૧૦ પ્રધાન સહિત ૭૮૮ ઉમેદવારનું ભાવિ નક્કી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું ગુરૂવારે ૧લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે. સૌરાષ્ટ્રની ૪૮, કચ્છની છ અને દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકોનો સમાવેશ થાય છે. આ ૮૯ બેઠકો પરના ૭૮૮ ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. આ ૧૦ પ્રધાનો સહિત બે ડઝન જેટલા મોટા માથાંઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. ૧૪,૩૮૨ મતદાન મથકો પર સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યાની વચ્ચે ૨,૩૯,૭૬,૬૭૦ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦૧૭માં યોજાયેલી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી ચૂંટણીમાં ભાજપે ૪૮ પર જીત મેળવી હતી, કૉંગ્રેસે ૪૦ પર જીત મેળવી હતી જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી.
પ્રથમ તબક્કામાં કુલ ૨ કરોડ ૩૯ લાખ ૭૬ હજાર ૬૭૦ મતદારો વોટ આપશે. ૧ કરોડ ૨૪ લાખ ૩૩ હજાર ૩૬૨ પુરુષ મતદારો, જ્યારે ૧ કરોડ ૧૫ લાખ ૪૨ હજાર ૮૧૧ મહિલા મતદારો મતદાન કરશે. જિલ્લા દીઠ બેઠકો જોઇએ તો નર્મદા જિલ્લાની બે બેઠક, ભરૂચ જિલ્લાની પાંચ બેઠક, સુરત જિલ્લાની ૧૬ બેઠક, તાપી જિલ્લાની બે બેઠક, ડાંગ જિલ્લાની એક બેઠક, નવસારી જિલ્લાની ચાર બેઠક. વલસાડ જિલ્લાની પાંચ બેઠક, કચ્છ જિલ્લાની છ બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠક, મોરબી જિલ્લાની ત્રણ બેઠક, રાજકોટ જિલ્લાની આઠ બેઠક, જામનગર જિલ્લાની પાંચ બેઠક, દેવભૂમિ દ્વારકાની બે બેઠક, પોરબંદર જિલ્લાની બે બેઠક, જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક, ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠક, અમરેલી જિલ્લાની પાંચ બેઠક, ભાવનગર જિલ્લાની સાત બેઠક, બોટાદ જિલ્લાની બે બેઠક પર મતદાન થશે.
ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (બીએસપી), સમાજવાદી પાર્ટી (એસપી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઇ-એમ) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) સહિત ૩૬ અન્ય રાજકીય પક્ષોએ પણ વિવિધ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપ અને કૉંગ્રેસ તમામ ૮૯ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણીમાં નવો પ્રવેશ કરનાર આપ ૮૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અન્ય પક્ષોમાં બીએસપીએ ૫૭ ઉમેદવારો, બીટીપીએ ૧૪ અને સીપીઆઇ-એમએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ૩૩૯ જેટલા અપક્ષો પણ મેદાનમાં છે. કુલ ૭૮૮ ઉમેદવારોમાંથી ૭૦ મહિલા છે જેમાં ભાજપ દ્વારા ૯, કૉંગ્રેસ દ્વારા ૬ અને આપ દ્વારા ૫ ઉમેદવારો મેદાનમાં છે.
આપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના અન્ય અગ્રણી ઉમેદવારોમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જેઓ જામનગર (ઉત્તર)થી ચૂંટણી લડી રહ્યા છે અને સુરતની વિવિધ બેઠકો પરથી ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી અને ભાવનગર (ગ્રામ્ય)થી પાંચ વખતના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. લલિત કગથરા, લલિત વસોયા, રૂત્વિક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કૉંગ્રેસના ધારાસભ્યો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની બેઠકો પર મેદાનમાં છે.
ગુજરાતમાં કુલ ૪,૯૧,૩૫,૪૦૦ નોંધાયેલા મતદારોમાંથી ૨,૩૯,૭૬,૬૭૦ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે. તેમાં ૧૮-૧૯ વર્ષની વય જૂથના ૫.૭૪ લાખ મતદારો અને ૯૯ વર્ષથી વધુ વયના ૪,૯૪૫ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૧૪,૩૮૨ મતદાન મથકો પર મતદાન થશે જેમાંથી ૩૩૧૧ શહેરી અને ૧૧૦૭૧ ગ્રામ્ય વિસ્તારોમાં છે. પ્રથમ તબક્કામાં ૨૭૯૭૮ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૭૮૯૮૫ પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે.