સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
શું ક્યારેય તમને એવું લાગ્યું કે લોકો તમારા વિશે ખોટી વાતો કર્યા કરે છે? તમારી નબળાઈઓ, ખામીઓ, અણઆવડતો, ભૂતકાળની ભૂલો વગેરેને લઈને નિંદા કરે છે? તમે આગળ ન વધો એવા પ્રયાસો કરીને તમારા માર્ગમાં નાહકનો અવરોધ નાખવાનો પ્રયાસ કરે છે? આપણા બધાની લાઈફમાં આવા અનુભવો ચોક્કસ હશે કે જ્યારે આપણને સાંભળવા મળે કે, ‘યાર તારા વિશે તો આવું બોલાય છે.’ ને આપણે એ સાંભળીને ગુસ્સામાં સમસમી જઈએ છીએ. ક્યારે પેલી વ્યક્તિનો ભેટો થાય ને ક્યારે આપણે એની વાતનો જવાબ આપીએ એની રાહ જોઈએ છીએ. કોઈને મોઢે આપણી કોઈ નકારાત્મક વાત સાંભળ્યા બાદ આપણને ક્યાંય ગોઠતું પણ નથી હોતું. જ્યાં સુધી એને મળીને એને મુહતોડ જવાબ ન આપીએ ત્યાં સુધી હખ નામનો કીડો આપણનેય હખ લેવા દેતો નથી.
કેટલાંય લોકોની એવી આદત જ હોય કે જ્યાં સુધી કોઈની ટીકા ટિપ્પણી ન કરે ત્યાં સુધી એમના પેટમાં ગેસ થાય. જાણે કે જમવાનું હજમ જ ન થાય…! વળી પોતાનામાં તો ઢગલો અવગુણો અને અણઆવડતોનો ભંડાર બારેમાસ ભર્યા પડ્યા હોય. પણ એની આસપાસના લોકોની નાનકડી અમથી ભૂલથી એ મોજમાં આવી જાય અને બીજા સમક્ષ એ ન ઠાલવે ત્યાં સુધી જાણે શબ્દોની કબજિયાત થઈ જાય. કોઈ વ્યક્તિ કંઈક નવું કરવાની કોશિશ કરી રહી હોય કે પછી પોતાના સ્માર્ટ આઈડિયાઝથી લોકોના ઝુંડ વચ્ચે અલગ તરી આવતી હોય એના માર્ગમાં અવરોધ નાખવાની કોશિશ કરે. એવું કરીને કેટલીક બળતરેલી વ્યક્તિઓ પોતાનો ઈગો સંતોષવા મથે છે. અને એની જાણ આપણને થતાં જ જાણે મોટી દુર્ઘટના થઈ હોય એમ આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ. અને આવી વ્યક્તિઓનો ગોલ જ આ છે કે કેમેય કરીને આપણને ઉશ્કેરવા…
‘એનાથી આવું બોલાય જ કેમ?’, ‘પોતે એના મનમાં સમજે છે શું?’, ‘હવે મળે એટલી વાર છે જો, નાની યાદ ન દેવડાવું તો કહેજો’, ‘પોતાના પોટલાની તો ગાંઠ વળાય એમ નથી ને બીજાના પૂળા વાળવા નીકળી પડે છે, એક દિવસ બરાબરનો પાઠ ભણાવું જો’, ‘બોલવામાંય ફાંફા પડે છે ને બીજાના શબ્દોમાં ભૂલ કાઢે લે’, ‘ઘરમાં કોઈ બોલાવતુંય નથી ને ગામને સલાહો આપ્યા કરે’. આ અને આના જેવા કેટલાંય ડાયલોગ્સ આપણા મનમાં આમથી તેમ દોડાદોડી કરતા હોય. જે વ્યક્તિએ આપણી પીઠ પાછળ આપણી ભૂલોને લઈને જાહેરમાં આપણને હાસ્યાસ્પદ બનાવ્યા છે એના માટે મનના ઘોડા દસેય દિશામાં દોડવા લાગે.
એક છોકરી ખૂબ ધગશથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી. એની મહેનતથી એ નાની ઉંમરમાં જ બહુ મોટી પોસ્ટ પર નિમણૂક પામી. લગ્ન થયા ને સાસરે ગઈ. ભણવામાં ને પોતાનો ગોલ મેળવવામાં એટલી બધી ઘરગથ્થું કહી શકાય એમ નહોતી. પણ ઘરના લોકોની જરૂરિયાતો સાચવી લે એટલી ઘરેલુ તો હતી જ. એટલે કોઈવાર રસોઈમાં કે પછી વ્યવહારમાં આમતેમ થાય એટલે કેટલાંક ચાપલૂંચિયા રિલેટિવ્ઝને મોકો મળી જ જાય. એની કાર્ય કુશળતા અને અન્ય સૂઝબૂઝને ઇગ્નોર કરી ખામીઓ શોધીને એને ગોસિપનો વિષય બનાવવામાં આવતો. પેલી લેડીને જુદા ટોનમાં સંભળાવવામાં આવતું. ઘણીવાર એના ઘરના લોકોને એ છોકરી વિરુદ્ધ આડું અવળું બોલવામાં આવતું. શરૂઆતમાં તો એને બહુ દુ:ખ થતું. પછી એ ધારદાર જવાબ આપતી થઈ કે જેથી ફરીવાર કોઈ બોલી જ ન શકે. અને હવે એવી ઘડાઈ ગઈ કે જેને જે કહેવું હોય એ કહે, એને કોઈ જ ફરક પડતો નથી. એ પોતાના કામમાં એટલી મશગૂલ રહેવા લાગી કે આસપાસની ઘટનાઓ વિશે સાંભળવાનોય ટાઈમ નથી હોતો.
એટલે લાઈફમાં ડગલે ને પગલે આવા અનુભવો થવાના જ. એ માટે સૌથી પહેલા પોતાની જાતને તૈયાર કરવી પડશે. આપણી સાથે જોડાયેલા દરેક સંબંધો આપણને ૧૦૦ ટકા સમજતા હોય એવું માનવું જ નહીં. અરે ૧૦% પણ જો સમજે તોય ઈનફ છે. એટલે કારણ વગરની સફાઈ આપીને સમય બરબાદ કરવો નહીં. આપણે જેવા છીએ, જે ગુણ દોષો ધરાવીએ છીએ, એની જો આપણને ખબર છે તો ગામને પણ એની ખબર હોવી જોઈએ એવી આશા રાખવી વ્યર્થ છે. બીજું એ કે આપણી નિંદા કરનારનો બદલો લેવા આપણે પણ એની કૂથલી કરવાનું ચાલુ કરી દઈશું તો સમય અને શક્તિ આપણી જ વેડફાશે. સામેવાળાને બતાવી દેવા માટે થઈને એની નબળાઈઓ જાણીને, આપણો બદલો લેવાઈ જશે એમ માનવુંય ભૂલ ભરેલું છે. કારણ કે આમ કરવાથી બંને પક્ષે આ પ્રોસેસ રિપીટ થયા જ કરે અને આનું પરિણામ માત્ર જે તે વ્યક્તિને નહિ પણ એના ફેમિલીને પણ ભોગવવું પડે છે.
એટલે સામેવાળાને બતાવી જ દેવું હોય તો એવું કામ કરીને બતાવો કે એને વધુ ઈર્ષ્યા થાય, એની સાથે શાંતિથી અને બિલકુલ કાંઈ ખબર જ નથી એ રીતે પ્રેઝન્ટ થાઓ કે એ વધુ બળતરા કરે. આ બેસ્ટ રિવેન્જ છે મારી દ્રષ્ટિએ આવી વ્યક્તિ માટેનો. એટલે નાહકનો સમય કારણ વગરની કોઈની નિંદામાં વેડફવા કરતાં મૌન રહીને સઘળું જોવાની મજા આવશે. ટ્રાય કરી લેવી ક્યારેક. અને જે વ્યક્તિ આપણી નબળાઈને હથિયાર બનાવી આપણા પર જ ફેંકે છે એના પ્રત્યે ગુસ્સાની અભિવ્યક્તિના બદલે એને બહુ પ્રેમથી બોલાવીને કહી દેવાનું કે, ’લે આ બીજું હથિયાર આપું તને જેની તને ખબર પણ નથી, હવે ફેંક તમતમારે…’ એટલે પેલો મોંમાં આંગળા નાખી આપણા રસ્તેથી ખસવા લાગશે.
પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી પીઠ પાછળ આપણી ગોસિપ થવી એ તો આપણું જમા પાસું છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી જેલસી ફિલ કરતી હોય, આપણા લેવલ સુધી પહોંચી શકે એમ જ ન હોય, આપણા ગુણોથી ચીડ અનુભવતી હોય અને પોતાનામાં એવી સ્કીલ ન હોય તથા પોતે આપણા લીધે પાછળ રહી ગઈ છે એવું માનતી હોય ત્યારે આપણા દોષોને દુનિયાને દેખાડીને પોતાની વિકૃતિનું પ્રદર્શન કરે છે. કેટલીક વ્યક્તિઓની કારણ વગરની લમણાજિકનું ખોટું લગાડવા કરતાં બહેતર એ છે કે આપણે આપણામાં રહેલી ખૂબીઓથી ગર્વ અનુભવવો જોઈએ. અરે ત્યાં સુધી કે સામેવાળી વ્યક્તિને એમ લાગવું જોઈએ કે યાર આ માણસ કઈ માટીનો બન્યો છે? આની વાતો થાય છે તોય આને જરાય ફેર પડતો નથી? આપણા આવા ફ્રેન્ક બિહેવીયરથી સામો માણસ રઘવાયો બની જશે. આપણા વિશે આડી અવળી વાતો કર્યા પછીય આપણા વર્તનમાં કોઈ ફેર નહિ જુએ તો ઊલ્ટાનો એ પોતાના વાણી વર્તન પરનો આપો ખોઈ બેસશે. એટલે બીજા દ્વારા થતી નિંદા અને ટીકા સાંભળ્યા બાદ હાઇપર થવાના બદલે એને બોલાવીને, શાંતિથી કહી દેવાનું કે, ‘મારા વિશે હજુ ખરાબ જાણવું છે? તો હવે મને મળજે, તને ઘણુંય જાણવા મળશે…’ પછી એના એક્સપ્રેશન જોયા જેવા હશે.
કલાઇમેકસ:
તું મારામાં ભૂલો શોધ્યા કરજે, ને હું તારી સાથેની ભૂલોમાંથી ઘડાતી જઈશ…!