કવર સ્ટોરી -ગીતા માણેક
સામાન્યપણે ઘણીવાર આપણે ત્યાં આર્થિક બોજ વધી જાય ત્યારે અથવા ધંધો કરવા માટે મૂડી કે આર્થિક ટેકો ન હોય ત્યારે ઘણા લોકો ઈચ્છતા હોય છે કે કાશ! મને કોઈ બિઝનેસમેન દત્તક લઈ લે, પરંતુ જાપાનમાં એવી સ્થિતિ છે કે પોતાનો ધીકતો ધંધો સોંપવા માટે ઘણા બિઝનેસમેન તૈયાર છે પણ તેમનો ધંધો સંભાળવા કોઈ મળતું નથી.
હિડેકાઝો યોકોયામાં આવા જ આધેડ વયના એક જાપનીઝ બિઝનેસમેન છે. હિડેકાઝો યોકોયામાએ જાપાનના ઉત્તરીય ટાપુ પર પોતાનો દૂધનો બિઝનેસ જમાવવામાં ત્રણ દાયકા વીતાવ્યા છે, પરંતુ હવે તે પોતાનો ધીકતો ધંધો આપી દેવા માગે છે.
જાપાનમાં આવા ઘણા હિડેકાઝો પ્રકારના શ્રીમંતો અને બિઝનેસમેન છે જેઓ પોતાનો ધંધો અને સંપત્તિ પણ કોઈ જુવાન વ્યક્તિને સોંપી દેવા માગે છે, પણ તેમને આવી વ્યક્તિઓ મળતી નથી કારણ? જાપાન હવે બુઢિયાઓનો દેશ બની રહ્યો છે. જાપાનની વસતિ ઝડપથી ઘટી રહી છે અને આવા ધંધા-વ્યાપાર સંભાળી શકે એવા યુવાન વયના લોકોની ખોટ વર્તાઈ રહી છે. જાપાનમાં અત્યારે બિઝનેસ મેન્સમાં સરેરાશ ઉંમર સાઠ વર્ષ થઈ ગઈ છે!
બિઝનેસમેનની વાતથી આ લેખની શરૂઆત કરી હતી તે યોકોયામાની ઉંમર ૭૩ વર્ષની થઈ છે અને હવે તેમને લાગે છે કે તેઓ વધુ કામ કરી શકે એમ નથી અને નિવૃત્ત થવા માગે છે. યોકોયામા પોતાનો બિઝનેસ બંધ કરી દેવા નથી માગતા કારણ કે તેઓ જાણે છે કે બહુબધા ખેડૂત પરિવારો તેમના પર નિર્ભર છે. તેઓ પોતાનાં બાળકોને અથવા તેમની કંપનીમાં કામ કરતા સ્ટાફમાંથી કોઈકને આ ધંધો સોંપવા માગે છે પણ આ ધંધાની જવાબદારી સંભાળનાર કોઈ મળતું નથી. બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ તેમણે અખબારમાં જાહેરખબર આપી છે કે હું મારો ધંધો વેચવા માગું છું અને એની કિંમત છે ઝીરો યેન મતલબ કે જો કોઈ આ ધંધો ચલાવવા રાજી હોય તો યોકોયામા એ મફતમાં આપી દેવા તૈયાર છે.
યોકોયામાની આ મુસીબત તો માત્ર એક ઉદાહરણ છે કે જાપાનમાં વૃદ્ધ થઈ રહેલા વેપારીઓની સંખ્યા વધી રહી છે અને તેઓ નિવૃત્તિ તરફ વળી રહ્યા છે, પરંતુ ઓછી વસતિને કારણે તેમના વેપાર-ધંધાને સંભાળનાર કોઈ નથી.
આ સંજોગોમાં ધંધાઓ બંધ થવા માંડે તો એને કારણે જાપાનની અર્થવ્યવસ્થાને બહુ મોટો ફટકો પડી શકે એમ છે. ૨૦૧૯ના વર્ષમાં કરવામાં આવેલા એક અંદાજ મુજબ ૨૦૨૫ની સાલ સુધીમાં જાપાનમાં નફો કરતા ૬૩,૦૦,૦૦૦ બિઝનેસ બંધ પડી જવાની સંભાવના છે. જેને કારણે જાપાનની ઈકોનોમીને ૧૬૫ મિલિયન ડૉલરનો ફટકો પડશે અને ૬.૫ મિલિયન લોકો નોકરીઓ ગુમાવશે.
આ વિનાશક પરિસ્થિતિમાંથી ઊગરવા માટે સરકાર પગલાં લઈ રહી છે. સરકારી વિભાગો વૃદ્ધ થઈ રહેલા વેપારીઓને નિવૃત્તિની ઉંમર પછી પણ વેપાર-ધંધો કેવી રીતે ચાલુ રાખવો એ માટેના વિકલ્પો સૂચવી રહી છે.
આ આધેડ વયના વેપારીઓને મદદરૂપ થાય એવાં સરકારી સર્વિસ સેન્ટર્સ પણ ખોલવામાં આવ્યાં છે. આ ઉપરાંત સરકાર આધેડ વયના વેપારીઓને સબસિડી આપવા ઉપરાંત ટેક્સમાં પણ લાભ આપી રહી છે.
જાપાનમાં સૌથી મોટી મુશ્કેલી એ પણ છે કે ખાસ કરીને નાનાં શહેરોમાંના વ્યવસાય કે ધંધાઓ લેનાર કોઈ નથી કારણ કે એ વિસ્તારોમાં નોંધપાત્ર વસતિ, ઘટાડો થયો છે. આને કારણે યોકોયામા જેવા વેપારીઓએ શારીરિક મહેનતના કામ પણ પોતે જ કરવા પડે છે.
આ સંજોગોમાં જાપાનમાં ઘણા વેપારીઓ એવા છે જે યુવાન વયની કોઈપણ વ્યક્તિમાં જો તેમનો ધંધો સંભાળવાની તૈયારી હોય તો પોતાના ધીકતા ધંધા કોઈપણ મૂલ્ય વિના સોંપી દેવા તત્પર છે. એટલું જ નહીં જ્યાં સુધી તે વ્યક્તિ પૂર્ણપણે ધંધો સંભાળી ન લે પોતાનું માર્ગદર્શન આપવા પણ તૈયાર છે.
વિધિની વક્રતા છે કે ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં વસતિ વધારાની સમસ્યા છે અને એને કારણે અર્થતંત્ર પર બોજ પડી રહ્યો છે તો જાપાન જેવા દેશના યુવાનોની વસતિમાં ઘટાડો છે એને કારણે બિઝનેસ બંધ થઈ રહ્યા છે અને અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે.