વિશેષ – રાજેશ યાજ્ઞિક
સૌ પ્રથમ ભારતીય ફિલ્મથી લઈને ઓસ્કાર ઍવોર્ડ સુધી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક લાંબી મજલ કાપી છે. ખાસ કરીને આજે બોલીવુડ તરીકે ઓળખાતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો વિવિધતામાં એકતાની દ્રષ્ટિએ ભારતનું સાચું પ્રતિબિંબ ગણાય છે. કારણકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક ભાષા, અનેક ધર્મ અનેક જાતિના કલાકારો કામ કરી ચુક્યા છે અને કરી પણ રહ્યા છે. પણ બોલીવુડમાં વિદેશી કલાકારોએ પણ ધૂમ મચાવી છે. આવા કેટલાક કલાકારો જેમના મૂળિયાં એક જ દેશ અને એક જ ધર્મમાં હોય તો એ છે ઇઝરાયેલના યહૂદીઓ. સ્વતંત્રતા પહેલા આપણા દેશમાં યહૂદીઓની બહોળી વસ્તી હતી અને આપણી ફિલ્મોમાં પણ તેમની હાજરી હતી.
રૂબી માયર્સનું નામ તમે સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો તમને યાદ કરાવીએ સુલોચના. ‘ખટ્ટામીઠા’, ‘જુલી’, ‘આમ્રપાલી’, ‘મેરે હમદમ મેરે દોસ્ત’, ‘નીલકમલ’ જેવી ખૂબ જાણીતી ફિલ્મોમાં જોવા મળેલા સુલોચના એટલે જ રૂબી માયર્સ! ૧૯૦૭માં જન્મેલા રુબી હકીકતમાં ટેલિફોન ઓપરેટર તરીકે કામ કરતાં હતાં. એક ડાયરેક્ટર પોતાના ફિલ્મ માટે લોકેશન શોધી રહ્યા હતાં ત્યારે તેમની નજર રુબી પર પડી હતી. તેમના રૂપ, અને ખાસ કરીને તેમની ભાવવાહી આંખોથી દિગ્દર્શક એટલા પ્રભાવિત થયા કે તેમનું સ્ક્રીન નામ જ સુલોચના અર્થાત સુંદર આખો વાળી સ્ત્રી રાખી દીધું. ૧૯૨૭માં આવેલી ફિલ્મ ‘વાઈલ્ડ કેટ ઓફ બોમ્બે’માં તેમણે આઠ પાત્રો ભજવ્યાં અને આ રીતે એક જ ફિલ્મોમાં એક કરતાં વધારે પાત્રો ભજવનાર પહેલા કલાકાર તરીકે પણ સુલોચનાનું નામ લઇ શકાય. ભારતની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે પણ તેમનું નામ લેવાય છે. કહે છે કે તેમના સમયમાં સૌથી વધુ મહેનતાણું મેળવનાર અભિનેત્રી તેઓ જ હતાં. દેશમાં સૌથી પહેલી રોલ્સ રોયસ કારના માલિક સુલોચના હતાં. ૧૯૩૩માં તેમના ઉપર ફિલ્માવાયેલી એક ફિલ્મનું નામ જ ‘સુલોચના’ હતું.
મૂંગી ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરીને બોલતી ફિલ્મો સુધી અને સિત્તેરના દાયકા સુધી કાર્યરત રહેલાં સુલોચનાએ સૌથી પહેલા તો ફિલ્મોમાં કામ કરવાની જ ના પાડી દીધી હતી. કારણકે એ જમાનામાં ફિલ્મોમાં ‘સારા ઘરના’ લોકો ફિલ્મોમાં કામ નહોતા કરતા. ફિલ્મોમાં કામ કરવું હલકું કામ ગણાતું.
કદાચ એ પણ એક કારણ હશે કે ભારતીય સ્ત્રીઓ કરતાં વિદેશી સ્ત્રીઓ વધુ આધુનિક અને તે જમાનામાં ‘બિન્દાસ’ કહેવાય તેવાં પાત્રો માટે પસંદ થતી હતી.
મોરારજી દેસાઈએ તેમની ફિલ્મ ‘જુગનું’ ઉપર પ્રતિબંધ મુકાવ્યો
હતો કારણકે તેમાં એક જૈફ પ્રોફેસરને જૈફ સુલોચનાના પ્રેમમાં પડતા દર્શાવ્યા હતા. ૧૯૭૩માં સુલોચનાને ફિલ્મોમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
અહીં ડેવિડ અબ્રાહમ પેણકરને યાદ કરવા પડે જેમણે હિટ ફિલ્મ ‘આલમ આરા’ લખી હતી. તેઓ પણ યહૂદી હતા. તો ફિલ્મ અભિનેતા ડેવિડને પણ કેમ ભુલાય? મરાઠી ભાષી બેને ઇઝરાયલી જ્ઞાતિના ડેવિડ અબ્રાહમ ચેઉલકર પણ મૂળ યહૂદી પરિવારના. અન્યોની જેમ ડેવિડ પણ નોકરી કરવા માગતા હતા, ફિલ્મો નહીં. પણ અસફળ રહ્યા પછી જે મળે તે કામ સમજી ફિલ્મો ઉપર હાથ અજમાવ્યો. ડેવિડ ૧૯૫૪માં આવેલી ‘બુટ પાલીશ’ ફિલ્મના તેમના ‘જ્હોન ચાચા’ પાત્રના નામે ખૂબ જાણીતા થયા. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર મળેલો અને ડેવિડને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો ઍવોર્ડ પણ મળેલો. બહુ જાણીતી ફિલ્મો જેમાં ડેવિડે અભિનય કર્યો હતો તેમાં ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘બાતો બાતો મે’, ‘સત્યમ શિવમ સુન્દરમ’ જેવી અનેક નામચીન ફિલ્મો છે. તેમણે ૧૧૦ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ૧૯૩૭થી શરૂ થયેલી તેમની કારકિર્દી એંસીના દાયકા સુધી ચાલુ રહી. ૧૯૮૨માં તેઓ કેનેડામાં મૃત્યુ પામ્યા.
ફ્લોરેન્સ એઝેકીલ કઈ હોલીવુડ ફિલ્મની અભિનેત્રી છે તે તમે જાણો છો? તમારો જવાબ નકારમાં જ હશે. ક્યાંથી હા પાડો? કેમકે એ હોલીવુડની નહીં, બોલીવુડની અભિનેત્રી છે તેમ કહીએ તો તમે માથું ખંજવાળવા માંડો ને?! ‘આન’, ‘શ્રી ૪૨૦’, ‘પાકીઝા’, અને ‘જુલી’ ફિલ્મોની આ અભિનેત્રીનું નામ છે નાદીરા! હવે ઓળખાણ ચોક્કસ પડી હશે ને?! નાદીરા ૧૯૩૨માં ઇરાનના બગદાદ શહેરમાં બગદાદી યહૂદી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનો પરિવાર વેપાર-ધંધા માટે મુંબઈ આવી વસ્યો હતો. તેમણે તેમની પહેલી ફિલ્મ લગભગ ૧૦-૧૧ વર્ષની ઉંમરે કરી હતી. પણ ‘મહેબૂબ ખાનની આન’ ફિલ્મથી તેમની કારકિર્દી ખીલી ઊઠી. તેમણે હીરોને આકર્ષિત કરતી સ્ત્રી અને ખલનાયિકાનાં પાત્રો પણ એવા ભજવ્યા કે લોકો તેમની અદાઓ ઉપર વારી જતા. કુશળ અભિનેત્રી હોવા છતાં તેમના પશ્ર્ચિમી દેખાવને કારણે તેમને મળતાં પાત્રોમાં વિવિધતા ન આવી શકી તે દુ:ખની વાત કહેવાય. તેમના કેરેક્ટર રોલ પણ ખ્રિસ્તી અથવા એન્ગ્લો-ઇન્ડિયન સ્ત્રીના જ રહેતા. એક હાથમાં સિગારેટ અને બીજામાં વ્હીસ્કીનો ગ્લાસ રાખીને ફિલ્મોમાં સ્ત્રીઓની આખી ઇમેજ બદલવામાં નાદીરાનો બહુ મોટો ફાળો છે. ‘જુલી’ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો હતો.
કાળક્રમે તેમના બે ભાઈઓ વિદેશ ચાલ્યા ગયા પણ તેમણે મુંબઈમાં એકલા રહેવાનું પસંદ કર્યું. ૨૦૦૬માં તેમનું નિધન થયું.
રશેલ કોહેન ઉર્ફ રમોલા દેવી પણ ભારતીય યહૂદી અભિનેત્રી હતા. તેમના મૂળ પણ બગદાદમાં હતા. ‘હમ ભી ઇન્સાન હૈ’, ‘ખજાનચી’, ’રિક્ત’ જેવી ફિલ્મોના અભિનેત્રી તેમણે, પોતાની કારકિર્દી ફિલ્મોથી નહીં, પણ થિયેટરથી કરી હતી. તેમની પહેલી ફિલ્મ કેદાર શર્માની ‘દિલ હી તો હૈ’ હતી.
બેને ઇઝરાયલી જ્ઞાતિની ફિરોઝા બેગમ પણ વીસ અને ત્રીસના દાયકાનું જાણીતું નામ. તેમનું મૂળ નામ હતું સુઝાન સોલોમન. રૂબી માયર્સ અને એસ્થર અબ્રાહમ (પ્રમીલા, જેને વિશે તમે મુંબઈ સમાચારમાં વાંચી ચુક્યા છો.)ની જેમ જાણીતા થયા. પણ તેઓ લોકોથી પોતાની યહૂદી ઓળખ છુપાવી રાખતા. એસ્થર અબ્રાહમ વિશે અહીં આપણે લખતા નથી કેમકે આપણે તેમના વિશે વિસ્તારથી જાણ્યું છે.
યહૂદીઓના ભારત પ્રેમ અને તેમના ફિલ્મોના યોગદાનને ફિલ્મ રસિયાઓએ યાદ રાખવા જેવું છે. આપણા સમૃદ્ધ ફિલ્મ વારસામાં તેમનું યોગદાન ‘ટર્નિંગ પોઇન્ટ’ હતું તેમાં બેમત ન હોઈ શકે. ભારતીય ચિત્રપટના એ કાળની ફિલ્મો અથવા તેમના દસ્તાવેજોને જાળવી રાખવાની બહુ મહેનત ન થઇ હોવાથી ઘણુંબધું સાહિત્ય હવે અપ્રાપ્ય થઇ ગયું છે તે પણ અફસોસની વાત છે. વિશ્ર્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવતા ઉદ્યોગ પાસે તેના ઇતિહાસનો એક આર્કાઇવ હોય તેવી આશા અસ્થાને તો ન જ ગણાય.