વિશેષ – મુકેશ પંડ્યા
શિવામ્બુ ચિકિત્સા (ભાગ-૨)
અગાઉ મોરારજી દેસાઇના જન્મદિવસે (૨૮ ફેબ્રુઆરીએ) આપણે શિવ-પાર્વતી વચ્ચે થયેલા સ્વમૂત્ર અંગેના સંવાદનો આ જ સ્થળે ઉલ્લેખ કરેલો. ‘ડામરતંત્ર’ નામના ગ્રંથમાં શિવે પાર્વતીને ૧૦૭ શ્ર્લોકમાં વિસ્તૃત માહિતી આપી છે.
દસહજાર વર્ષ પહેલાં રચાયેલા ઋગ્વેદમાં ચોખ્ખું લખેલું છે કે
‘તન જ તનનું ઔષધ છે’ અર્થાત્ શરીર અસ્વસ્થ થાય તો શરીરમાં રહેલા કુદરતી ઔષધો દ્વારા જ તેનો ઉપચાર કરવો.
યોગ શીખવતા એક ગ્રંથ ‘હઠયોગ પ્રદીપિકા’માં તો સ્વમૂત્ર કેવી રીતે પીવું તેની રીત પણ વર્ણવી છે. તેમાં લખ્યું છે કે
‘ શિવામ્બુની પ્રથમ ધારામાં પિત્ત વધુ હોય છે અને પાછલી ધારા સારતત્ત્વ વિનાની હોય છે. તેથી બન્ને ધારા છોડી શીતળ મધ્ય ધારાનું પાન કરવું.’
યોગ્યરત્નાકર નામના ગ્રંથમાં મૂત્રના ગુણધર્મો વર્ણવતા લખ્યું છે કે,
‘માનવમૂત્ર પિત્ત-રક્ત દોષનાશક છે, કૃમિધ્ન, રેચક અને વાતધ્ન છે. મૂર્ચ્છાને દૂર કરનાર તથા વિષધ્ન છે.
આ ઉપરાંત અનેક પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ આ ચિક્ત્સિાનો ઉલ્લેખ થયો છે.
ભાવપ્રકાશમાં મૂત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ‘ મનુષ્યનું મૂત્ર ક્ષારયુક્ત, ખારું અને તીક્ષ્ણ છે. તે ઝેરને મારે છે. તેનું સેવન કરવામાં આવે તો તે રસાયણનું કામ કરે છે.’
‘અષ્ટાંગ હૃદય’માં આચાર્ય વાગ્ભટ્ટ જણાવે છે કે, ‘ માનવમૂત્ર નેત્રરોગોને નષ્ટ કરે છે. વધેલ પિત્તનું શમન કરે છે. તે કૃમિધ્ન, વાતધ્ન, કફધ્ન અને વિષધ્ન છે.’
નિઘંટુ રત્નાકર જણાવે છે કે નરમૂત્ર રેચક, ક્ષારયુક્ત, ઉષ્ણ તથા રસાયણ છે. દાંતદોષધ્ન છે. ઘા, ભૂતબાધા, ચર્મરોગ, તાવ, કફ અને પિત્તદોષને દૂર કરે છે.
અષ્ટાંગ સંગ્રહમાં જણાવાયું છે કે માનવમૂત્ર બધા જ નેત્રરોગોને હરે છે અને મોટી માત્રામાં સેવન કરવાથી વધી ગયેલા પિત્તને દૂર કરે છે.
માત્ર સનાતન ધર્મ જ નહીં, અન્ય ધર્મોના પ્રાચીન ગ્રંથોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સાનું કોઇને કોઇ સ્વરૂપે વર્ણન છે જ.
જૈન ધર્મના આચાર્ય ભદ્રબાહુકૃત ‘ વ્યવહારસૂત્ર’ માં તો બૌદ્ધ ધર્મમાં ‘મહાવગ્ગ’ ગ્રંથમાં અને ખ્રિસ્તી ધર્મના જ્ના કરાર અને નવા કરાર બંન્નેમાં આ ચિકિત્સાનો ઉલ્લેખ છે.
જાણીતા પ્રકાશક હેમંત ઠક્કરના પિતા નંદલાલ ઠક્કરે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇનો ઇન્ટરવ્યૂ લઇ પોતાના પુસ્તક ‘ સ્વમૂત્ર એક અમૃત’ માં છાપ્યો હતો તો હેમંત ઠક્કરે ‘સ્વમૂત્ર દ્વારા રોગચિકિત્સા’ નામના પુસ્તકનું સંકલન કરીને છાપ્યું છે જે દર્શાવે છે કે સ્વમૂત્ર ચિકિત્સાની લોકપ્રિયતા વધતી રહી છે. આ પુસ્તકમાં જણાવ્યું છે કે પૂરા વિશ્ર્વના લોકો કોઇને કોઇ રીતે સ્વમૂત્રચિકિત્સાનો લાભ લે છે.
ગ્રીક લોકો પ્રાચીન કાળથી તાજા ઘા પર શિવામ્બુની ધાર કરે છે અથવા તેનો પાટો બાંધે છે. યુરોપમાં પણ જૂના સમયથી વાગ્યા પર પેશાબ કરવાની પ્રથા છે. ઓસ્ટ્રેલિયાના લોકો તો ઘા ઉપરાંત દાઝેલા અંગો પર પણ શિવામ્બુ લગાડે છે. શ્રીલંકાના સિંહાલી લોકો જંતુનું ઝેર દૂર કરવા શિવામ્બુના પોતાં મૂકે છે અને પીવડાવે છે. અમેરિકા(પેન્સિલ્વેનિયા)માં અસ્થિભંગ કે તાજા ઘા પર શિવામ્બુના પોતાં મુકાય છે.
જ્પ્સિી, રણપ્રવાસીઓ કે વણઝારા પાણીના અભાવે સ્વમૂત્રપાન કરતાં. કેદીઓ, ચોર, ડાકુ, ગુનેગાર વગેરે મારપીટ બાદ ઘા પર શિવામ્બુ લગાડે છે, ચોળે છે અને પીએ છે. અઢારમી સદીની શરૂઆતમાં પેરિસ(ફ્રાન્સ)ના દાંતના ડૉક્ટરો મૂત્રથી દાંતને ધોઇ દાંતના બધા રોગ દૂર કરતા. નાનુ બાળક પેશાબ કરે ત્યારે તેમની માતા કે દાદી-નાની એ પેશાબને ખોબલામાં ઝીલી બાળકને પીવડાવી દેતાં એ અમે નજરે જોયા છે
જોકે,આ ઉપચાર પદ્ધતિને અર્થહીન કહી તેનો વિરોધ કરવાવાળા પણ પડ્યા છે. અનેક લોકોના મતે આ મૂત્ર એ શરીરની વેસ્ટ પ્રોડક્ટ અર્થાત્ કચરો છે. ( ક્રમશ:)