(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લામાં ભાતસા બંધના ડાબી તરફની નહેરની દીવાલમાં તિરાડ પડી ગઈ છે, બુધવારે નહેરની દીવાલમાં તિરાડ પડ્યા બાદ તેના પાણી આજુબાજુના ગામમાં આવેલા અનેક ખેતરોમાં પહોંચી ગયાં હતાં અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
શહાપુરનાં તહેસીલદાર નીલિમા સૂર્યવંશીના જણાવ્યા મુજબ મંગળવાર સાંજની સરખામણીમાં બુધવારે તિરાડ વધુ પહોળી થઈ હતી. મંગળવારે જ નહેરની દીવાલમાં તિરાડ પડી હોવાની જાણ થઈ હતી. નહેરની દીવાલમાં પડેલી તિરાડને કારણે વહી રહેલાં પાણીને હાલ રોકી શકાયું નથી. તિરાડને ભરવાનું કામ ચાલુ છે.
ખેતરોમાં નહેરના પાણી ભરાઈ ગયાં જવાના બનાવ બન્યા છે. તેથી મહેસૂલ ખાતા દ્વારા તેનું આકલન કરવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ વળતરને લઈને નિર્ણય લેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં નીચાણવાળા વિસ્તારમાં લગભગ ૨૦થી ૨૫ હેક્ટર જગ્યામાં રહેલા પાકને નુકસાન થયું હોવાનું જણાયું છે.
તહેસીલદાર નીલિમા સૂર્યવંશીના કહેવા મુજબ આર્વે ગામના ૫૦થી ૬૦ ખેડૂતોનાં ખેતરમાં બંધમાં પડેલી તિરાડ બાદ પાણી ઘૂસી ગયાં હતાં. સદ્નસીબે ગામમાં જોકે પાણી ભરાયા નહોતા.
ગ્રામીણ અને સ્થાનિક વિધાનસભ્યના કહેવા મુજબ બંધની ડાબી બાજુના કિનારા પર નહેરની દીવાલમાં પહેલાં પણ તિરાડ પડી ચૂકી છે. સ્થાનિક વિધાનસભ્યના કહેવા મુજબ ભાતસા બંધની દીવાલમાં વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તિરાડ પડતી જ હોય છે. જોકે ભંડોળ ન હોવાથી તેનું સામરકામ કરાવવામાં આવતું ન હોવાનું કહેવાય છે.
નોંધનીય છે કે શહાપુર સ્થિત ભાતસા બંધમાંથી મુંબઈ મહાનગરપાલિકા અને થાણે મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરવામાં આવે છે.