રમણીય, પવિત્ર અને દર્શનીય તીર્થ છે વિષ્ણુપ્રયાગ

ધર્મતેજ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

જીવનનું અમૃત-ભાણદેવ

૮. કાકભુશુંડીતાલ:
ભ્યુંડારથી એક પગરસ્તો કાકભુશુંડીતાલ તરફ જાય છે. કાકભુશુંડીતાલ એક પવિત્ર સરોવર છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અહીં કાકભુશુંડી ગરુડજીને રામકથા સંભળાવે છે. આ રામકથા સાંભળવા માટે આ સરોવરમાં શિવ-પાર્વતી હંસ-સ્વરૂપે વિહાર કરે છે. આ સરોવરમાંથી કાકભુશુંડીગંગા નામની નદી નીકળે છે, જે ભ્યુંડારમાં લક્ષ્મણગંગાને મળે છે. ભ્યુંડારથી કાકભુશુંડીસરોવરનો રસ્તો કાકભુશુંડીગંગાને કિનારે-કિનારે જાય છે. આ અંતર ૧૮ કિ.મી. છે. કાકભુશુંડીતાલ પહોંચવાનો એક બીજો રસ્તો પણ છે. વિષ્ણુપ્રયાગથી ગોવિંદઘાટ તરફ આવતાં વચ્ચેથી એક પગદંડીનો માર્ગ નીકળે છે. આ પગરસ્તે ચાલીને પણ કાકભુશુંડીતાલ પહોંચી શકાય છે. આ સ્થાનની યાત્રા કઠિન છે. આવતાં-જતાં ચારપાંચ દિવસ થઈ શકે છે. માર્ગદર્શક-ભોમિયા, ભોજનસામગ્રી, તંબુ આદિ વ્યવસ્થા સાથે રાખીને જ આ તીર્થસ્થાનની યાત્રા થઈ શકે છે.
આ કાકભુશુંડીતાલની યાત્રા અમે કરી નથી. બાકીનાં સ્થાનોની યાત્રા આ પહેલાંની હિમાલયયાત્રાઓ દરમિયાન કરી છે. આ વખતે તો આ માર્કંડેયપ્રયાગનાં દર્શનને જ મુખ્ય ગણ્યું છે, બાકીનાં તીર્થોની માત્ર સ્મરણયાત્રા થઈ છે. માર્કંડેયપ્રયાગનાં પુન:પુન: દર્શન કરીને, તેમને પ્રણામ કરીને અમે આગળ ચાલ્યા.
અમારી મોટરગાડી હવે વિષ્ણુપ્રયાગ તરફ આગળ ને આગળ દોડી રહી છે.
વિષ્ણુપ્રયાગ અને ભવિષ્યબદરી
માર્કંડેયપ્રયાગ અને ગોવિંદઘાટથી હવે અમે વિષ્ણુપ્રયાગ તરફ ગતિ કરી રહ્યા છીએ.
અચાનક અમારી મોટર અટકી ગઈ. “શું થયું છે?
ડ્રાઈવરે કહ્યું: “અહીં કોઈક અકસ્માત થયો છે. આપણે નીચે ઊતરીએ.
તદનુસાર અમે સૌ નીચે ઊતર્યાં. અમે જોયું કે એક મિનિબસ આડી પડી ગઈ છે. તેનાં પૈડાં ડાબી બાજુ રસ્તા તરફ અને છત જમણી બાજુ નદી તરફ થઈ ગઈ છે. ડ્રાઈવરનો જમણો હાથ ભાંગી ગયો છે અને તેનાં આંગળાંમાંથી લોહી ટપકી રહ્યું છે. બીજા ચાર યાત્રીઓને ઈજા થઈ છે. એક બેભાન છે. બીજાં બે બહેનો અને એક ભાઈ વાતો કરી શકે છે, પરંતુ ઈજાગ્રસ્ત છે. મનથી સાવ ભાંગી ગયાં છે. અમે ઝડપથી નીચે ઊતર્યાં, ઈજાગ્રસ્ત યાત્રીઓને પાણી પાયું અને આશ્ર્વાસન આપ્યું. અમારા ડ્રાઈવર પ્રવીણભાઈએ તરત જ પોતાના ગજવામાંથી મોબાઈલ કાઢ્યો અને ૧૦૮ નંબર લગાડ્યો. પ્રવિણભાઈ બોલે છે: “સાહેબ! બદરીનાથ રોડ પર એક અકસ્માત થયો છે. પાંચેક યાત્રીઓને ઈજા થઈ છે. આપ તરત આવો!
સામેથી પ્રશ્ર્ન પુછાયો: “અકસ્માત ક્યાં
થયો છે?
“વિષ્ણુપ્રયાગથી બદરીનાથ જતાં રસ્તા પર, વિષ્ણુપ્રયાગથી પાંચેક કિ.મી. આગળ.
“ભલે! અમે આવીએ છીએ!
અમે ઈજાગ્રસ્ત યાત્રીઓ અને તેમનાં
સાથી યાત્રીઓને આશ્ર્વાસન આપ્યું: “તમે કોઈ ચિંતા ન કરશો. ૧૦૮ની ગાડી હમણાં જ આવે છે!
રસ્તે જતાં-આવતાં બીજાં વાહનો પણ આ અકસ્માત જાણીને અહીં ઊભાં રહ્યાં. સૌ આવશ્યક મદદ કરવા માટે તત્પરતા બતાવતા હતા. લગભગ ૧૦ મિનિટમાં જોશીમઠ તરફથી એક પોલીસગાડી આવી. તેમણે જણાવ્યું: “હમણાં બે મિનિટમાં જ ડૉકટર અને નર્સોની ગાડી આવે છે!
પોલીસે અહીં ઊભેલાં વધારાનાં વાહનોના ચાલકોને પોતાના રસ્તે આગળ જવા જણાવ્યું. બે મિનિટમાં ૧૦૮ની ચિકિત્સાગાડી આવી પહોંચી. સાથે ડૉકટર, નર્સો, સ્ટ્રેચર અને પ્રાથમિક સારવારની બધી સુવિધા છે. અમને થયું કે હવે અહીં અમારું કાર્ય પૂરું થયું છે. અમે અમારી મોટરગાડીમાં બેઠા. ગાડી આગળ ચાલી.
અમે વિષ્ણુપ્રયાગ પહોંચ્યા. અમારી સપ્તપ્રયાગની યાત્રામાં આ વિષ્ણુપ્રયાગ તૃતીય પ્રયાગ છે. આ વિષ્ણુપ્રયાગ પણ હૃષીકેશ-બદરીનાથ રાજમાર્ગ પર જ છે. વિષ્ણુપ્રયાગ હૃષીકેશથી ૨૬૬ કિ.મી. દૂર છે.
જોશીમઠથી બદરીનાથ તરફ જતાં જોશીમઠથી ૧૨ કિ.મી.ના અંતરે વિષ્ણુપ્રયાગ અવસ્થિત છે. જોશીમઠથી વિષ્ણુપ્રયાગનું સીધું અંતર તો સાવ થોડું છે, પરંતુ જોશીમઠ ઊંચાઈ પર છે અને વિષ્ણુપ્રયાગ સંગમસ્થાન સાવ નીચે ખીણમાં છે.
જોશીમઠની ઊંચાઈ પરથી વિષ્ણુપ્રયાગ સુધી નીચે આવવા માટે પહાડી માર્ગ વાંકોચૂકો છે અને તેમ હોય તે સ્વાભાવિક જ છે. તદનુસાર સાવ નજીક હોવા છતાં રાજમાર્ગના અંતર પ્રમાણે જોશીમઠથી વિષ્ણુપ્રયાગનું અંતર ૧૨ કિ.મી. બને છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.