પ્રેમ ગમે ત્યારે થઈ શકે છે-નિક્કીને પણ થયો અને તે પણ બસમાં. એ છોકરાનું નામ સાહિલ હતું . ભણવામાં સ્માર્ટ અને દેખાવમાં હેન્ડસમ. સાહિલ ઓફિસર બનવા માંગતો હતો જ્યારે નિક્કી મેડિકલ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતી હતી. મતલબ કે બંનેના પોતાના સપના હતા. પણ, આ સપના ક્યાં સાકાર થવાના હતા. કારણ કે નિક્કી હવે દુનિયા છોડી ચૂકી છે અને સાહિલ જ તેની ગર્લફ્રેન્ડનો ખૂની બની ગયો છે. લોહિયાળ પ્રેમની આ વાર્તા થોડી ફિલ્મી લાગે છે, પરંતુ સત્ય છે.
વર્ષ 2018માં સાહિલ અને નિક્કી દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં એક બસમાં અચાનક મળ્યા હતા. સાહિલ એસએસસી કોચિંગ માટે જતો હતો જ્યારે નિક્કી મેડિકલ કોચિંગ લેતી હતી. બંને એક જ બસમાં મુસાફરી કરતા હતા. બંનેએ એકબીજા સામે જોયું તો બંને એકબીજાને જોતા જ રહ્યા. પહેલી નજરે જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત વધી અને બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો.
સાહિલે ગ્રેટર નોઈડાની ગલગોટિયા કોલેજમાં ડી ફાર્મામાં એડમિશન લીધું હતું, જ્યારે નિક્કી યાદવે પણ ગ્રેટર નોઈડામાં બીએ ઓનર્સમાં એડમિશન લીધું હતું. બંનેએ એકબીજાની સાથે જીવવા મરવાના કોલ આપ્યા. તેમણે ગ્રેટર નોઈડામાં એક ફ્લેટ ખરીદ્યો, જ્યાં તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા. તેઓ ઘણીવાર અલગ-અલગ જગ્યાએ સાથે વેકેશન પર જતા હતા. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મસૂરી, દેહરાદૂન અને ઋષિકેશ સહિત દિલ્હી એનસીઆરની બહાર ઘણા સ્થળોએ તેઓ સાથે ફરવા ગયા.
સાહિલના પરિવારજનોએ તેના પર લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. પરિવારના સભ્યોએ સાહિલના લગ્ન નક્કી કર્યા. જોકે, સાહિલે આ વાત નિક્કીથી છુપાવી હતી. પરંતુ, એક દિવસ નિક્કીને તેની ખબર પડી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નિક્કીએ સાહિલને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. પણ, સાહિલની અંદર કોઈ બીજી યોજના હતી. હવે આ સંબંધ તેને પરેશાન કરવા લાગ્યો હતો. સાહિલે નિક્કીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને ઠંડે કલેજે એની હત્યા કરી, એની લાશને ફ્રિજમાં છુપાવી દીધી અને એ જ દિવસે બીજી મહિલા સાથે લગ્ન પણ કરી લીધા.
નિક્કી એક છોકરાના પ્રેમમાં હતી, તેના પિતા આ હકીકતથી સંપૂર્ણપણે અજાણ હતા. તેઓ માત્ર એટલું જ વિચારતા હતા કે એક દિવસ તેની દીકરીને મેડિકલ ક્ષેત્રે ઊંચા પગારની નોકરી મળશે. પરંતુ, જ્યારે પુત્રીનો ફોન બંધ થયો, ત્યારે તેમને કંઈક અઘટિત થવાનો ડર લાગ્યો. તેમણે પોલીસને જાણ કરી. આ પછી પોલીસે નિક્કીના પ્રેમીની ધરપકડ કરી હતી.
હાલમાં તો કોર્ટે આરોપી સાહિલને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે.