વિશેષ – ગીતા માણેક
હું ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના સેટ પર શૂટિંગ કરી રહી હતી અને મેં તેમને કહ્યું કે મારી તબિયત સારી નથી તેમ છતાં તેમણે મને ઘરે જવા ન દીધી. હું કામ કરતી રહી અને જ્યારે તેમણે મને જવાની રજા આપી ત્યારે સાંજ પડી ગઈ હતી. હું ડૉક્ટર પાસે ગઈ તો તેમણે મને સોનોગ્રાફી કરવાનું કહ્યું. એ વખતે મને ખ્યાલ નહોતો કે હું પ્રેગનન્ટ છું. સોનોગ્રાફી કરાવવા જતા રસ્તામાં જ મને બ્લિડિંગ શરૂ થઈ ગયું. મને યાદ છે ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. મેં એક રીક્ષા ઊભી રાખી અને રીક્ષા ડ્રાઇવરને વિનંતી કરી કે મને હૉસ્પિટલ લઈ જા. હું હૉસ્પિટલમાં પહોંચી તો એક નર્સ દોડીને મારી પાસે ઓટોગ્રાફ લેવા આવી. એ વખતે મેં તેને ઓટોગ્રાફ આપ્યો અને કહ્યું કે મુઝે એડમિટ કર લોગે મુઝે લગતા હૈ કિ મુજે મિસકેરેજ (કસુવાવડ) થઈ ગઈ છે. તે દિવસે જ મોડેથી મને એકતા કપૂરની ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની પ્રોડ્ક્શન ટીમનો ફોન આવ્યો અને બીજા દિવસે શૂટિંગ માટે હાજર થઈ જવા કહ્યું. મેં તેમને કહ્યું કે મને મિસકેરેજ થયું છે અને મારી તબિયત સારી નથી તો સામેથી પ્રોડ્ક્શનના તે માણસે કહ્યું કે કંઈ વાંધો નહીં બપોરના બે વાગ્યાની શિફ્ટમાં આવી જજો.’
તાજેતરમાં ધ સ્લો ઇન્ટરવ્યૂ નામની યુ ટ્યૂબ ચેનલમાં નીલેશ મિશ્રાને મુલાકાત આપતા કેન્દ્રીય પ્રધાન અને એક જમાનામાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલમાં તુલસીના પાત્રથી જાણીતા થયેલા સ્મૃતિ ઈરાનીએ બાલાજી ટેલિફિલ્મસ અને એકતા કપૂરની તોછડાઈ, તુમાખી અને જોહુકમી તથા અમાનવીય વ્યવહાર વિશે પહેલી વખત વાત કરી હતી.
બાલાજી ટેલિફિલ્મસે તેની સાથે કરેલા અમાનવીય વ્યવહાર વિશે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે મને મિસકેરેજ થયું અને હું તરત સેટ પર કામ કરવા નહીં આવી શકું એવું કહ્યું ત્યારે આ જ સિરિયલમાં તેની સાથે કામ કરતી સહ અભિનેત્રીએ એકતા કપૂરને કહ્યું કે સ્મૃતિ ઈરાની બીમાર નથી અને જુઠ્ઠું બોલી રહી છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે એ વખતે હું રવિ ચોપરાની નિર્મિત ટીવી સિરીયલમાં સીતાની ભૂમિકા પણ ભજવી રહી હતી. એક શિફ્ટમાં હું ક્યોંકિ સાસ ભી કભી બહુ થીનું શૂટિંગ કરતી અને બીજી શિફ્ટમાં રવિ ચોપરાની રામાયણ સિરિયલ માટે કામ કરતી હતી. મેં જ્યારે રવિ ચોપરાને જાણ કરી કે મને મિસકેરેજ થયું છે તો તેમણે તરત જ કહ્યું કે કામ પર આવવાની કોઈ જરૂર નથી. તું આરામ કર.
યુટ્યુબ ચેનલને આપેલી મુલાકાતમાં સ્મૃતિએ કહ્યું હતું કે એ દિવસે હું માનવતાનો પાઠ ભણી હતી. તેણે કહ્યું હતું કે સાંસ ભી કભી બહુ થી ના સેટ પર પચાસ પાત્રો હતા એટલે હું ગેરહાજર રહું તો પણ તે સિરિયલને બહુ ફરક પડવાનો નહોતો. બાલાજી ટેલિફિલ્મસ ધારે તો મારા પાત્ર વિના પણ થોડો સમય શૉ ચલાવી શકે એમ હતી જ્યારે રામાયણમાં હું સીતાનું પાત્ર ભજવતી હતી એટલે મારી હાજરી હોવી અનિવાર્ય હતી. તેમ છતાં રવિ ચોપરાએ માનવતાભર્યો વ્યવહાર કર્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ જ્યારે પોતાની તબિયત વિશે રવિ ચોપરાને પોતાની તબિયત અને મિસકેરેજ વિશે જાણ કરી ત્યારે તેમણે તાકીદ કરી કે તું આરામ કર. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, મેં જ્યારે રવિ ચોપરાને વિનંતી કરી કે હું સવારે સાતને બદલે આઠ વાગ્યે આવીશ તો ચાલશે? હૉસ્પિટલમાંથી રજા લીધા પછી મારે ઘરે જવું પડશે. ત્યારે રવિ ચોપરાએ મને કહ્યું હતું કે ‘તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. બાળક ગુમાવવું એટલે શું એ મને સમજાય છે. તારે કાલે આવવાની જરૂર નથી.’ આ સાંભળીને જ્યારે સ્મૃતિ ઈરાનીએ તેમને કહ્યું કે રવિજી, રવિવારનો એપિસોડ મોકલવાનો છે અને સીતાની જગ્યાએ બીજા કોઈને નહીં મૂકી શકાય ત્યારે તેમણે કહ્યું હતું કે તું ચિંતા ન કર હું સંભાળી લઈશ.
જ્યારે સ્મૃતિ ઈરાનીએ તેમને કહ્યું કે મારે એકતા કપૂરના ક્યોંકિ સાંસ ભી કભી બહુ થીના સેટ પર તો બપોરે બે વાગ્યે હાજર થવું જ પડશે નહીં તો તે મને કાઢી મૂકશે ત્યારે રવિ ચોપરાએ કહ્યું હતું કે એ લોકોએ (એકતા કપૂરે) શું કરવું જોઈએ એ હું ન કહી શકું પણ તું બે વાગ્યા સુધી ઘરે આરામ કર તારે મારા સેટ પર આવવાની જરૂર નથી.
બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવેલા અમાનવીય વ્યવહાર વિશે વિગતવાર વાત કરતા સ્મૃતિ ઈરાનીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બીજા દિવસે હું એકતા કપૂરના સેટ પર
પહોંચી ત્યાં સુધીમાં મારી સહ અભિનેત્રીએ નિર્માત્રીની કાન ભંભેરણી કરી હતી અને કહ્યું હતું કે મેં મિસકેરેજની વાર્તા ઘડી કાઢી છે. હું જુઠ્ઠું બોલી રહી છું. સ્મૃતિએ કહ્યું હતું કે હું સેટ પર એટલા માટે ગઈ હતી કારણ કે મારે ઘરના હપ્તા ભરવાના હતા અને મને પૈસાની સખત જરૂર હતી. બીજા દિવસે હું મારા બધા મેડિકલ પેપર્સ લઈને ગઈ અને મેં એકતાને એ બતાવ્યા હતા અને કહ્યું હતું કે હું નાટક નથી કરી રહી. એકતા કપૂરને એ વખતે સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું હતું કે ‘ભ્રૂણ બચ્યું નથી નહીંતર એ પણ દેખાડી દેત.’
બાલાજી ફિલ્મસ અને ખાસ કરીને એકતા કપૂરના પોતાના શૉના કલાકારો તેમ જ અન્ય સ્ટાફ સાથેના અમાનવીય વ્યવહારના અનેક કિસ્સાઓ ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતા રહે છે પરંતુ મોટા ભાગના લોકો પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવાથી ડરતા હોય છે એટલે જાહેરમાં બોલી શકતા નથી. સ્મૃતિ ઈરાની હવે કેન્દ્રીય પ્રધાન પદ પર છે અને ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે છેડો ફાડી ચૂક્યા છે ત્યારે તેમણે પોતાના અનુભવની વાત કરી હતી. ૨૦૦૭ની સાલમાં સ્મૃતિ ઈરાનીનો બાલાજી ટેલિફિલ્મસની નિર્માત્રી એકતા કપૂર સાથે ઝઘડો થયો હતો અને એ કારણ સર જ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલ છોડી હતી એવું કહેવાય છે. જો કે પછીથી બંને વચ્ચે સમાધાન થયું હતું.