મુંબઈઃ મોબાઈલ ફોન એ આજના સમયની સૌથી મહત્ત્વની જરુરિયાત બની ગયું છે એવામાં જો થોડાક સમય માટે પણ મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થાય તો આપણને જાણે ઓક્સિજન ના મળતો હોય એવી લાગણી થવા લાગે. શુક્રવારે વોડાફોન યુઝર્સને આવો જ કંઈક અનુભવ થયો હતો, કારણ કે સવારથી જ વોડાફોનનું નેટવર્ક ડાઉન હતું.
છેલ્લાં કેટલાક સમયથી વોડાફોનનું નેટવર્ક ડાઉન થઈ ગયું હતું અને અડધા કલાકથી તો આખા મુંબઈમાં વોડાફોનનું નેટવર્ક ગુલ થઈ જતાં મોબાઈલ યુઝરે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજી થોડાક સમય સુધી ગ્રાહકોએ આ નો સર્વિસ ઝોનમાં જ વિતાવવા પડશે. મળી રહેલી માહિતી પ્રમાણે વોડાફોનની કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. આશરે બપોરે એકાદ કલાકથી ગ્રાહકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બપોરે સવાએક વાગ્યાની આસાપાસ વોડાફોનની સર્વિસ ઠપ્પ થઈ ગઈ હતી.
જોકે, આ પહેલી વખત નથી કે વોડાફોનની સર્વિસ ડાઉન થઈ હોય. દસ દિવસ પહેલાં પણ એટલે કે 22મી જાન્યુઆરીના વોડાફોન અને આઈડિયા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં યુઝર્સને 13 કલાક સુધી તેઓ રિચાર્જ નહીં કરી શકે એવી સૂચના આપવામાં આવી હતી. એ સમયે વોડાફોન અને આઈડિયાની સિસ્ટમ અપડેટ કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાની માહિતી સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવી હતી.