દુનિયામાં એની અનેક રહસ્યમયી વસ્તુઓ, ઘટનાઓ કે પછી સ્થળો છે જેના વિશે વાંચીને, જાણીને કે પછી અનુભવ કરીને આપણને આશ્ચર્ય થાય છે અને ઘણા બધા કેસમાં તો તેના પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત તો આપણે તેના હોવા પર, અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવીએ છીએ. પણ હકીકત એ જ હોય છે જે આપણે જોઈ હોય છે, અનુભવ્યું હોય છે.
આજે અમે તમને અહીં આવા જ એક ઝાડ વિશે જણાવવાના છીએ કે જે એક જગ્યાએ ટકી રહેવાને બદલે પોતાની જાતે ચાલે છે. ચોંકી ગયા ને? કદાચ માનવામાં નહીં આવે પણ આ હકીકત છે અને આ ચાલતા ઝાડનું નામ છે વોકિંગ પામ ટ્રી. દક્ષિણ અમેરિકાના રેઈન ફોરેસ્ટમાં જોવા મળનારા આ ઝાડ રોજે બેથી ત્રણ સેન્ટિમીટર જેટલું ખસે છે. આ ઝાડને જોવા માટે તમારે જંગલની અંદર અનેક ચઢાણ અને કાદવવાળા વિસ્તારમાંથી પસાર થવું પડશે.
માન્યું કે આ ઝાડ માણસની જેમ તો નથી ચાલતા પણ તેની ખુદની કેટલીક ચોક્કસ ક્રિયાઓ છે જે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા માટે સક્ષમ બનાવે. વાત જાણે એમ છે કે જ્યારે આ ઝાડના નવા મૂળિયા આવે છે ત્યારે તે આગળની દિશામાં આગળ વધે છે. જેને જોઈને એવું લાગે છે કે જાણે આ ઝાડ હકીકતમાં ચાલતું હોય. એવું કહેવાય છે કે આ ઝાડ આખા વરસમાં અનેક મીટર સુધીનું અંતર ચાલી નાખે છે.