મેલ મેટર્સ -અંકિત દેસાઈ
સ્ટે એટ હોમ ડેડની વાત આપણે ગયા સપ્તાહે કરી ત્યારે એક વાચકનો સરસ પ્રશ્ર્ન આવ્યો કે તો શું સ્ટે એટ હોમના ક્ધસેપ્ટમાં પુરુષોએ સ્ત્રીઓની નૈસર્ગિક જવાબદારી પણ ઉઠાવવાની? તો મેં સામું પૂછ્યું કે નૈસર્ગિક જવાબદારીઓ એટલે કયા પ્રકારની? તો એમણે કહ્યું, સંતાન શાળા-કોલેજેથી આવે પછી તેમને જમાડવાની કે તેમને ફરી કોઈ ક્લાસ માટે જવા તૈયાર કરવા કે પછી તેમને ભણાવવા! મને તો આશ્ર્ચર્ય થયું કે આ જવાબદારીઓ નૈસર્ગિક જવાબદારીઓ કઈ રીતે હોઈ શકે?
હું તો એવું માનતો હતો કે સંતાનને ગર્ભમાં ધારણ કરવું કે જન્મ્યા પછી સંતાનને સ્તનપાન કરાવવું એ સ્ત્રીની નૈસર્ગિક જવાબદારી થઈ, એ સિવાય સંતાન કે સંસારની બીજી એકાદ-બે બાબતો હશે, જેનું વહન માત્ર સ્ત્રીના માધ્યમથી જ થઈ શકતું હશે. પરંતુ એ સિવાય સંતાનોની એવી કોઈ જવાબદારી નથી, જે જવાબદારીઓ માત્ર સ્ત્રીઓ જ નિભાવી શકે એવો કોઈ નૈસર્ગિક નિયમ હોય. હા, એવું બની શકે કે સ્ત્રીઓને નાનપણથી અમુક કામો શીખવવામાં આવતા હોય એટલે તેઓ અમુક કામો કુશળતાપૂર્વક કરી શકે. અને પુરુષને એ કામો સાથે પનારો ક્યારેય નહીં પડ્યો હોય અથવા બહુ મોડો પડ્યો હોય, પરંતુ એમાં એવું તો નથી કે અમુક કામ સ્ત્રીઓએ જ શીખવા કે કરવા. એ પરથી જ મને એક વિચાર આવ્યો કે ‘સ્ટે એટ હોમ ડેડ’ ક્ધસેપ્ટ તો અત્યંત જૂજ લોકોએ ભારતમાં અપનાવ્યો છે. અને જે પરિવારોએ આ ક્ધસેપ્ટ અપનાવ્યો છે એમનાં કારણો જુદાં જુદાં છે. કોઈકે તેમની સ્ત્રી પાર્ટનરને કરિઅરમાં બ્રેક નહોતી મારવા દેવી એટલે પુરુષે સંસારની જવાબદારી ઉઠાવી લીધી હોય. અથવા કોઈક પુરુષ કળાના ક્ષેત્રમાં હતો અથવા આઈટીના ક્ષેત્રમાં ફ્રીલાન્સ હતો એટલે તેણે ઘર અને સંતાનોને સંભાળવાની જવાબદારી ઉઠાવી લીધી. અથવા એકાદ કિસ્સામાં એવું પણ બન્યું હોય કે ઉંમરના કોઈક તબક્કે પુરુષ કામ વિનાનો થઈ ગયો હોય અને તેણે વખાના માર્યા ઘરે બેસવું પડ્યું હોય અને ઘરની જવાબદારી લીધી હોય, પરંતુ એ કિસ્સાઓ બીજા અનેક પુરુષો અને કપલ્સને પ્રેરિત કરી રહ્યા છે કે તેઓ પણ સ્ટે એટ હોમ ડેડનો ક્ધસેપ્ટ સ્વીકારી શકે અને હોશેહોશે પોતાનાં સંતાનોને અને ઘરને સંભાળે. અલબત્ત, પોતાની અમુક ઈન્કમ રાખીને!
પણ પશ્ર્ચિમની જેમ આ ટ્રેન્ડ કંઈ ભારતમાં સર્વસ્કૃત બનવાનો નથી. કે નથી તો અર્બન વિસ્તારોમાં પણ એની ટકાવારીમાં ઝડપભેર વધારો થવાનો. કારણ કે ‘પુરુષોએ સ્ત્રીઓની નૈસર્ગિક જવાબદારી પણ ઉઠાવવાની?’ એ પ્રશ્ર્ન પણ અર્બન વિસ્તારમાંથી જ આવ્યો હતો, પરંતુ એ પ્રશ્ર્નની સાથે મને બીજો વિચાર એ આવ્યો કે ‘સ્ટે એટ હોમ ડેડ’ ક્ધસેપ્ટ ભલે અમુક પ્રમાણમાં ચલણમાં હોય, છતાંય ભારતીય સમાજ માટે આ પ્રથા એક કલ્પન જ કહી શકાય. એટલે એને હાલ પૂરતું બાજુએ મૂકીએ. પણ શું અમુક કામોને જો સ્ત્રીની નૈસર્ગિક જવાબદારી ગણી લેવામાં આવશે તો શું પુરુષ માટે આવનારું ભવિષ્ય દુષ્કર નહીં બની રહે?
કારણ કે વાસણ ઊટકવા, જરૂર પડ્યે કે રોજ ઘરમાં ઝાડુ- પોતું કરવું, એટલે કે ઘરને સ્વચ્છ રાખવું કે પછી કપડા ધોવા અને સૂકવવા એ કંઈ સ્ત્રીની નૈસર્ગિક જવાબદારી થોડી છે? અને આ બાબતને કંઈ ફેમિનિઝમ કે ઈક્વાલિટીના દૃષ્ટિકોણથી નથી જોવાનો. એ બંને દૃષ્ટિકોણ પોતાની જગ્યાએ મહત્ત્વના અને સાચા છે, પરંતુ અહીં એ પ્રાસંગિક નથી. કારણ કે અહીં આપણે ઇક્વાલિટીની વાત કરવા નથી આવ્યા. અહીં આપણે આખો મુદ્દો એ રીતે પણ સમજવો પડશે કે હવે પહેલાં જેવી સંયુક્ત કુટુંબની લાઈફ સ્ટાઈલ રહી નથી. વળી, ગ્લોબ ઈઝ અ વિલેજના ક્ધસેપ્ટ પર કેનેડા કે ઑસ્ટ્રેલિયા કે લંડન એ ભારતીય યુવાનો માટે મલાડ-પાર્લા થઈ ગયા છે.
એવા સમયે જો પુરુષના ઉછેર દરમિયાન આ બાબત એના મનમાં રહી ગઈ તો? કે અમુક કામો તો સ્ત્રીઓની જ જવાબદારી? તો એ સર્વાઈવ કઈ રીતે કરશે? તેના માટે તો આ રોજિંદા અને સ્ત્રીનાં ગણાતાં કામો ભારરૂપ અને કંઈક અંશે સ્ટ્રેસફૂલ થઈ રહેશે, પરંતુ એની જગ્યાએ તેને નાનપણથી પોતાની થાળી જાતે ઉંચકીને બેઝિન સુધી મૂકવાની. જરૂર પડ્યે એ ધોઈ- લૂછીને એની જગ્યાએ મૂકી દેવાની કે પછી અમુક બીજી કેટલીક આદતો શીખવવામાં આવી હોય તો? તો એકસાથે બે ફાયદા થશે. એક પુરુષ માટે અમુક કામ અશક્ય કે માથાનો દુખાવો ક્યારેય નહીં રહે. અને બીજું એ કે તેના મનમાં એવો સવાલ ક્યારેય નહીં આવે કે આ કામો તો સ્ત્રીઓનાં છે.
– વહાલપૂર્વક