રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અચાનક યુક્રેનના મેરીયુપોલ પહોંચી ગયા હોવાના સમાચાર છે. અહેવાલો અનુસાર, પુતિન અહીં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા અને પછી તેમણે પોતે કાર ચલાવીને ઘણી જગ્યાઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પુતિને કાર રોકી અને મેરીયુપોલના નાગરિકો સાથે વાત કરી. મેરીયુપોલ પર મે 2022થી રશિયન સેનાનો કબજો છે.
રશિયન મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મેરીયુપોલની ઓચિંતી મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે જાહેરમાં ભાગ્યે જ દેખા દેતા રશિયન પ્રમુખની ઓચિંતી મેરીયુપોલની મુલાકાતથી આશ્ચર્ય ફેલાયું છે. યુદ્ધની શરૂઆત પછી યુક્રેનના ડોનબાસ પ્રદેશના રશિયન કબજા હેઠળના વિસ્તારોમાં રશિયન પ્રમુખ દ્વારા આ પ્રથમ મુલાકાત છે. રશિયન સેનાએ આ શહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. યુક્રેનના ડોનેટ્સક રાજ્યમાં આવેલું આ શહેર ગયા વર્ષના મે મહિનાથી રશિયાના કબજા હેઠળ છે.
રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પુતિન મેરીયુપોલના નેવસ્કી જિલ્લામાં એક પરિવારની મુલાકાત લીધી હતી. પુતિન યાટ ક્લબ, થિયેટર બિલ્ડિંગ, શહેરના યાદગાર સ્થળોના વિસ્તારમાં ગયા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વિશ્વના ઘણા દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ પણ બહાર પાડ્યું છે. તેમ છતાં પુતિન પીછેહઠ કરવા તૈયાર નથી. રવિવારે પુતિન અચાનક યુક્રેનના મેરીયુપોલ શહેર પહોંચી ગયા હતા.
ICCએ શુક્રવારે પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેમના પર યુક્રેનમાંથી સેંકડો બાળકોને ગેરકાયદેસર રીતે દેશનિકાલ કરવાના યુદ્ધ અપરાધોનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુક્રેને જણાવ્યું હતું કે ગયા વર્ષે મેરીયુપોલ પર કબજો જમાવવા દરમિયાન, રશિયન સેનાએ ઘણા લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. લગભગ 200 લોકોના મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તેમના સૈનિકોનું મનોબળ વધારવા અને વ્યૂહરચના અંગે ચર્ચા કરવા યુદ્ધભૂમિની ઘણી મુલાકાતો કરી છે.