતી કહેવત તમને યાદ આવી જશે. To Kill Two Birds With One Stone. એક જ કોશિશમાં બે કામ પાર પાડવા એ એનો ભાવાર્થ છે. એક કાંકરે બે પક્ષી મારવા એ કહેવત યાદ આવી ગઈ ને! એવી જ અન્ય એક કહેવત છે કે Beat One’s Head Against Stone Wall. પથ્થરની દીવાલ પર માથું અફાળવું એટલે જે કામ થઈ ન શકે એવું હોય એને માટે વ્યર્થ પ્રયત્નો કરવા. Let Him That Is Without Sin Cast The First Stone કહેવતમાં જીવનની ફિલસૂફી છલકાય છે. જેમણે કોઈ ભૂલ ન કરી હોય એવા જ લોકોને બીજાને મૂલવવાનો અધિકાર છે એ આ કહેવતનો ભાવાર્થ છે. Stepping Stone એટલે ભેજવાળી જમીન કે નાનકડી ખાડી પરથી પસાર થવામાં મદદ મળે એ માટે મૂકવામાં આવતો પથ્થર. એના પર પગ મૂકી ચાલવાથી બીજી બાજુ સહેલાઈથી પહોંચી જવાય.I see this job as Stepping Stone to better future. આ નોકરી ઉજજવળ ભવિષ્ય તરફ લઈ જશે એવું મારું માનવું છે. Failure is Stepping Stone to Success એટલે નિષ્ફળતા જ સફળતા મેળવવામાં નિમિત્ત બને છે. વીંટીમાં પહેરવામાં આવતા નંગ Precious Stone તરીકે ઓળખાય છે. એના સૌંદર્યને લીધે અને વિલક્ષણ હોવાથી એનો ઉપયોગ આભૂષણોમાં પણ કરવામાં આવે છે.Diamond, Ruby, Sapphire, Emerald or Opal (હીરા, માણેક, મણિ, નીલમ કે લસણિયો) વગેરે Precious Stone – Gems જાણીતા છે.
————–
दगड्यांच्या म्हणी
મરાઠીમાં પથ્થર दगड તરીકે ઓળખાય છે. ભાષામાં ખાસ્સું વજન ધરાવે છે. અક્કલ વગરની વ્યક્તિ માટે કે દિમાગ ન વાપરી શકતા માટે अगदी दगड आह એમ કહેવાતું હોય છે. दगड चोथ એટલે દગડ ચોથ.
ભાદરવા સુદ ચોથ – ગણેશ ચોથને દિવસે કોઈ ચંદ્ર જુએ તો તેના ઉપર આળ આવે, છતાં ચંદ્ર જોનારો માણસ તે જ વખતે જો કોઈની ગાળ ખાય તો પછી આળ આવે નહીં એવી વહેમી માન્યતાને લીધે લોકો ચંદ્ર જોઈ ગાળ ખાઈ લેવાના ઈરાદાથી બીજા માણસના છાપરા ઉપર પથ્થર ફેંકે છે. એના પરથી આ ચોથ દગડ ચોથ પણ કહેવાય છે. दगड खाली हात सापाणे એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું. मदत करायला गेला आणि त्याचा हाल दगड खाली हात सापणे મદદ કરવા ગયો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો. दगडला शेंदूर फासणे એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુને વિના કારણ મહત્ત્વ આપવું. दगडला शेंदूर फासला तरच त्याला देवपण येतं।પથ્થરને કારણ વિના મહત્ત્વ આપવાથી જ એને દેવત્વ પ્રાપ્ત થતું હોય છે. અખાની વાત યાદ આવી ગઈ હશે: એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. दगडला पाझर फोकणे એટલે નિર્દય મનુષ્યના મનમાં દયા ઉત્પન્ન થવી. आचणीत सापालेल्या लोकांची अवस्था दगडला पाझर फोलणारी होती.. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની હાલત કોઈના પણ દિલમાં દયાભાવ ઉત્પન્ન થઈ જાય એવી હતી.
પથ્થર પણ પીગળી જાય એમ આપણે ગુજરાતીમાં કહેતા જ હોઈએ છીએ. दगडाचा दोर करण પથ્થરને દોરી બનાવી દેવી. મતલબ કે અસંભવ વાતને સંભવ બનાવવી. प्रयत्रांच्या जोरावर माणसाला दगडाचाही दोर करता येतो. કોશિશ કરવાથી કોઈ પણ અશક્ય કામ શક્ય બનાવી શકાય છે.
————–
पत्थर की लकीर
पत्थर मानव जाति के लिये अत्यंत उपयोगी पदार्थ है। मनुष्यों ने
धातुओं की प्राप्ति का उपाय और उनका उपयोग नहीं जाना था तब तक
उनके हथियार, औजार, बर्तन सब पत्थर के ही होते थे। ગુજરાતીનો પથ્થર હિન્દીમાં પથ્થર તરીકે ઓળખાય છે. મનુષ્ય જાતિના જીવનમાં ધાતુનું અસ્તિત્વ નહોતું ત્યારે અત્યંત ઉપયોગી આ પત્થરના જ વાસણ, હથિયાર વગેરે બનતા હતા. ભાષામાં પણ એ વણાઈ ગયો છે. બોલચાલની ભાષામાં એનો ઉપયોગ સખત અથવા વજનદાર, ગતિ શૂન્ય કે અનુભૂતિ વિનાનો, દયાભાવ કે કરુણાના અભાવવાળો, અત્યંત જડબુદ્ધિ અથવા લોભી માટે થાય છે. હવે આ શબ્દના કેટલાક વિશિષ્ટ પ્રયોગ જાણીએ. पत्थर पर दूब जमनाમાં દૂબ એટલે ખડ અથવા ઘાસ. પથ્થર પર ઘાસ ઊગવું એટલે અશક્ય કામ શક્ય બની જવું. पत्थर का कलेजा,दिल या हृदय-अत्यंत कठोर हृदय। આવું હૃદય ધરાવતી વ્યક્તિમાં દયા, કરુણા વગેરે કોમળ ભાવને સ્થાન નથી હોતું. સાહિત્યમાં રૂપક તરીકે ધારદાર ઉપયોગ દુષ્યંત કુમારની પંક્તિમાં જોવા મળે છે: आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो
यारो. સુરાખ એટલે છેદ અને તબિયત સે એટલે પૂરું જોશ કે દિલ લગાવીને. કોશિશ કરવાથી કોઈ પણ કામ અસંભવ નથી રહેતું એ એનો ભાવાર્થ છે. મન હોય તો માળવે જવાય એના જેવું.
पत्थर की छाती એટલે ક્યારેય હિંમત ન ગુમાવનાર કે હાર ન સ્વીકારનાર વ્યક્તિ.च-मुच उस मनुष्य की पत्थर की छाली है, इतना भारी दुःख सह लिया,
आह तक नहीं की ।
સાચે જ એ માણસની છાતી પથ્થરની છે, માથે દુ:ખનો પહાડ તૂટી પડવા છતાં તેણે ખ્યાલ પણ ન આવવા દીધો. पत्थर की लकीर એટલે અમીટ, સ્થિર કે સ્થાયી. એવી કહેવત છે કે ओछो की मित्रता पानी की लकीर और सज्जनों की मित्रता पत्थर की
लकीर है। દુર્જન લોકોની મૈત્રી ટકતી નથી હોતી જ્યારે સજજનની દોસ્તી ક્યારેય તૂટતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular