Homeલાડકીઅવાજ અને રવીન્દ્ર: બંનેને ગુમાવવાનાં વર્ષો...

અવાજ અને રવીન્દ્ર: બંનેને ગુમાવવાનાં વર્ષો…

કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય

નામ: કિશોરી અમોનકર
સ્થળ: મુંબઈ, મહારાષ્ટ્ર
સમય: નવેમ્બર, ૨૦૧૬
ઉંમર: ૮૩ વર્ષ
(ભાગ: ૩)
હું થોડી અઘરી વ્યક્તિ છું. મારી ભીતરની કિશોરી જુદી છે અને એક કલાકાર તરીકે મારું વ્યક્તિત્વ તદ્દન અલગ છે. લોકો મને વિદ્રોહી કહે છે, પણ મને નથી લાગતું કે હું વિદ્રોહી છું. હું એક અધીરી વ્યક્તિ છું, એ સાચું. મોઢે સાચું કહી દઉં છું એ પણ સાચું, પરંતુ મેં આજ સુધી કારણ વગર કોઈની સાથે ખરાબ રીતે વાત કરી હોય એવું મને યાદ નથી. મારા સહકર્મીઓ અને મિત્રો મને વધુ સારી રીતે ઓળખે છે. હું એવી પહેલી ગાયિકા છું જેણે માત્ર મારા માટે નહીં, બલ્કે તમામ મહિલા ગાયિકાઓ માટે ‘વિદુષી’નું ટાઈટલ ડિમાન્ડ કર્યું, અને મેળવ્યું. મહિલા ગાયકોને રજૂ કરતી વખતે કેટલીકવાર થતા અન્યાયની સામે હું મારા માટે નહીં, મારી તમામ સહકર્મી ગાયિકાઓ માટે લડી છું, ઝઘડી છું અને દરેક વખતે મહિલા ગાયકોને પણ એટલું જ સન્માન અને પૈસા મળવા જોઈએ એ બાબતે મેં પ્રયાસ કર્યો છે.
સવારની કોન્સર્ટ્સ, સવારે છ વાગ્યે, પાંચ વાગ્યે સંગીતની મહેફિલ થાય, લોકો ટિકિટ ખરીદીને આવી મોર્નિંગ કોન્સર્ટ સાંભળવા આવે એ પ્રણાલિ જ મેં શરૂ કરી.
૧૯૫૬માં મારા મોટા દીકરા નિહાર અને ૧૯૫૯માં મારા દીકરા બિભાસનો જન્મ થયો. અમારા ઘરમાં સાદગી સચવાય અને કલા પ્રત્યેની અભીરૂચિ કેળવાય એનું ધ્યાન માતા-પિતા તરીકે અમે બંનેએ રાખ્યું. નિહાર થોડો સમય માટે તારાનાથજી પાસે તબલાં શીખ્યો, પરંતુ એનો રસ વિજ્ઞાન અને ગણિત પ્રત્યે વધારે હતો. માતા-પિતામાંથી એકના ગુણ આવે, મારા બંને દીકરાઓમાં રવિન્દ્રની પ્રકૃતિ, એમની નમ્રતા અને એમની સહજતા સાંગોપાંગ ઊતરી છે.
બિભાસ અને નિહાર બંનેના પોતપોતાના શોખ અને રસ હતા. બેમાંથી કોઈએ સંગીતને વ્યવસાય તરીકે અપનાવવાની ઈચ્છા કે પ્રયાસ ન કર્યો. ને સાચું કહું તો, સંગીત મારે માટે ‘ધર્મ’ છે. દરેકને પોતાનો ‘ધર્મ’ પાળવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ એવું હું અને રવીન્દ્રજી બંને માનતા એટલે અમે બાળકોને ક્યારેય ‘સંગીત શીખવું જ પડશે’ એવો આગ્રહ નથી કર્યો.
બિભાસને ફોટોગ્રાફી અને પર્યાવરણમાં રસ પડ્યો. જ્યારે નિહાર કેમિકલ એન્જિનિયર થયો. બિભાસે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં ખાસું કામ કર્યું. નિહારે બાયોમેડિકલના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી.
૧૯૬૪માં વી. શાંતારામ મારી પાસે આવ્યા. એમણે બે હાથ જોડીને વિનંતી કરી કે, એમની ડ્રીમ ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોંને’માં એક ગીત જે રાગ દુર્ગા પર આધારિત હતું એ મારે ગાવું. મેં પહેલાં તો એમને ના જ પાડી દીધી કે, ‘હું સિનેમા માટે નથી ગાતી.’ એમણે જે ભાવ અને શ્રદ્ધાથી વિનંતી કરી એ પછી હું એમને ના ન પાડી શકી, પરંતુ બેકગ્રાઉન્ડ સિંગિંગનો મારો અનુભવ બહુ આનંદદાયક ન રહ્યો. એ પછી મેં અનેક લોકોને ફિલ્મ માટે ગાવાની ના પાડી.
એ ગાળામાં મેં સ્વરમંડલનો પણ ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એક સાથે અનેક નોટ્સને આવરી લે એવું આ વાદ્ય (ઈન્સ્ટ્રુમેન્ટ) ભારતીય સંગીત શાસ્ત્રનું પુરાણું વાદ્ય છે. ઉત્તર ભારતમાં તેરમી સદીમાં એની શોધ થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારે એને ‘મત્તકોકિલા’ તરીકે ઓળખવામાં આવતું. એનો ઉલ્લેખ ‘આઈને અકબરી’માં પણ મળે છે. આમ તો ઘણા કલાકારોએ એનો ઉપયોગ કર્યો છે, પરંતુ બડે ગુલામઅલી ખાં સાહેબ, સલામતઅલી ખાં સાહેબ, પંડિત જસરાજ અને રાશિદ ખાન જેવા કલાકારોએ એને જુદી ઓળખ અને ગૌરવ આપ્યું. ભારતમાં પ્રવાસ કર્યા પછી ૧૯૬૬માં જ્યોર્જ હેરિસને સ્વરમંડલને ‘ધ બિટલ્સ’માં સામેલ કર્યું. સ્વરમંડલનો ઉપયોગ મારા સિવાય ભાગ્ય જ કોઈ સ્ત્રી કલાકારોએ કર્યો છે. મારો તાનપુરો અને મારું સ્વરમંડલ, એ મારા માટે મારા સંગીતના એવાં સાથી રહ્યાં કે જેને લીધે હું એક આગવી ઓળખ ઊભી કરી શકી.
શાસ્ત્રીય સંગીતનાં એ વર્ષો, મારાં સંતાનોનાં ઉછેરનાં વર્ષો અને મારી કારકિર્દી એ વખતે ટોચ પર હતી. મારાં સંતાનોના ઉત્તમ ઉછેર માટે હું રવીન્દ્રને જેટલું શ્રેય આપું એટલું ઓછું છે. હું મારા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતી. ક્યારેક પ્રવાસમાં હોઉ ને ઘેર આવું ત્યારે થાકેલી હોઉ, પરંતુ એમણે ‘પતિ’ તરીકે વર્તવાને બદલે એક સાચો સપોર્ટ બનીને મને ખૂબ જ પ્રોત્સાહન અને પ્રેમ આપ્યાં છે.
બીજો આભાર મારે મારી બહેન લલિતાનો માનવો પડે. એ મારાં બાળકોની મૌશી ઓછી અને મા વધારે છે. મારા બાળકોને લલિતાની માયા પણ એટલી જ… મારી મા અને લલિતા સહિત રવીન્દ્રએ સાથે મળીને મારે માટે એટલી આસાની અને સરળતા કરી આપી કે હું મારા સંગીતને-મારા જીવનના એક માત્ર ધ્યેયને સો એ સો ટકા સમર્પિત રહી શકું.
આજે વિચારું છું તો સમજાય છે, કે ૧૯૬૦-૭૦ના સમયમાં જ્યારે મોટાભાગની સ્ત્રીઓ ‘ગૃહિણી’ અથવા ‘હાઉસવાઈફ’ હતી ત્યારે મારા જેવી વ્યસ્ત અને સમર્પિત કલાકાર સાથે આટલા સ્નેહથી જીવીને રવીન્દ્રએ મને જાળવી લીધી. ૧૯૭૦ના દાયકામાં મને લાગ્યું કે જાણે મારો અવાજ મારો સાથ છોડી રહ્યો છે. અચાનક એક જ અઠવાડિયામાં હું મારો અવાજ ખોઈ બેઠી. કોઈ કહેતા કે, એ મારા પ્રવાસ અને દોડાદોડી, ઉજાગરાનું પરિણામ હતું, તો વળી કોઈ એને કાળો જાદુ-નજર લાગી જેવા ટૂચકા અને અંધશ્રદ્ધા સાથે જોડતા.
ક્યારેક એવો પણ ભય લાગતો કે, સિદ્ધેશ્વરી દેવીની જેમ કોઈકે મને કંઈ ખવડાવી કે પીવડાવી દીધું હોય જેનાથી મારો અવાજ અચાનક જ આવી રીતે તરડાવા લાગ્યો અને ખરાબ થઈ ગયો. અમે અનેક ડૉક્ટર્સનો સંપર્ક કર્યો, આયુર્વેદ, નેચરોપથી જેવા અનેક પ્રયાસ અને પ્રયોગ પછી પણ લગભગ દસ વર્ષ સુધી મારે સંગીતથી દૂર રહેવું પડ્યું! એ હદ સુધી કે હું ગણગણતાં પણ ડરવા લાગી હતી.
મારી જિંદગીના એ સૌથી ડિપ્રેસિંગ અને પીડાદાયક વર્ષો હતાં. બિભાસ પાંચમા ધોરણમાં હશે અને નિહાર આઠમા-નવમા ધોરણમાં. હું રોજ એકાંતમાં અવાજ ખોલવાનો પ્રયાસ કરતી. મીઠાના કોગળા, હળદરનું પાણી, લવિંગ… મારી માઈ પણ જાતજાતના પ્રયોગો કરતી. જોકે, એ દિવસોમાં મારી માઈ અને રવીન્દ્રએ મને જે સહારો આપ્યો છે એને જ કારણે હું ફરી ગાઈ શકી. પૂનાના એક વૈદ્ય આયુર્વેદાચાર્ય સર્વેશ મૂક વિશે અમને માહિતી મળી.
અમે એમને બતાવવા ગયા અને એમણે વચન આપ્યું કે હું ફરી ગાઈ શકીશ! જોકે, સાચું પૂછો તો હું મારો આત્મવિશ્ર્વાસ ખોઈ બેઠી હતી. ફક્ત રવીન્દ્રના અને માઈના આગ્રહને કારણે મેં એમની દવા કરવાનું શરૂ કર્યું. જાતભાતના ઉકાળા અને વોકલ એક્સરસાઈઝની સાથે ગળાની અંદર લગાડવાના લેપ પણ મેં પૂરી નિષ્ઠાથી સ્વીકાર્યા.
એ દિવસોમાં મેં એક પુસ્તક લખ્યું, સ્વરોના સિદ્ધાંત અને શાસ્ત્રીય સંગીતના કેટલાક મહત્ત્વના નિયમોને આવરી લેતું આ પુસ્તક ‘સ્વરાર્ત રમણી’ અથવા ‘સ્વર સિદ્ધાંત’ છે. મેં એ પુસ્તક મરાઠીમાં લખ્યું છે, પરંતુ મને વિશ્ર્વાસ છે કે, આ પુસ્તક અંગ્રેજી અને હિન્દીમાં પ્રકાશિત થાય તો અનેક
નવા ગાયકોને એમાંથી માર્ગદર્શન મળી શકશે.
૧૯૮૨ની શરૂઆતમાં એક દિવસ મેં ગાવાનો પ્રયાસ કર્યો અને સૌની નવાઈ વચ્ચે મારો ઘસાતો-તરડાતો અવાજ ફરી એકવાર મજબૂત અને એટલો જ ઘૂંટાયેલો લાગ્યો. ૧૯૮૩માં પહેલીવાર મેં ફરી કોન્સર્ટમાં પરફોર્મ કર્યું ત્યારે મને પોતાને વિશ્ર્વાસ નહોતો કે હું ગાઈ શકીશ. દિવસોના રિયાઝ અને ધ્રૂજતા આત્મવિશ્ર્વાસ સાથે મેં પહેલો આલાપ લીધો ત્યારે ભાવકોની ગૂંજી ઊઠેલી તાળીઓનો અવાજ આજે, ૮૩ વર્ષે પણ મને રોમાંચની અનુભૂતિ કરાવે છે.
મારી માઈ હંમેશાં કહેતી, ‘એક સુખની સાથે એક દુ:ખ આવે છે’. મારો અવાજ પાછો આવે, પણ મારા મિત્ર, ગુરૂ અને સૌથી સાચા, નમ્ર, વિવેચક, મારા જીવનસાથી રવીન્દ્રને મેં ગુમાવ્યા. ૧૮ ઓક્ટોબર, ૧૯૯૨નો એ દિવસ, મારી જિંદગીનો સૌથી અઘરો અને સૌથી પીડાદાયક દિવસ હતો. રવીન્દ્ર ઘણા સમયથી બીમાર હતા જ. શિક્ષક હોવાને કારણે ચોકની ડસ્ટ અને ડસ્ટરમાંથી નીકળતા ચોકના પાઉડરને કારણે એમને ધીમે ધીમે લંગ ઈન્ફેક્શન થવા માંડેલું. એમણે એમના સ્વભાવ મુજબ આખી વાતને શરદી-ઉધરસ તરીકે લઈને ઘરગથ્થું ઉપચાર કર્યા, પરંતુ અમે જ્યારે ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે, એમને ફેફસાંનું તીવ્ર ઈન્ફેક્શન છે. ટૂંકી માંદગી ભોગવ્યા પછી એમણે આ દુનિયા છોડી દીધી અને મારી દુનિયા ખાલી થઈ ગઈ…
૯૨ પછીનો સમય મારા જીવનનો એક એવો સમય હતો જેમાં સંગીત ન હોત તો કદાચ મારી પાસે જીવવાનું કોઈ કારણ જ ન હોત!
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular