ભારતના નાનકડા રાજ્ય ત્રિપુરાના નાગરિકોએ પોતાની ફરજ નિભાવતા મતદાન કર્યું હતું. સાત વાગ્યે મળેલા આંકડા અનુસાર અંદાજે 81 ટકા મતદાન થયું હતું. બીજી માર્ચે મત ગણતરી થશે.
ત્રિપુરામાં આજે (ફેબ્રુઆરી 16) વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં CPI(M)-કોંગ્રેસ ગઠબંધન અને ટિપ્રા મોથા સત્તા જાળવી રાખવા માટે વર્તમાન સત્તાધારી ભાજપ અને તેમની સહયોગી પાર્ટીઓને પડકારી રહ્યાં છે. 3,337 મતદાન મથકો પર કડક સુરક્ષા હેઠળ સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું, જેમાંથી 1,100 સંવેદનશીલ અને 28 ક્રિટિકલ તરીકે ઓળખવામાં આવ્યા હતા. 60 સભ્યોના ગૃહની ચૂંટણી ચાલી રહી હોવાથી 31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં.
અહીં 60 બેઠક માટે 259 ઉમેદવાર મેદાનમાં છે અને 28.13 લાખ મતદારે નોંધણી કરાવી હતી, જેમાંથી અંદાજે 81 ટકા જેટલા મતદારોએ પોતાનો હક અને ફરજ નિભાવી મતદાન કર્યું હતું. મતદાન એકંદરે શાંતિપૂર્ણ સ્થિતિમાં પૂરું થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.
રાજ્યના તમામ મુખ્ય નેતાઓએ પોતપોતાના પક્ષો દ્વારા સારો દેખાવ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાન માણિક સાહાએ કહ્યું કે તેઓ પરિણામો વિશે સકારાત્મક છે. ટીપ્રા મોથાના નેતા પ્રદ્યોત માણિક્ય દેબબર્માએ, જેમની પાર્ટીને આ ચૂંટણીમાં એક્સ-ફેક્ટર તરીકે જોવામાં આવી રહી છે, તેમણે કહ્યું કે તેઓને સારા પ્રદર્શનની ખાતરી છે.
30 થી વધુ વર્ષો સુધી એટલે કે ત્રિપુરામાં 2018માં સર્જાયેલા અપસેટ સુધી સીપીએમનું શાસન હતું, જ્યારે ભાજપે એવા રાજ્યમાં 60 માંથી 36 બેઠકો જીતી હતી જ્યાં તેની કોઈ હાજરી ન હતી. ભાજપે પ્રાદેશિક IPFT (ત્રિપુરાના સ્વદેશી પ્રગતિશીલ મોરચા) સાથે જોડાણ કર્યું હતું.