વિશ્રામસાહેબની તાત્ત્વિક અને સાત્ત્વિક પરાવાણી

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

દાસી જીવણના બે શિષ્યો અરજણ અને પ્રેમસાહેબ બન્ને ખૂબજ પ્રખ્યાતી પામેલા. પ્રેમસાહેબની પાસેથી દીક્ષ્ાિત થનારા વાઘાભગત અને બીજા શિષ્ય એમના પુત્ર બુંદશિષ્ય તે વિશ્રામસાહેબ. પિતાશ્રી પ્રેમસાહેબની નીશ્રામાં જ કોટડા મુકામે ઉછેર થયો. એમનો જન્મ ઈ.સ.૧૮ર૬માં. દાસી જીવણે પ્રેમસાહેબને વચન આપેલું કે હું તારે ત્યાં પુત્ર સ્વરૂપે જન્મ લઈશ. દાસી જીવણના અંગ ઉપર જે-જે ચિન્હો હતા તે વિશ્રામસાહેબના શરીર ઉપર અવલોક્વા મળેલા. વિશ્રામસાહેબે સેવા, સાધના અને સત્સંગકાર્યથી ખૂબજ ખ્યાતિ મેળવેલી. આથી કોટડાસાંગાણીના રાજવી તોગાજી ઠાકોર એમના સેવક બનેલા. જમીન દાન માટે આપવા તૈયાર હતા. પણ લીધી નહીં. બહુ થોડી ખપ પુરતી જમીન ઉપર આશ્રમ સ્થાપ્યો. એમના પત્નીનું નામ આદિબાઈ હતું. એમને ચાર સંતાનોમાં ત્રણ પુત્ર અને એક પુત્રી. માનવસેવા, ગોસેવા અને ઈશ્ર્વરના સ્મરણ એમની સાધના પરંપરાનો એક ભાગ છે.
આજે પણ કોટડાસાંગાણીમાં એમનું સ્થાનક ‘વિશ્રામસાહેબની જગ્યા’ તરીકે ઓળખાય છે. એમનો એક પુત્ર માઘવસાહેબ. એમણે સિતારવાદનમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરેલું. માધવદાસના બુંદશિષ્ય પુરુષ્ાોત્તમદાસ, માધવદાસ પછી ગાદીએ આવેલા. એમણે રવિ-ભાણ સંપ્રદાયના સંતોની ભજનવાણી ‘યોગ-વેદાન્ત ભજન ભંડાર’ શીર્ષ્ાકથી પ્રકાશિત કરેલી. વિશ્રામસાહેબે પ્રેમસાહેબના બુંદશિષ્ય પછી એ પરંપરાને ‘પ્રેમવંશ પરંપરા’ નામાભિધાન આપ્યું અને બુંદશિષ્યો ારા પરંપરા જીવંતરૂપે
ચાલે છે.
ઈ.સ.૧૯૯૦માં ભાઈ નિરંજન રાજયગુરુ સાથે એ જગ્યાની યાત્રાએ કોટડાસાંગાણી જવાનું બનેલું ત્યારે પુરુષ્ાોત્તમદાસજીના પુત્ર બુંદશિષ્ય પ્રેમવંશ ગોવિંદરામજી- ગુરુચરણદાસજી સાથે સત્સંગનો લાભ પ્રાપ્ત થયેલો. કબીર, દાસી જીવણ અને વચ્ચે વિશ્રામસાહેબ. વિશ્રામસાહેબનું સમાધિસ્થાનક અહીં છે. સાથે-સાથે માધવદાસજી અને પુરુષ્ાોત્તમદાસજીની સમાધિઓ પણ છે. વિશ્રામસાહેબ ઈ.સ.૧૮૭૭માં માગશર સુદી બીજને દિવસે નિર્વાણ પામ્યા. એમની ભજન રચનાઓ સૌરાષ્ટ્રની સંતવાણીના ગાયકો ભારે ભાવથી ગાતા હોય છે. યોગસાધનાની અનુભૂતિ અને રવિસાહેબ અનુપ્રાણિત તત્ત્વદર્શન એમાંથી દ્રવતું દેખાય છે. એક રચના આસ્વાદીએ –
‘દેખ અધર ઝણકારા, જા કા ભેદ વેદ સે ન્યારા … ટેક
સતગુરુ આયા શબદ સુનાયા, તંત મિલ્યા એક્તારા;
હરદમ ધ્યાન લગાયા હરદેમેં, ખૂલ ગ્યા અગમ દુવારા…
દેખ અધર ઝણકારા, જા કા ભેદ વેદ સે ન્યારા. …૧
શુન શિખરમેં ધુન લગાયા, સોહં શબદ પસારા;
ઝલમલ જયોતિ જાગ રહી નિશદિન, સાહેબકે દરબારા….
દેખ અધર ઝણકારા, જાકા ભેદ વેદ સે ન્યારા. …ર
નુરત-સુરતસેં નીરખે જોગી, જે સતગુરુકા પ્યારા;
ગુરુગમ વિના ખોજ ન પાવે, સો નર હોત ખુવારા…
દેખ અધર ઝણકારા, જાકા ભેદ વેદ સે ન્યારા. …૩
કહે વિશરામ નેંનસે નીરખ્યા, સતગુરુ પ્રેમ હમારા;
સચરાચર ભર્યા ભરપૂરા, અજર અમર અવતારા…
દેખ અધર ઝણકારા, જાકા ભેદ વેદ સે ન્યારા.’ …૪
વિશ્રામસાહેબે જે કંઈ જોયેલું અને અનુભવેલું હતું જેનો સાક્ષ્ાાત્કાર થયો હતો તે આપણને દેખાડે છે. આ એવો અદ્વૈત ઝણકાર – ધ્વનિ અને પ્રકાશ છે જેનો ભેદ વેદથી આગવો અને અનોખો છે.
મારા સદ્ગુરુનું આગમન થયું અને ગુરુમંત્ર સંભળાવ્યો અને મારું શરીરનું હૃદયમંત્ર એમની સાથે એક્તાન થયું. હૃદયમાં એવું ધ્યાન લાગ્યું કે અગમનું દ્વાર ખુલી ગયું. ઉપર જુઓ- દૃષ્ટિપાત કરો, પ્રકાશ અને ધ્વનિની અનુભૂતિ પામો.
શૂન્ય શિખરમાં – બ્રહ્મરંધ્રમાં ધુન-અજપાજાપ આરંભાયો. સોહમની સાધના આરંભાઈ. પરમના સ્થાનકનું દર્શન થયું.
જયાં ઝગમગતી જયોત નિરંતર પ્રકાશ ફેલાવતી હતી એ પ્રત્યક્ષ્ા થઈ.
જે સદ્ગુરુનો કૃપાપાત્રી હોય એ નૂરત-સૂરતની સાધનાને પ્રત્યક્ષ્ા રૂપે પ્રમાણી શકે. ગુરુકૃપા વગર એ શોધ શક્ય નથી. મનુષ્ય પૂરેપૂરો ખુવાર થઈને ખપી જાય તો પણ એની પ્રાપ્તિ ન થાય. વિશ્રામસાહેબ કહે છે કે એણે જાતે પોતાની રીતે ગુરુના પ્રેમનું પ્રમાણ પ્રાપ્ત ર્ક્યું છે. આ સચરાચર સૃષ્ટિમાં બધુ સભર-ભરપૂર છે અને એમાં પરમતત્ત્વ તો શાશ્ર્વત-અજર-અમર છે. તમે એ પરમને આકાશના અવકાશમાં અને તમારા દેહમાં પામી શકો.
વિશ્રામસાહેબ સિદ્ધ સંત તરીકે સમાજમાં પ્રખ્યાત તો થયા. પરંતુ સૌથી મોટી વાત તો એમને પ્રાપ્ત અનુભૂતિ-તેજતત્ત્વને એ પ્રસ્તુત પણ કરી શક્યા. અદ્વૈતની ઉપાસના કેવી સહજયોગ સ્વરૂપે અને સનાતન ધર્મની વિભાવના ખૂબજ સરળ રીતે અહીં વણાઈ ગઈ છે. તાણા-વાણાનું આ ભજન ભારે ઝીણું વણાંટ ભરત છે. એમાંથી પ્રગટતી અવરોક્ષ્ાાનુભૂતિ કેવી પ્રાણવાન, તાત્ત્વિક અને સાત્ત્વિક છે, એનો સુંદર પરિચય વિશ્રામસાહેબની આ પરાવાણીમાં સમાવિષ્ટ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.