દિવ્યાંગ મિત્ર માટે બનાવી કસ્ટમાઈઝ્ડ મિની જીપ અને મેળવી નામના

પુરુષ

વિશેષ – નિધિ ભટ્ટ
પંજાબ… નામ સાંભળીને જ આપણી આંખો સામે આવી જાય છે લીલાંછમ ખેતરો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દેખાતાં સરસોંનાં ખેતર અને અહીંના શોખીન મિજાજ ધરાવતા ખુશમિજાજ, દિલેર લોકો… પણ આજે આપણે અહીં વાત કરવી છે આ જ ધરતી પર પાંગરેલી એક એવી અનોખી મિત્રતાની કે જેમાં દિવ્યાંગ મિત્રની ફરમાઈશ પર એક મેકેનિક મિત્રએ એના માટે એક કસ્ટમાઈઝ્ડ મિની જીપ બનાવી અને તેમની આ શોધે તેમને પંજાબ જ નહીં, પણ દેશભરમાં એક આગવી ઓળખ આપી છે. ૨૦૧૨માં તેમણે આ જીપ બનાવી હતી, જે સાઈઝમાં સ્કૂટર જેટલી જ છે, પણ તેને ચલાવનાર વ્યક્તિને તે જીપની સવારીનો આનંદ આપે છે. તો ચાલો, વધુ સમય વેડફ્યા વિના મળીએ પંજાબના મનસામાં રહેતા ૬૬ વર્ષીય બબ્બર સિંહને કે જેમણે દેશની સૌથી નાની જીપ બનાવીને પોતાના દિવ્યાંગ મિત્રની જ નહીં, પણ તેમના જેવા જ બીજા અનેક લોકોની મદદ કરી છે.
એવું કહેવાય છે કે જરૂરિયાત એ જ નવી શોધની જનની છે. એવું જ કંઈક થયું પંજાબના બબ્બર સિંહ સાથે પણ. બબ્બર સિંહે પોતાના એક દિવ્યાંગ મિત્રની ફરમાઈશ પૂરી કરવા માટે એક પ્રયાસ કરવાનું નક્કી કર્યું અને એ પ્રયાસ સફળ પણ થયો… આ પ્રયાસે તેમને માત્ર પોતાના ગામ જ નહીં, પણ દેશભરમાં નામના પણ અપાવી. પોતાની આ અનોખી શોધ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે નમેં તો મારા મિત્રની મદદ કરવાના હેતથી જ એક નાનકડી જીપ બનાવી હતી અને પછી મને ખ્યાલ આવ્યો કે એના જેવા જ બીજા લોકો પણ છે આ દુનિયામાં અને મારી આ એક નાનકડી શોધ એના જેવા જ બીજા અનેક લોકો માટે મદદરૂપ સાબિત થશે.
વ્યવસાયે મોટર મેકેનિક એવા બબ્બરને બાળપણથી જ ગાડી અને ખાસ કરીને જીપનો એક આગવો જ ક્રેઝ રહ્યો છે. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના ઘરમાં એક મોટી જીપ આવી હતી અને એ જ સમયે તેમણે પહેલી વખત એક નાની જીપ બનાવવાનું સપનું જોયું હતું, પણ બાળપણમાં જોયેલું સપનું પૂરું થયું ૨૦૧૨માં ૫૬ વર્ષની ઉંમરે, જ્યારે તેમના મિત્રએ તેમને પોતાના માટે એક નાની ગાડી બનાવવાની માગણી કરી.
નમારો મિત્ર દિવ્યાંગ છે, તે સ્કૂટર તો ચલાવી લેતો હતો, પણ વાત જ્યારે પરિવાર સાથે બહાર જવાની હોય ત્યારે એની પાસે કોઈ જ વાહન નહોતું. એટલે એણે મને નાની ગાડી બનાવવાનું જણાવ્યું, જેથી તે તેના પરિવાર સાથે સરળતાથી બહાર જઈ શકશે. બસ તેની આ ડિમાન્ડ સાંભળીને જ મને એવું લાગ્યું કે મારે એના માટે એક જીપ બનાવવી જોઈએ. ત્યાર બાદ મેં મારા જ ગેરેજમાં એક મિની જીપ બનાવવાનું શરૂ કર્યું. ગાડીઓ પ્રત્યે પહેલાંથી જ આકર્ષણ હતું અને એમાં પણ હવે તો મિત્ર માટે જીપ બનાવવાની હતી એટલે મેં તો દિવસ-રાત જોયા વિના જીપ બનાવવાનું શરૂ કરી દીધું. ખુશીથી હું જીપ બનાવવામાં સમય પસાર કરવા લાગ્યો,થ એવું વધુમાં જણાવે છે બબ્બર.
બબ્બરે એક મોટી જીપની કૉપી કરીને એક નાની જીપની બૉડી બનાવી અને ત્યાર બાદ તેમાં સ્કૂટરની ૧૦૦ સીસીની એક મોટર અને મારુતિ ૮૦૦નું સ્ટિયરિંગ લગાવીને આ જીપમાં પ્રાણ પૂર્યો. આ મિની જીપમાં એકસાથે ચાર જણ બેસીને પ્રવાસ કરી શકે છે અને તેને બનાવવાનો ખર્ચ આવ્યો હતો માત્ર ૭૦,૦૦૦ રૂપિયા. જીપ બની ગઈ એટલે બબ્બરે તેમના મિત્રને તે વાપરવા માટે આપી દીધી. મિત્ર પણ પોતાના મિત્રની મહેનત અને લગન જોઈને ખુશ થઈ ગયો અને તેને આ જીપ ખૂબ જ આરામદાયક લાગી. આ જીપમાં બબ્બરે ઓટોમેટિક એન્જિન બેસાડ્યું છે એટલે તેને ડ્રાઈવ કરવી ખૂબ જ સહેલી અને સરળ છે. આ જીપની સૌથી મહત્ત્વની અને મોટી ખાસિયત વિશે વાત કરવાની થાય તો તેમાં અન્ય જીપની જેમ કોઈ ગિયર નથી. આખી જીપનું ફંક્શન સ્ટિયરિંગથી જ થાય છે, એટલે તમારે પગનો ઉપયોગ કરવાની જરૂર જ નથી રહેતી. આની સાથે જ પોતાની સાઈઝને કારણે આ જીપ દિવ્યાંગ લોકોના ઉપયોગ માટે એકદમ પરફેક્ટ છે. બબ્બરના મિત્રને કરાણે હવે ધીરે ધીરે આખા પંજાબમાં તેમની જીપની ચર્ચા ચાલી રહી છે.
વાતનો દોર આગળ વધારતાં બબ્બર જણાવે છે કે નલોકોને આ જીપ પસંદ આવી રહી છે અને મારા માટે એ જ સૌથી આનંદની વાત છે. હવે તો મારી પાસે ખાસ આવી જીપ બનાવવાના ઓર્ડર્સ પણ આવવા લાગ્યા છે અને અત્યાર સુધી હું આવી ૧૫ જીપ બનાવી ચૂક્યો છું.થ
એક નાનકડા ગામના બબ્બર સિંહની આ શોધ એક જ વાત સાબિત કરે છે કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી અને અહીંના લોકો પોતાની દરેક સમસ્યાનું સમાધાન જાતે જ કંઈક ને કંઈક તોડપાણી કાઢીને લાવે છે. કદાચ આ જ કારણ છે કે મોટી મોટી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરતાં કે ભારતીયોએ પોતાને ત્યાં નોકરી પર રાખતાં પહેલાં એકપણ સેક્ધડનો વિચાર કરતી નથી, કારણ કે તેમને વિશ્ર્વાસ હોય છે કે કુછ ના કુછ તો હલ નિકલ હી આયેગા હર સમસ્યા કા!

 

1 thought on “દિવ્યાંગ મિત્ર માટે બનાવી કસ્ટમાઈઝ્ડ મિની જીપ અને મેળવી નામના

  1. Now this is the way to go. This is much safer than two wheelers. A few suggestions for improvements/enhancements for safety: make it a hard-body vehicle. Add seat belts and airbags too. Mr. Mahindra, please take note. This is an untapped market. Go for it. It is yours for taking. My hat off to the true friend.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.