વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ

પરંપરાગત રીતે વીરોની ભૂમિ ગણાતા પંજાબમાં હરિસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ગુજરાંવાલાના રહેવાસી ગુરુદયાળ સિંહ ઉપ્પલ અને ધરમકૌરના ઘરે ૨૮મી એપ્રિલ ૧૭૯૧ના રોજ જન્મ. એમનું કુટુંબનાં ઉપ્પલ ખત્રી જ્ઞાતિનું, જેનું મૂળ અમૃતસર નજીકના મજીઠિયા શહેરમાં હરિસિંહ ‘ઉપ્પલ’માંથી ‘નવલા’ કેવી રીતે, ક્યારે અને શા માટે થયા એની રસપ્રદ ઘટના આગળ આવશે.
એટલું ચોક્કસ કહી શકાય કે આ બાળકનો જન્મ ભારત, એશિયા અને વિશ્ર્વના ઇતિહાસ-ભૂગોળનો નવો ઓપ આપવા માટે થયો હતો. હરિસિંહ અને એમના પરાક્રમ વગર શાંતિ, ભાઇચારા અને એકતા જેની ઉદાત્ત ભાવના પણ દુર્લભ જણસ બની ગઇ હતી.
હરિસિંહના જન્મ અગાઉની થોડી સદીઓમાં ભારતીય ઉપખંડમાં મુસલમાનોનું પ્રભુત્વ હતું. ઇ. સ. ૧૪૧૪થી ૧૪૫૧ સુધી સૈયદ અને ૧૪૫૧થી ૧૫૨૬ વચ્ચે લોધી. ૧૪૫૧માં લોધીની પાણીપતમાં હાર સાથે બાબરનો પ્રવેશ થયો. ત્યાર બાદ અકબર, જહાંગીર, હુમાયુ અને ઔરંગઝેબ આવ્યા. જહાંગીરના અનેક અત્યાચારમાં શિરમોર એટલે શીખ (ગુરુ અર્જુન દેવ)ની યાતનામય હત્યા. ઔરંગઝેબે ગુરુ તેગબહાદુરનો શિરછેદ કરાવ્યો. ૧૭૬૧માં મોગલ સામ્રાજયના અસ્તાચલ સાથે ચારેકોર બળવા અને અંધાધૂંધીનો માહોલ હતો.
હરિસિંહને શૌર્ય વારસામાં મળ્યું હતું. શીખોની બહુ જાણીતા લશ્કરી સેના સુક્ર ચકિયાં મિસલમાં ગુરુદયાલ સિંહ એક સેનાપતિ હતા. ૧૭૬૨માં દાદા હરદાસ સિંહ પણ મહમદ શાહ દુર્રાની સામે લડ્યા હતા. પુત્રના લક્ષણ પારણામાં પરખાઇ ગયા. એ સમયની માંગ અને પરંપરા મુજબ પિતાએ હરિસિંહને પંજાબી ભાષા શીખવવા શીખ અને સરસી શિખવવા મૌલવીને રાખ્યા. પરિવારજનો નહીં, શિક્ષકોને ય સુખદ આશ્ર્ચર્ય થયું કે બાળક ‘હરિયો’ બેનમુન સ્મરણ અને તર્ક શક્તિ ધરાવતો હતો. એકવાર જોયેલી કે સાંભળેલી વાત ક્યારેય ભૂલતો નહોતો. આ વિલક્ષણ બાળક એનામાં સ્વસ્થતા ય ગજબનાક હતી. બધુ સરસ ચાલતું હતું પણ કદાચ નિયતિને એ મંજૂર નહોતું.
હરિસિંહ ઉપ્પલ સાત વર્ષના થયા, ત્યાં પિતાની છત્રછાયા અને હૂંક ગુમાવી બેઠા. દીકરા માટે અનેક અધૂરા અરમાનનું ભાથું લઇને ગુરુદયાલજી નીકળી પડયા અનંતની યાત્રાએ.
એકના એક સંતાન હરિસિંહને લઇને માતા ધરમકૌર પોતાના ભાઇને ત્યાં જતાં રહ્યાં. પિતાને ગુમાવી દીધાની ખોટ કોઇ પૂરી ન શકે. પરંતુ માતાએ દીકરાને અતિરણાત્મક વ્હાલમા કેદ કરવાને બદલે પોલાદી વીર બનાવવા પર ભાર મૂકયો.
સશક્ત કદ-કાઠી અને કસાયેલા શરીરમાં સ્ફૂર્તિય ઘણી. આંખોમાં સામેવાળાને માત્ર માપી નહીં, આંજી નાખવાની કુનેહ, દશમાં વરસે ‘અમૃતપાન’ની વિધિ થકી એક સાચા શીખ તરીકેનું જીવન સ્વીકાર્યું. બાળકો રમકડાં અને દોસ્તો સાથે પકડદાવ રમે અને ઉંમરમાં હરિસિંહે અશ્ર્વ-સવારી, માર્શલ આર્ટ અને અસ્ત્ર-શસ્ત્ર વાપરવાની તાલીમ પૂરી કરી લીધી.
એમનો કૌશલનો સૌને પ્રથમ પરિચય મળ્યો. ૧૮૦૪માં એ વર્ષની ૧૭મી જાન્યુઆરીએ મંગળવાર તો ખરો પણ સાથે હતો વસંતપંચમીનો શુભદિવસ. એ સમયના પંજાબના વીર, પરાક્રમી અને લૌકપ્રિય મહારાજા રણજિતસિંહ પોતાની રાજધાની લાહોરમાં વસંતીપંચમીથી દસ દિવસના વિશેષ દરબારનું આયોજન કરતા હતા. ‘પંજાબ કેસરી’ તરીકે ઓળખાતા રણજિતસિંહ દૂરદેશી ધરાવતાં રાજા હતા. દસ દિવસના પ્રજા સાથે સંપર્કમાં આવવા ઉપરાંત આ હિરા પારખુ ભાવિ સિતારાઓને ઓળખવા માટે કરતા હતા. પછી સ્ટાર ભલે કોઇપણ ક્ષેત્રના હોય. આમાં મનોરંજનથી લઇને વિવિધ કરતાબની સ્પર્ધા યોજાતી હતી. રણજિતસિંહ દશેદસ દિવસ હાજર રહે. એમની પારખી નજરમાંથી કંઇ છૂટે નહીં. આ મહોત્સવના વિજેતાઓને મહારાજાના હાથે જ માન-અકરાય અપાય, યોગ્ય તાલીમ-શિક્ષણની વ્યવસ્થા કદાચ અને પછી ક્ષમતા મુજબની નોકરી પણ અપાય. સ્વાભાવિક છે કે મહારાજાની જેમ પ્રજાજનોમાં ય આ દશ દિવસના મેળાવડા માટે અત્યંત ઉત્સાહ જોશ દેખાતા હતા.
ઇ. સ. ૧૮૦૪માં વસંતપંચમી ઉત્સવમાં ૧૪ વર્ષના હરિસિંહ ઉપ્પલ પણ સહભાગી થયા પણ માત્ર મૂક પ્રેક્ષક તરીકે નહીં. હજી તરુણાનસ્યા હોવા છતાં ઊંચી-મજબૂત કદ કાઠી અતિ ખડતલ શરીર સૌષ્ઠવને લીધે લાગે એકદમ યુવાન. હરિસિંહ ગાયન, નૃત્ય કે કોઇ ખેલકૂદને બદલે લશ્કરી કલાબાજીઓ બતાવી. કોઇ અનુભવી યોદ્ધાને છાજે એવી સ્ફૂર્તિ શસ્ત્રોના ઉપયોગમા ઊડીને આંખે વળગે એવી મહારથ. અશ્ર્વ-દોડમાં તો એમની ઉપરથી નજર ઉઠાવવાનું મુશ્કેલ બને અને માર્શલ આર્ટ્સમાં ચપળતા એવી કે જોનારા આંખનું મટકું મારવાનું ય ભૂલી જાય.
મહારાજા રણજિતસિંહ આ તેજીલા તોખારને ઓળખી ગયાં. હરિસિંહને ઇનામ- પારિતોષિક સાથે શાહી લશ્કરમાં નોકરી અપાઇ. નોકરી પણ સાધારણ નહીં, ખુદ મહારાજાના ખાસ અંગરક્ષકની. આ બધુ થયું માત્ર ૧૪ વર્ષની ઉંમરે. સમયના વહેણ બદલવા માટે હરિસિંહે પહેલું કદમ ઉપાડી લીધું હતું. મહારાજા રણજિતસિંહને હરિસિંહમાં જે વિશિષ્ટતા દેખાઇ હતી એ દુનિયા દાયકાઓ સુધી જોવાની હતી અને સદીઓ સુધી યાદ રાખવાની હતી.
આવા હીરોએ અસલી હિર બતાવ્યું એ અગાઉ એમને ઓળખીને અવસર આપનારા મહારાજા રણજિત સિંહ (૧૭૮૦-૧૮૩૯) પ્રથમ શીખ શાસક હતા. આ મહારથીએ જેમણે માત્ર પ્રજાનું કલ્યાણ અને રાજ્યનો વિકાસ જ ન કર્યો પણ પંજાબને અખંડ રાખ્યું અને અંગ્રેજોને નજીક ફરકવા સુદ્ધાં ન દીધા. નાની ઉંમરમા બીમારીઓને લીધે એક આંખ ગુમાવી બેસેલા રણજિત સિંહે માત્ર ૨૧ વર્ષની વયે પંજાબનું સિંહાસન સંભાળ્યું.
૧૮૦૧ની ૧૨મી એપ્રિલના રોજ એ સમયે પંજાબમાં શીખો ઉપરાંત અફઘાનિસ્તાની પણ શાસન કરતા હતા. તેમણે અફઘાનો સામે ઘણી લડાઇઓ જ ન લડી પણ તેમણે પશ્ર્ચિમ પંજાબ તરફ ધકેલી દીધા. મહારાજાએ પેશાવર સહિતના પખ્તુન ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. પહેલીવાર પશ્તુનો પર કોઇ બિન-મુસલમાન શાસકનું રાજ આવ્યું.
આવા યુગપ્રવર્તક મહારાજા રણજિતસિંહ પંજાબને સ્થિર, શાંત અને વિકાસલક્ષી શાસન આપવા સામે એનો વિસ્તાર પણ કરી શકયા. આમાં મોટો ફાળો એમની ટીમનો અને આ ટીમમાં મોખરે રહેનારા સિંહ એટલે હરિસિંહ ઉપ્પલ.
મહારાજા રણજિતસિંહે પસંદ કરીને ખાસ હોદ્દો આપતા હરિસિંહને ધ્યેય મળી ગયો. અલબત્ત, આ કિશોરને ભવ્ય મહેલ, દરબાર કે મહારાજાની આસપાસ મહાલતા રહીને સાહ્યબીમા જીવન વિતાવવું નહોતું. એમની ભુજાનો કંઇક કરી બતાવવા તરસી રહી હતી. લોહીમાં જોશની ભરતી માંડમાંડ અંકુશમાં હતી. મહેલ કે સુખ-સુવિધાના એમને સંતોષ આપી શકતી નહોતી. બંધ-ઉઘાડ થતી મુઠ્ઠીઓ કંઇક અલગ જ માંગતી હતી. ઐયાશી, આરામ કે આળસ એમના ડીએનએમાં જ નહોતા.
કંઇક અલગ, અસાધારણ કરી છૂટવા માટે હરિસિંહ ઉપ્પલ એકદમ ઉતાવળા હતા. એ તક જલદી આવવાની હતી, ને એમની અટક ‘ઉપ્પલ’ને ભૂલાવીને કંઇક નવું આપવાની હતી.
(ક્રમશ).

 

Google search engine