દેશની આર્થિક રાજધાનીમાં જળસંકટ

ઉત્સવ

ચોમાસાએ દગો આપવાને કારણે સર્જાઈ ગંભીર સ્થિતિ 
વૈકલ્પિક વ્યવસ્થાના નામે મુંબઈ મનપાનું મીંડું
વોટર રિસાઈક્લિગં અને ડિસેલિનેશન પ્લાન્ટ હજી સુધી અધ્ધરતાલ
…તો ૨૦૧૨ની જેમ પીવાના પાણી માટે મુંબઈગરાએ મારવાં પડશે વલખાં

વિપુલ વૈદ્ય

મહારાષ્ટ્રમાં પહેલી જૂને આગમન કરવાની આશા આપનારું ચોમાસું હજી સુધી જામ્યું નથી અને દેશની આર્થિક રાજધાની મુંબઈને પાણી પુરવઠો કરનારાં જળાશયોમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે આ સ્થિતિમાં મુંબઈમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે. વાસ્તવમાં અત્યારે મુંબઈને પાણી પુરવઠો કરી રહેલાં જળાશયોની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો આગામી દિવસોમાં સમાધાનકારક વરસાદ ન પડે તો આગામી આખું વર્ષ પીવાના પાણી માટે વલખાં મારવાં પડે એવી હાલત સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે.
તાજેતરના ભૂતકાળને જોવામાં આવે તો મુંબઈ-મહારાષ્ટ્રમાં ૨૦૧૨માં કારમો દુકાળ પડ્યો હતો અને મુંબઈમાં પાણીકાપની ટકાવારી ૫૦ ટકા સુધી પહોંચી ગઈ હતી. તે વર્ષે દેશની આર્થિક રાજધાનીમાં ફરી વખત આવી સ્થિતિ ક્યારેય ન સર્જાય તે માટે કેટલાક વૈકલ્પિક ઉપાય સૂચવવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને આ દિશામાં કામ કરવાના નિર્દેશ આપ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાએ ત્યાર બાદ આખા વિશ્ર્વમાં પીવાના પાણી માટેના વૈકલ્પિક ઉપાય શોધ્યા હતા અને આખી દુનિયામાં વિવિધ સ્થળે અપનાવવામાં આવતી પદ્ધતિઓને મુંબઈમાં ઉપયોગમાં લઈ શકાય કે નહીં તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૨૦૧૨ના જળસંકટને એક દાયકો વીતી ગયો હોવા છતાં હજી સુધી મુંબઈ મહાનગરપાલિકાએ વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા વિશે કશું જ કર્યું ન હોવાથી ચાલુ વર્ષે શહેરમાં જળસંકટ ઘેરું બનવાનાં ચિહ્નો જોવા મળી રહ્યાં છે.
રાજકીય સ્વાર્થને કારણે પાણીકાપ લાદવામાં વિલંબ?
મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ ગઈ છે અને તેની ચૂંટણી અપેક્ષિત છે. બીજી તરફ રાજ્યમાં રાજ્યસભા અને વિધાન પરિષદની પણ ચૂંટણીઓ આ મહિનામાં થઈ હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુંબઈનાં જળાશયોમાં ઘટતા જતા પાણીના જથ્થાને જોવા છતાં પાણીકાપ લાદવાનો નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને અત્યારે સ્થિતિ એવી થઈ છે કે આખું વર્ષ પાણી પુરવઠો કરવા માટે અંદાજે ૧૪ લાખ મિલિયન લિટર પાણી જોઈએ તેની સામે જળાશયોમાં અત્યારે ફક્ત એક-સવા લાખ મિલિયન લિટરની આસપાસ પાણી પડ્યું છે અને સામાન્ય પુરવઠો કરવામાં આવે તો ૧૫-૨૦ દિવસોમાં જળાશયો સુકાઈ જશે. અત્યારે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસું જામવાનાં કોઈ એંધાણ દેખાતાં નથી અને તેને કારણે સ્થિતિ ગંભીર થવાની આશંકા ઊભી થઈ છે.
સામાન્ય સંજોગોમાં જળાશયોમાં રહેલો પાણીનો જથ્થો ૩૦ ટકા પર પહોંચે ત્યારે પાંચ ટકા, ૨૦ ટકા પર પહોંચે ત્યારે ૧૦ ટકા અને ૧૦ ટકાની નીચે જાય ત્યારે ૩૦ ટકા પાણીકાપ લાદવામાં આવતો હોય છે, પરંતુ રાજકીય સ્થિતિ અને આવી રહેલી મુંબઈ મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જળસંકટ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા અને ચોમાસાની આશાએ જળાશયોને ખાલી કરી નાખવામાં આવ્યાં હોવાથી આજની સ્થિતિ સર્જાઈ છે.

———–
સમુદ્રના પાણીને મીઠું
બનાવવાનો પ્રોજેક્ટ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લગભગ આઠ વર્ષ પહેલાં સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના વિચારવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ બાબતે પ્રસ્તાવથી આગળ મામલો વધ્યો નથી. ગયા વર્ષે આદિત્ય ઠાકરે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમુદ્રના પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટને અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી અને ભૂમિપૂજન પણ કર્યું હતું, પરંતુ હજી સુધી આ પ્રોજેક્ટમાં પાલિકા આગળ વધી ન હોવાથી આ વર્ષે સમુદ્રમાંથી મીઠું કરેલું પાણી આ વર્ષે નાગરિકોને મળી શકશે નહીં.
ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્રોજેક્ટ
મુંબઈ શહેરમાં પીવાનું પાણી બધા જ પ્રકારના ઉપયોગમાં લેવામાં આવે છે અને ૨૦૧૨ના જળસંકટ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પીવાનું શુદ્ધ પાણી ફક્ત પીવા માટેના ઉપયોગમાં લેવું અને બાકીના ઉપયોગ માટે રિસાઈકલ્ડ એટલે કે ગંદા પાણીને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવું. આને માટે સોસાયટીના સ્તરે પ્રોજેક્ટ લગાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી અને સોસાયટીઓને પ્રોત્સાહન આપવાની યોજના પણ જાહેર કરવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાએ પોતે પણ ગંદા પાણીને શુદ્ધ કરવા માટેની યોજના અમલમાં મૂકી હતી અને આવા બે પ્લાન્ટ પણ નાખ્યા છે, પરંતુ મુંબઈ શહેરમાં રોજના ઉપયોગમાં લેવામાં આવતા અને સમુદ્રમાં છોડવામાં આવતા પાણીના પ્રમાણના ૧૦ ટકા પાણીનું પણ રિસાઈક્લિગં થતું નથી. આ મુદ્દે ચાલુ વર્ષે જ એક બિનસરકારી સંસ્થા દ્વારા અહેવાલ તૈયાર કરીને મુંબઈ મનપાની ટીકા કરવામાં આવી હતી. મુંબઈ મનપા ખાનગી હાઉસિંગ સોસાયટીઓને પાણી રિસાઈકલ કરવા માટે પ્રેરિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી આ દિશામાં નાગરિકોની ઉદાસીનતા જોવા મળી રહી છે અને પરિણામે રોજનું કરોડો લિટર પાણી શૌચાલયો, નાહવા-ધોવા, છોડવાને પાણી આપવામાં તેમ જ ગાડીઓને ધોવામાં પણ વાપરવામાં આવી રહ્યું છે. આને કારણે શહેર જળસંકટની દિશામાં આગળ વધી રહ્યું છે. ૨૦૧૫માં એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો કે શહેરમાં વપરાતા પાણીમાં ૬૦ ટકા પાણીનો ઉપયોગ રિસાઈકલ કરવામાં આવેલા પાણીથી પૂરો કરવો પરંતુ આ દિશામાં કોઈ નક્કર પગલાં ન લીધાં હોવાને કારણે આજે પણ ૯૦-૯૫ ટકા પીવાના પાણીનો ઉપયોગ બધા જ ઉપયોગ માટે કરવામાં આવી રહ્યો છે.

———

હવામાંથી પાણી બનાવવાનો પ્રોજેક્ટ

મુંબઈમાં ૨૦૧૨માં પહેલી વખત ઈઝરાયલની એક કંપની દ્વારા હવામાંથી પાણી બનાવવાના મશીનનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને ત્યારે મુંબઈ જેવા શહેરમાં આવાં મશીન લગાવવામાં આવે તો ક્યારેય પાણીની અછત ન સર્જાય એમ કહેવામાં આવ્યું હતું. આ મશીનો હવામાં રહેલા ભેજનું રૂપાંતર પાણીમાં કરતાં હોય છે અને આમેય મુંબઈના વાતાવરણમાં ખાસ્સો ભેજ બારે મહિના રહેતો હોય છે. દેશનાં રાજસ્થાન અને ચેન્નઈ જેવાં શહેરોમાં આવાં મશીનની ખરીદી કરવામાં આવી છે અને આ મશીનો પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે, પરંતુ મુંબઈ મનપાએ હજી સુધી આવા એકેય પાણીના મશીનની ખરીદી કરી નથી અને તેથી આ જળસંકટમાં આવા ઉત્કૃષ્ટ મશીનની અછત વર્તાશે.
—————–
મહારાષ્ટ્રની સ્થિતિ પણ ગંભીર: ખેતી માટે નહીં મળે પાણી?

મહારાષ્ટ્રના મરાઠવાડા જેવા વિસ્તારમાં જૂન મહિનામાં સારો વરસાદ થયો હોવા છતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ હજી સુધી જોઈએ એવો પડ્યો નથી. જૂન મહિનામાં સામાન્ય વરસાદના ૪૦ ટકા વરસાદ હજી થયો ન હોવાથી આખા રાજ્યમાં પાણીની કારમી અછત નોંધાઈ છે. નાશિક જિલ્લાનાં બધાં જ જળાશયોમાં મળીને સરેરાશ ફક્ત ૨૩ ટકા પાણી છે અને આમાં સાત મોટા અને ૧૭ મધ્યમ પ્રોજેક્ટને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પુણેનાં મોટા ભાગનાં જળાશયોમાં તળિયાં દેખાઈ રહ્યાં છે. પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં વિવિધ જળાશયોમાં પાણીનો જથ્થો ૧૫-૨૫ ટકાની વચ્ચે છે અને જો ચોમાસું વહેલી તકે જામશે નહીં તો આગામી દિવસોમાં બધું જ પાણી ફક્ત પીવાના પાણીના ઉપયોગ માટે રાખીને ખેતી માટે પાણી નહીં આપવાનો નિર્ણય લેવાય એવી શક્યતા જોવાઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.