Homeઈન્ટરવલએકલા ચલો રે: વેદના અને રવીન્દ્રનાથ ટાગોર

એકલા ચલો રે: વેદના અને રવીન્દ્રનાથ ટાગોર

કલકત્તામાં સંપન્ન બંગાળી કુટુંબમાં જન્મ લેનારા, મહાન વ્યક્તિઓના સંપર્કમાં આવનારા તથા ઉત્તમોત્તમ સર્જન કરીને ખુદ મહાન બનનારા રવીન્દ્રનાથ ટાગોરના જીવનની ટ્રેજેડી એ છે કે વર્ષ ૧૯૬૯ સુધી તેમનું આખું કુટુંબ નામશેષ થઈ ગયું

આનન-ફાનન-પાર્થ દવે

વિશ્ર્વમાં જેટલું સુખ છે એટલું જ, કદાચ, દુ:ખનું અસ્તિત્વ છે. કોઈએ કહ્યું છે કે, દુનિયામાં માત્ર ને માત્ર દુ:ખ જ છે. દુ:ખની અવેજીની ક્ષણો માત્ર સુખ છે! જિંદગીનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે મૃત્યુ છે. મૃત્યુ કમ્પલસરી છે. હાડોહાડ ક્રિએટિવિટી, અત્યંત વિદ્વતા, મેધાવી પ્રતિભા માટે કેટલાં દુ:ખોમાંથી પસાર થવાતું હશે? થવું પડતું હશે? એક સર્જન, જેના પર આખી દુનિયા સમરકંદ બુખારા ઓવારી જાય છે, ‘વાહ વાહ’ અને દોબારા દોબારા’નો પોકાર થાય છે, તે કેવી પરિસ્થિતિમાં, કેવી દુષ્કર અને અંદરબહારથી તોડી નાખતી ક્ષણે રચાયું હોય છે – તે આપણે નથી જાણતા.
વિશ્ર્વપ્રસિદ્ધ નોબેલ પ્રાઈઝ વિનર કવિ, સાહિત્યકાર, દાર્શનિક એવા રવીન્દ્રનાથ ટાગોરના સર્જનથી આપણે ઓછાવત્તે અંશે વાકેફ છીએ. તેમના મોટા ભાઈ જ્યોતિન્દ્રનાથના પત્ની એટલે કે ભાભી કાદંબરીદેવી સાથેના સંબંધો જાણીતા છે. ભાઈના લગ્ન થયા ત્યારે રવીન્દ્રનાથની ઉંમર ૭ વર્ષની હતી અને કાદંબરીદેવીની ઉંમર ૧૨ વર્ષ. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ. વર્ષ ૧૮૮૩માં ૨૨ વર્ષના ટાગોરના લગ્ન કરી નાખવાનો નિર્ણય લેવાયો. તેમની ૧૦ વર્ષની પત્નીનું નામ હતું ભવતારિણી. રવીન્દ્રનાથના લગ્નના ચાર મહિના બાદ કાદંબરીદેવીએ આત્મહત્યા કરી લીધી. આ પહેલો ઝટકો હતો યુવાન રવીન્દ્રનાથે ખમેલો. તેમણે ‘ભાંગા હૃદય’ નામનું કવિતાનું પુસ્તક આપ્યું. કહેવાય છે કે, ટાગોરે જેટલી પણ રોમેન્ટિક કવિતા તથા મહિલાઓનાં જેટલાં પણ ચિત્રો બનાવ્યાં તે તમામ કાંદબરીને કેન્દ્રમાં રાખીને બનાવ્યાં હતાં.
ટાગોરની પત્ની ભવતારિણીનું લગ્ન બાદ નામ થયું: મૃણાલિનીદેવી. તેમને ત્રણ પુત્રી અને બે પુત્રો એમ પાંચ સંતાનો: માધુરીલતા, રેણુકા, મીરાં, રથીન્દ્રનાથ અને શમીન્દ્રનાથ થયા. ટાગોર સાથેના ૧૯ વર્ષના લગ્નજીવન બાદ, વર્ષ ૧૯૦૨માં મૃણાલિનીદેવીનું મૃત્યુ થયું. ત્યારે સૌથી મોટી પુત્રી માધુરીલતા ૧૬ વર્ષની હતી અને સૌથી નાનો પુત્ર શમીન્દ્રનાથ ૮ વર્ષનો હતો. રવીન્દ્રનાથ ટાગોરને હવે પિતાની સાથે માતાની ભૂમિકા પણ ભજવવાની હતી.
મૃણાલિનીદેવીની યાદમાં ટાગોરે બંગાળી ભાષામાં ‘સ્મરણ’ નામથી કાવ્યો આપ્યાં.
સરળ સ્વભાવની સ્વમાની દીકરી રેણુકાના ટાગોરની પસંદના યુવાન સત્યેન્દ્રનાથ સાથે લગ્ન થયા. રેણુકા ખુશ નહોતી. ટાગોરને હતું કે સમય જતા બધું ઠીક થઈ જશે, પણ ઠીક થવાના બદલે વધુ બગડ્યું. સત્યેન્દ્રનાથ અભ્યાસ માટે વિદેશ ગયા, રેણુકા પિતા સાથે શાંતિનિકેતનમાં રહ્યા એ દરમ્યાન તેમને ક્ષય રોગ થયો. ટાગોર તેમને સારવાર માટે અલમોડા લઈ ગયા, પણ બે વર્ષમાં રેણુકા મૃત્યુ પામી. પત્ની મૃણાલિનીદેવીને ગુમાવ્યાને વર્ષ જ થયું હતું.
ટાગોરની કલમમાંથી ‘સ્મરણ’ બાદ ‘શિશુ’ કાવ્યો વહ્યાં.
એ વહેતા રહેવાનું ફરી એક (કંપકંપાવી દેનારું) કારણ મળ્યું. રેણુકાના ગયાના પાંચ વર્ષે નાનો પુત્ર શમીન્દ્રનાથ પણ ગયો. શમીન્દ્રનાથનું લાડકું નામ ‘ખોકા’ હતું. (બંગાલીમાં નાનકડા ‘બચ્ચા’ (બેબી)ને ખોકા કહેવાય.) પરિવારજનો તેને નાનો રવિ જ કહેતા. રવીન્દ્રનાથ અને શમીન્દ્રનાથ – બાપદીકરાનું ખૂબ બનતું. શમીન્દ્રનાથ રામાયણ, મહાભારતનું વાંચન, કાવ્યચર્ચા તથા અભિનય, ક્રિકેટ, ગાર્ડનિંગ વગેરેમાં રસ લેતો. ટૂંકમાં, તેનો સ્વભાવ પિતા જેવો જ રસિક, સૌંદર્યપ્રિય અને સંવેદનશીલ. આવ્યું ૧૯૦૭નું વર્ષ. શમીન્દ્રનાથ દુર્ગાપૂજાની રજામાં મિત્ર સાથે મામાના ઘરે મુંગેર ગયો હતો. ત્યાં તેને કોલેરા થયો. ટાગોર ભાગતા ત્યાં પહોંચ્યા. પિતાપુત્ર મળ્યા, આખરી વાર. શમીન્દ્રનાથે દમ તોડ્યો. એ દિવસે મૃણાલિનીદેવીની મૃત્યુતિથિ હતી. શમીન્દ્રનાથની ઉંમર હતી માત્ર ૧૩ વર્ષ!
‘શિશુ’ કાવ્યોમાં રેણુકાની સાથે ‘ખોકા’ની સ્મૃતિ પણ ચિરંજીવ છે.
પત્ની, પુત્રી અને પુત્રના મૃત્યુથી તૂટી ચૂકેલા રવીન્દ્રનાથની સાથે રહેલી, સૌથી મોટી પુત્રી માધુરીલતા એકદમ સમજુ. તેનું લાડકું નામ બેલા હતું. તે સાત વર્ષની હતી ત્યારે ઠંડીની ઋતુમાં એક નિરાશ્રિત પાગલ માણસ ઘરે આવ્યો હતો, પણ તેને આશ્રય આપવામાં નહતો આવ્યો. તેનું દુ:ખ માધુરીલતાને ખટકતું હતું. તેને શિક્ષણ પિતા ટાગોરે આપ્યું હતું. માધુરીલતાના લગ્ન શરતકુમાર સાથે થયા. શરતકુમાર લગ્ન બાદ બેરિસ્ટર બન્યા અને બંને કલકત્તા સ્થાયી થયા. ૧૭ વર્ષના લગ્નજીવન બાદ ક્ષય રોગમાં માધુરીલતાનું પણ મૃત્યુ થયું.
આ જ માધુરીલતા જ્યારે બેલા હતી એટલે કે બાળપણમાં પિતાને વાર્તા કહેવાનું કહેતી ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પેલા નિરાશ્રિત પાગલને યાદ કરીને એક વાર્તા કહેતા. તે વાર્તા એટલે ટાગોરનું નેવર-બિફોર સર્જન ‘કાબુલીવાલા’, જેના પરથી બંગાળી અને હિન્દી બંને ભાષામાં બે-બે ફિલ્મો બની ચૂકી છે. માત્ર બેલાને નહીં, સમગ્ર જગતને ઉત્તમ સર્જન ટાગોર તરફથી મળ્યું. ‘કાબુલીવાલા’માં આવતા ‘મીની’ના પાત્રમાં ટાગોરપુત્રી બેલા ડોકાય છે. વર્ષો પછી જ્યારે બેલા મૃત્યુના બિછાને હતી ત્યારે પણ વાર્તા કરવાનું કહેતી. એ વખતે ટાગોરે જે વાર્તાઓ કહી તે તેમની પલાતકા’ નામની પદ્ય-વાર્તાઓ તરીકે પ્રસિદ્ધ થઈ. આ વાર્તાઓમાં પણ બેલા જીવે છે.
કલકત્તામાં સંપન્ન બંગાળી કુટુંબમાં જન્મ લેનારા, મહાન વ્યક્તિઓના સંપર્કમાં આવનારા તથા ઉત્તમોત્તમ સર્જન કરીને ખુદ મહાન બનનારા રવીન્દ્રનાથ ટાગોરના જીવનની ટ્રેજેડી એ છે કે વર્ષ ૧૯૬૯ સુધી તેમનું આખું કુટુંબ નામશેષ થઈ ગયું. તેમની પુત્રી મીરાનો એકનો એક પુત્ર નીતીન્દ્રનાથ હતો. ટાગોરનો પૌત્ર કે દોહિત્ર – તે આ એક નીતીન્દ્રનાથ. તેમને અત્યંત હેત હતું દોહિત્ર ઉપર. તે ૨૦ વર્ષની વયે પરદેશ ભણવા ગયો અને ત્યાં ક્ષય થયો અને ત્રણ માસની માંદગી બાદ ત્યાં જ મૃત્યુ પામ્યો. ટાગોરની અનુપસ્થિતિમાં ત્યાં જ અંતિમસંસ્કાર થયા. નીતીન્દ્રનાથની માતા એટલે કે પોતાની દીકરીના જીવનની કરુણતા પર ટાગોરે ‘દુર્ભાગિની’ કાવ્ય રચ્યું.
રવીન્દ્રનાથ ટાગોર બધા સાથે હોવા છતાં; સૌંદર્ય, આનંદ, રસની વાત કરતા હોવા છતાં ખરેખર તો એકલા હતા. તેઓ એકલતાના કવિ હતા. અલબત્ત, તેમની એકલતા એ પૂર્ણ હતી. તેમણે મૃત્યુને વારંવાર નજીકથી જોયું હતું. દુ:ખને વારવાંર અનુભવ્યું હતું. પોતાના સર્જનમાં વહાવ્યું હતું. કોઈએક કવિતા કે લલિત નિબંધ કે ધ્રુજાવી દેનારો લેખ વાંચીએ ત્યારે આપણે ખબર નથી હોતી કે તેની પાછળ કયો પ્રસંગ, કયું દર્દ, કઈ વેદના છુપાયેલી હશે! આ સર્જન કઈ વેળાએ રચાયું હશે અને કયા મૂળથી નીકળીને લોકો સુધી પહોંચ્યું હશે.
હવે જ્યારે બચ્ચચના ઘેઘૂર કંઠે ‘જોદી તોરે ડાક સુને કેઉ ના આસે તોબે એકલા ચોલો રે’ સાંભળો ત્યારે વિચારજો આ એકલા ચાલવાનું ટાગોરે કેમ કહ્યું! કેમ આ શબ્દોમાં આટલી જાન લાગે છે. (સ્મરણ, શિશુ કાવ્યો, પલાતકા, દુર્ભાગિની) આ એમનું જીવન અને કવન છે. એમના જીવનનો અરીસો છે. ટાગોરના જીવનની ફલશ્રુતિ છે: એકલા ચલો રે…
અલ્ટિમેટલી, જીવનમાં તમે એકલા જ છો. એકલા જ ચાલવાનું છે.

RELATED ARTICLES

Most Popular