તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના મહાગ્રંથો કયા? ઇતિહાસનું – યુદ્ધોનું અદ્ભુત આલેખન કયા ગ્રંથોમાં મળે એમ કોઈ પૂછે તો તરત આપણે રામાયણ અને મહાભારતનું નામ આપીએ! પણ એ બંનેથી જૂનો, ઇતિહાસમાંથી લગભગ નામશેષ કરી નખાયેલો એક ત્રીજો અધ્યાય પણ છે – દાશરાજ્ઞ યુદ્ધ.
ભારતીય ઉપખંડમાં આર્યોના આક્રમણની ઘડી કાઢવામાં આવેલી આખી કાલ્પનીક કથાએ જે સૌથી મોટું નુકસાન કર્યું એ છે મૂળભૂત ઇતિહાસને ભૂંસી નાખવાનું. પક્ષપાતપૂર્ણ વલણ ધરાવતા અને પૂર્વગ્રહોથી ઘેરાયેલા કેટલાક પશ્ર્ચિમી અને એમના પ્રભાવમાં આવીને અમુક ‘ભારતીય ઇતિહાસકારો’એ આર્યોના આક્રમણની પરિકલ્પનાની માપપટ્ટીએ આપણાં ઐતિહાસિક ગ્રંથોને મૂલવ્યાં છે.
એને પરિણામે આપણા ઈતિહાસના કેટલાય પાત્રો કાલ્પનિક નામ તરીકે વપરાતાં થઈ ગયાં. જે સંસ્કૃતિ પર આપણે ગર્વ કરવો જોઈએ એ જ આપણને નીચું દેખાડવા વપરાઈ. વેદ, પુરાણો અને ઉપનિષદોમાં ઈતિહાસ નહીં, ફક્ત અધ્યાત્મિકતા જ છે એમ એમણે પ્રસ્થાપિત કર્યું. ફક્ત એક જ દૃષ્ટિકોણથી એ ગ્રંથોને જોવાતા કર્યાં – એ ગહન અધ્યાત્મિક ગ્રંથો છે, સામાન્ય લોકો માટે નથી, અને એ પ્રાયોગિક નથી એટલે ઉપયોગી નથી એવી ભ્રમણા ઉત્પન્ન કરી! પુરાતન ભારતીય પરંપરાનો ઉજજવળ ઇતિહાસ આગળ વધતો અટકાવવા પ્રયત્નો કર્યા અને એમાં સફળ પણ થયાં.
ડો. એમ. એલ. રાજા લખે છે, આર્યોની આખી કલ્પનાની શરૂઆત ઇટાલિઅન ફિલોપો સાસેટ્ટી (ઇ.સ. ૧૫૪૦ થી ઈ.સ. ૧૫૮૦) ની ભાષાઓની સરખામણીથી શરૂ થઈ. એ ગોવા મલબાર કોચીન જેવા સ્થળોએ રહ્યો અને એણે સંસ્કૃત અને ઇટાલીઅન ભાષા વચ્ચે સરખામણીઓ વિશે લખ્યું. અહીંથી ઇન્ડો યુરિપિઅન ભાષાઓ, ઇન્ડો ઈરાનીઅન અને ઇન્ડો જર્મન ભાષાઓની સમાનતા વિશે વાત થઈ. મૂળે એ બધી ભાષાઓમાં સંસ્કૃતના શબ્દો હતા. પરંતુ એને બદલે સંસ્કૃતને પ્રભાવિત ભાષા ગણાઈ. પોર્ટુગલ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને ઇંગ્લેંડ જેવા દેશોએ ભારત પર કબજો મેળવવા રીતસરની સ્પર્ધા કરી રહ્યા હતાં. એનો મોટો ભાગ અંગ્રેજો જીત્યા અને ભારતીયોને તેમના ઇતિહાસ પ્રત્યે ઉદાસીન કરવા, વેદો પ્રત્યે ઘૃણા કરવા એ જરૂરી હતું કે વેદ ભેદભાવ કરે છે એમ સાબિત કરે. ભારતની વિદ્યાપ્રાપ્તિની પુરાતન વ્યવસ્થા તોડી તેને અંગ્રેજોની ઈચ્છા મુજબ બદલવા સભાન પ્રયત્નો કર્યા. ઈ.સ. પૂર્વે ૪૦૦૦થીય આગળ સુધી જતી ભારતની ઉન્નત ઐતિહાસિક પરંપરાને એ સહન કરી શક્યા નહીં. એમના ભાગલા પાડી રાજ કરવાના હેતુને આપણી ગૌરવપ્રદ ઐતિહાસિક પરંપરા પૂરો થવા દેવાની નહોતી. એનો સમૂગળો નાશ કરવા સદીઓ સુધી પ્રયત્નો થયાં. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોનો નાશ કરીને, જ્ઞાનના કેન્દ્રો જેવા પુસ્તકાલયો બાળીને અને ગુરુપરંપરા તોડી એ જ્ઞાનનું વહન અટકાવીને, ધર્મ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક પરંપરાઓ પ્રત્યે તુચ્છતાનો ભાવ ઉત્પન્ન કરીને અને સૌથી કપરો ઘા હતો આપણું પોતાનો દૃષ્ટિકોણ બદલીને – સંસ્કૃતિને નિરૂપયોગી અને અર્થહીન દર્શાવીને. એ માટે આપણાં જ વેદોના શબ્દ ‘આર્ય’નો આપણી જ સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો.
પાછા આવીએ દાશરાજ્ઞ યુદ્ધ પર. ઇતિહાસનો એ અદ્ભુત ઘટનાક્રમ એટલે કે ઋગ્વેદમાં વર્ણવાયેલ દાશરાજ્ઞ યુદ્ધ! દાશ એટલે દસ અને રાજ્ઞ એટલે રાજા; અહીં દસની સંખ્યા ફક્ત સાંકેતિક છે. ક્યારેક આપણે સદીઓ શબ્દ વાપરીએ ત્યારે એનો અર્થ સો એમ ચોક્કસ હોતો નથી, હજારો લોકો કહીએ ત્યારે ચોક્કસ એક હજાર લોકો હોય એ જરૂરી નથી. દાશરાજ્ઞ યુદ્ધમાં બંને તરફ ઘણાં સમર્થ વ્યક્તિઓ અને પ્રભાવશાળી રાજકુટુંબો હતાં. આર્ય શબ્દ મૂળે પુરુ – ભરતવંશ માટે વપરાતો અને સમયના વહેણ સાથે એ પ્રભાવશાળી, સુસંસ્કૃત, જ્ઞાની અને વૈદિક ધર્મનું પાલન કરતા લોકો માટેનો સામાન્ય શબ્દ બન્યો. આર્યો કંઈ અલગ નહોતા, સુદાસ એ કોઈ દાસ નહોતો, એ તૃષ્ટુ – ભરત વંશનો રાજા હતો અને પુરાણો પણ ઋગ્વેદનું સમર્થન કરે છે. રામાયણકાળથી પણ સદીઓ પહેલા ભારતીય મહાદ્વીપના મહાન ચક્રવર્તિ અને વિશિષ્ટ સમ્રાટ ભરતના વંશમાં સોળમી પેઢીએ સુદાસ નામનો રાજા થયો. વિશ્ર્વામિત્રની દોરવણી હેઠળ એ પોતાના રાજ્યના પૂર્વ, પશ્ર્ચિમ અને ઉત્તર ભાગમાં વિજયપતાકાઓ લહેરાવી રહ્યો હતો. શક્તિશાળી રાજા દિયોદાસનો એ પૌત્ર હતો. સુદાસને પૈજવન પણ કહેવાય છે અર્થાત એ પિજવનનો પુત્ર હતો. એ જ રીતે ભારતનો અર્થ જુઓ તો ભરતનો પુત્ર એમ થાય છે. ભરત એ દુષ્યંત અને શકુંતલાનો પુત્ર હતો એ જાણીતું છે.
કોઈપણ વિશ્ર્વયુદ્ધ જે તે સમયના વિશ્ર્વના ઇતિહાસ પર પોતાની અતુલ્ય છાપ છોડી જાય છે. દાશરાજ્ઞ યુદ્ધ પણ એવું જ નોંધપાત્ર યુદ્ધ હતું, અને એ અનેક રાજાઓની વચ્ચે થયેલું. એ દર્શાવે છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ એવા સમર્થ રાજ્યો હતાં જે એકબીજાની સાથે રહીને મહાયુદ્ધ કરી શક્તાં. અર્થાત એ સમયે પણ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એટલી વિકસિત હતી કે પોતાના હક્ક માટે યુદ્ધે ચડી શકે, સંધીઓ કરી શકે, સાથી રાજ્યો સાથે સંગઠન કરી યુદ્ધ લડી શકે, યુદ્ધ માટે વ્યૂહ બદલી શકે. ભારતના જ નહીં, કદાચ વિશ્વના ઇતિહાસનું એ સૌપ્રથમ મહાયુદ્ધ હતું. આજે પણ ઋગ્વેદ એ યુદ્ધની અમુક વાતો મૂકે છે.
ઋગ્વેદના ત્રીજા મંડળમાં સુદાસની વાત છે. ત્રીજુ મંડળ ઋષિ વિશ્ર્વામિત્રનું છે
અને સાતમું મંડળ ઋષિ વસિષ્ઠનું છે.
સાતમા મંડળના તેંત્રીસમા સૂક્તની ત્રીજી ઋચા છે જ્યાં દાશરાજ્ઞ શબ્દનો પ્રથમ વાર ઉલ્લેખ છે.
ઊમજ્ઞણ ટૂ ર્ઇૈં ડયફળઘજ્ઞ લૂડળર્લૈ ક્ષફળમરુડધ્ત્ળજ્ઞ રૂફહ્ઞળ મળજ્ઞ મરુલશ્ર્વર્ળીં॥
એક તરફ રાજા સુદાસ પૈજવણ સાથે એનું વિશાળ સૈન્ય તથા સાથે તૃત્સુ વંશ અને ઋષિ વસિષ્ઠ છે.
બીજી તરફ દાશરાજ્ઞ, દસેક રાજાઓ છે પુરુ, યદુ, તુર્વસુ, અનુ, દ્રુહ્યુ, અલીન, પખ્ત, મત્સ્ય, અજ, ભલાનસ, વિષાણિન, વૈકર્ણ વગેરે.
ઈન્દ્ર વૃષ્ટિના દેવ છે. ઈન્દ્ર અને વૃત્રાસુર યુદ્ધની વાત તથા મહાભારતમાં કૃષ્ણલીલા અંતર્ગત ગોવર્ધન સાથે સંકળાયેલી ઈન્દ્રપૂજા અને અતિવૃષ્ટિની વાત પણ જાણીતી છે. દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસને સાથ આપતા અને પરાક્રમ વડે શત્રુઓને પરાજિત કરતા ઈન્દ્રને લીધે આ સૂક્ત ઈન્દ્રસૂક્ત કહેવાય છે.
દાશરાજ્ઞ રાજાઓની સેનાએ એકઠાં થઈ એકવાર સુદાસ સામે યુદ્ધ જાહેર કર્યું, એને ઘેરી લીધો. સુદાસનું સૈન્ય નાનકડું હતું તો સામે પક્ષે દશથીય વધારે રાજાઓનું વિશાળ સંયુક્ત સૈન્ય હતું. સુદાસની પાછળની તરફ પરુષ્ણી (રાવી) નદીનો કિનારો હતો. અહીં સંયુક્ત સેનાએ રાજા સુદાસને પાછો પાડ્યો. સુદાસ નદીની બીજી તરફ પહોંચી શકે એમ નહોતો કારણ કે નદીનો પ્રવાહ ધસમસી રહ્યો હતો. સુદાસના ગુરુ વસિષ્ઠે ઈન્દ્ર પાસે મદદ માંગી. પ્રસન્ન થયેલા ઈન્દ્રએ વર્ષા રોકી તથા પાણીને બીજી તરફ દોરવા નહેર ખોદી પરુષ્ણી નદીના જળ છીછરાં બનાવ્યા જેથી રાજા સુદાસ પોતાની સેના સાથે નદીની બીજી તરફ પહોંચી ગયો. પછી એની પાછળ નદી પસાર કરવા પરુષ્ણીમાં ઉતરેલા શત્રુઓને હરાવવા ઈન્દ્રએ પાણીને ફરી પૂર્વવત ધસમસતું વહેતું કર્યું જેથી નદીના પટમાં અધવચ્ચે પહોંચેલા શત્રુઓ વહી ગયાં. જે નદી પાર કરી સામે કાંઠે પહોંચ્યા તેમનું સ્વાગત સુદાસની સેનાએ કર્યું.
અહીં લખાયું છે કે શિમ્યુ નામના શત્રુને નદીનો કચરો બનાવ્યો અર્થાત એ કાદવમાં ખૂંપી ગયો હોવો જોઈએ. વળી લખાયું છે કે તુર્વસ નામનો રાજા પુરોડાશ બની ગયો, વૈદિક યજ્ઞોમાં જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે અને હવિ તરીકે દેવને ખુશ કરવા તેમની સામે મૂકવામાં આવતો હોવાથી પુરોડાશ’ કહેતા. અર્થાત તુર્વસ મૃત્યુ પામ્યો અને સુદાસ સમક્ષ પ્રસ્તુત કરાયો હશે. શત્રુઓએ પરુષ્ણી નદીના કિનારા તોડી નાખ્યા અને ઈન્દ્રની કૃપાથી સુદાસે ચયમાનના પુત્રને સરળતાથી વશ કર્યો. શત્રુઓએ પણ નદીના કિનારા તોડી નહેર બનાવી પાણીના વહેણને બદલવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં નિષ્ફળ રહ્યાં. ઈન્દ્રએ યુદ્ધ પછી એ તૂટેલા કિનારાઓનું સમારકામ કરી જળપ્રવાહ વ્યવસ્થિત કર્યો. સુદાસે બે વૈકર્ણોને અર્થાત બે વિસ્તારોના એકવીસ સમૂહોને પરુષ્ણીના કિનારે હરાવ્યા હશે અને યમુનાના કિનારે ભેદ નામના શત્રુને હણ્યો. અજ, શીઘ્રુ અને યક્ષુ રાજાઓએ સુદાસ સાથે સમજૂતી કરી એને પોતાના અશ્વોની ભેટ અર્પણ કરી. અહીં સમજાય છે કે યુદ્ધ લાંબો સમય ચાલ્યું હશે, એ ઘટનાપ્રચૂર હશે.
સુદાસ ચતુર છે, નાની સેના હોવા છતાં એ યુદ્ધમાં સચોટ વ્યૂહ રચે છે, જરૂર પડે ત્યાં પાછળ પણ હટી જાય છે અને વીરતાપૂર્વક યુદ્ધ કરીને શત્રુઓને હણી પણ શકે છે. શરણે આવેલા શત્રુઓ સાથે એ સંધી પણ કરે છે અને આમ એ દાશરાજ્ઞ યુદ્ધમાં જુદા જુદા વંશોને ભિન્ન ભિન્ન રીતે હરાવે છે. અહીં દાશરાજ્ઞ રાજાઓની એકતા અને યુદ્ધનીતિ તથા સંકલશક્તિ વિશે સંદેહ પણ થાય છે. જો કે એ દાશરાજ્ઞ સમૂહમાં કેટલાક રાજાઓ વૈદિક જીવનપદ્ધતિ અપનાવી જીવનારા હતાં તો કેટલાક એ પદ્ધતિ મુજબ વર્તતા નહોતા એમ પણ સમજાય છે. અહીં એ પણ સમજાય છે કે સુદાસ અને તૃત્સુ સાથે ઈન્દ્ર અને મરુત વગેરે પણ છે. એક ûચામાં કહેવાયું છે કે અનુ અને દ્રુહ્યુના છાંસઠ હજાર છાસઠ વીરોનો ઈન્દ્રદેવે સુદાસ માટે વધ કર્યો. આમ ઈન્દ્ર પણ એક સમ્રાટ અને શક્તિશાળી વ્યક્તિ તરીકે ઉપસી આવે છે. આ મંડળની ઋચાઓમાં યુદ્ધ પછી વિજેતા થયેલા સુદાસનો યશ ગવાયો છે. સુદાસના અશ્ર્વમેઘ યજ્ઞના પુરોહિત વિશ્ર્વામિત્ર છે. કેટલાક વિદ્વાનો આ યુદ્ધના મૂળમાં ઋષિ વસિષ્ઠ અને ઋષિ વિશ્ર્વામિત્ર વચ્ચેના ખટરાગને પણ આલેખે છે, પરંતુ મને એ વિશેની કોઈ વાત મળતી નથી. વળી ઋષિઓને આવા તુચ્છ મનના, અહંના વાહક દર્શાવવા એ એમનું અપમાન છે. એટલે એ કલ્પન વિશે મારે કંઈ કહેવાનું નથી.
ઋગ્વેદમાં આ યુદ્ધની ઘટનાઓનું તબક્કાવાર વિવરણ, યુદ્ધના ચોક્કસ કારણો, ઈન્દ્ર કે વરુણનું સુદાસને મદદ કરવાનું કારણ અને દાશરાજ્ઞોના એકસાથે આક્રમણનું કારણ પણ મળતું નથી. આ કારણોથી દાશરાજ્ઞ યુદ્ધને વિદ્વાનો પોતપોતાની સમજણને આધારે મૂલવે છે.
અધ્યાત્મપથના યાત્રીઓ દાશરાજ્ઞને પાંચ જ્ઞાનેન્દ્રીયો (વૈદિક જીવન પદ્ધતિ) અને પાંચ કર્મેન્દ્રીયો (અવૈદિક જીવન પદ્ધતિ)ના પ્રતીક સ્વરૂપે જુએ છે. સુદાસ એટલે કે સત્યનો દાસ એ આત્મતત્વ છે અને વસિષ્ઠ એ જ્ઞાનનું પ્રતીક છે. ઈન્દ્રિયો ગમે તેટલા પ્રયત્નો કરે, ગમે તે ઉપાયો કરે પણ અંતે મુક્તિ જોઈતી હોય તો જ્ઞાનથી દોરાયેલું આત્મતત્ત્વ જ વિજેતા નીવડે એવો સંદેશ વિદ્વાનો અહીં જુએ છે અને એ યથાર્થ પણ છે.