ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. તેમણે જજ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેણે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન આપ્યા હતા. જોકે, માફી માંગવા છતાં વિવેક અગ્નિહોત્રીએ કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે તેને 16 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે.
ઑક્ટોબર 2018માં, જસ્ટિસ એસ મુરલીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે, (જેઓ તે સમયે દિલ્હી હાઈકોર્ટના જજ હતા), ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા કાર્યકર ગૌતમ નવલખાને નજરકેદમાંથી મુક્ત કર્યા હતા. ઑક્ટોબર 5, 2018 ના રોજ, અગ્નિહોત્રીએ જસ્ટિસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ મૂકતુ ટ્વિટ કર્યું હતું. જસ્ટિસ મુરલીધર ઓરિસ્સા હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ આ વર્ષે બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની યાદીમાં સામેલ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિવાય તાજેતરમાં જ ગોવામાં આયોજિત 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે કાશ્મીર ફાઇલ્સ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે આ ફિલ્મને વલ્ગર ગણાવી હતી, જે બાદ ઘણો હંગામો થયો હતો.