વિશેષ – સોનલ કારીયા
આ વર્ષે જાણે હવા પ્રદૂષણની બાબતમાં દિલ્હી સાથે મુંબઈ હોડ બકી રહ્યું હોય એવું હવાના પ્રદૂષણ સંબંધે ઘણી કાગારોળ મચાવવામાં આવતી હોય છે અને એ અંગે સુપ્રીમ કોર્ટ પણ પગલાં લેવાના આદેશ આપે છે. જોકે મુંબઈના હવા પ્રદૂષણ બાબત કોઈના પેટનું પાણી પણ ન હલતું હોય એવું લાગી રહ્યું છે.
પરંતુ આ વખતે શિયાળામાં મુંબઈમાં વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. આમ તો મુંબઈની પાસે દરિયાકિનારો હોવાને કારણે ફાયદો થતો હતો અને પ્રમાણમાં પ્રદૂષણ ઓછું થતું હતું, પરંતુ છેલ્લા ચાર દિવસથી તો પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે. રવિવારે તો પ્રદૂષણ વેરી પુઅર એટલે કે ખૂબ જ ખરાબ હોવાનું નોંધાયું છે. વાયુ પ્રદૂષણને કારણે મુંબઈગરાઓ શરદી, ઉધરસ, અસ્થમા, બ્રોન્કાઇટીસ જેવી બીમારીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે લોકો અસ્થમા અને બ્રોન્કાઇટીસ જેવી બીમારીઓના દર્દી છે તેમના પર આ વાયુ પ્રદૂષણ ખૂબ જ ખરાબ અસર કરી રહ્યું છે.
જો કે સરકાર કે સરકારી એજન્સીઓ આ અંગે સહેજ પણ ગંભીર હોય એવું લાગી નથી રહ્યું. મુંબઈમાં મેટ્રો રેલવેથી માંડીને અન્ય અનેક પબ્લિક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ બધા ખોદકામ અને બાંધકામમાંથી વાતાવરણમાં ફેલાતી ધૂળની રજકણો લોકોના શ્ર્વાસમાં જઈ રહી છે. શિયાળાને કારણે પવનની ગતિ ઓછી હોવાને કારણે આ પ્રદૂષણ જે સમુદ્ર ભણી જતું હોય છે એ મુંબઈની હવામાં જ ઘુમરાયા કરે છે. મુંબઈગરાઓના સ્વાસ્થ્યને અસર કરી રહેલી આ બાબત સંદર્ભે બધી જ સરકારી એજન્સીઓ ઉદાસીન જણાઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકા કે એમએમઆરડીએના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાંથી ઊડતી ધૂળની રજકણોનો નિકાલ કરવા અંગે કોઈ સરકારી સંસ્થા કશુંય નથી કરી રહી.
સામાન્ય લોકોને આ શિયાળાનું ધુમ્મસ લાગે છે પણ હકીકતમાં તો એ વાયુ પ્રદૂષણ છે જેને કારણે ધુમ્મસનો ભાસ થાય છે. મુંબઈની હવા હવે લગભગ દિલ્હી જેવી થઈ ગઈ છે, પરંતુ દિલ્હીમાં એ અંગે જાગરૂકતા છે અને આ વાયુ પ્રદૂષણને નાથવા માટે સરકાર પગલાં લઈ રહી છે. જ્યારે મુંબઈના સત્તાવાળાઓ તો આ સમસ્યાને હજુ ગણકારતા પણ નથી. ટ્રાફિક, મેટ્રો અને ફ્લાયઓવરના બાંધકામ આ વાયુ પ્રદૂષણમાં ઉમેરો કરી રહ્યા છે.
શહેરની દવાની દુકાનોના વેપારીઓ કહે છે કે આને કારણે મુંબઈમાં ડિસેમ્બર મહિનાથી ફેસ માસ્કના વેચાણમાં બહુ મોટો વધારો નોંધાયો છે. માસ્કના વેચાણમાં આ વધારો કંઈ કોરોનાની લહેરના ડરને લીધે નથી, પરંતુ વાયુ પ્રદૂષણને કારણે હવે લોકો તકેદારીરૂપે માસ્ક પહેરવાનું પસંદ કરી રહ્યા છે. કેમિસ્ટો કહે છે કે ફક્ત માસ્ક જ નહીં પણ બ્રોન્કાઇટીસ અને અસ્થમાને લગતી બીમારીઓ માટેની દવાના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ વાયુ પ્રદૂષણની લોકોના આરોગ્ય પર એટલી અસર પડી છે કે દર ત્રીજો કે ચોથો
મુંબઈગરો શરદી-ઉધરસથી પરેશાન જણાઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણની અસર લોકોના ફેફસાં પર પણ પડી રહી છે. ડૉક્ટરો એવી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે જો પૂરતી તકેદારી નહીં લેવામાં આવે તો લોકોમાં શ્ર્વાસોચ્છવાસની બીમારી વધશે જેમાં અસ્થમા, બ્રોન્કાઇટીસની સાથેસાથે ફેફસાંની ક્રોનિક બીમારીઓ વધવાનું જોખમ છે. ઉધરસની ફરિયાદ લઈને દર્દીઓ ડૉક્ટરો પાસે આવી રહ્યા છે.
નવી મુંબઈના ફેફસાંના નિષ્ણાત ડૉક્ટર રોહન ઔરંગાબાદવાલાની સલાહ અનુસાર જો વાયુ પ્રદૂષણને કારણે અસ્થમાની તકલીફમાં વધારો કે શ્ર્વાસોચ્છવાસની બીમારીઓથી બચવું હોય તો શક્ય હોય ત્યાં સુધી થોડી તકેદારી રાખવી જરૂરી છે. નિષ્ણાત ડૉક્ટરો કહે છે કે વાયુ પ્રદૂષણોની આડઅસરથી બચવા વહેલી સવારે કે મોડી સાંજે ચાલવા જવાનું ટાળવું જોઈએ. ઘરની બહાર નીકળો ત્યારે કોરોનાના ડરથી નહીં પણ વાયુ પ્રદૂષણના ભોગ ન બનવા માટે માસ્ક પહેરવા જરૂરી છે. અસ્થમાના પેશન્ટોએ ઇનહેલર્સ સતત પોતાની પાસે રાખવા જોઈએ જેથી તેમની બીમારીનાં લક્ષણો વધી જાય એ પહેલાં એને રોકી શકાય.
હવામાન ખાતાના નિષ્ણાતો મુજબ હજુ થોડા દિવસ સુધી મુંબઈમાંથી વાયુ પ્રદૂષણ હટવાનું નામ લેવાનું નથી. સરકાર કે સત્તાધીશો આ અંગે જરા પણ જાગરૂક નથી. શહેરમાં વિકાસના જે કામ ચાલી રહ્યા છે એમાંથી ઊડતી ધૂળની રજકણોનું મૅનેજમેન્ટ કરવા અંગે પણ સત્તાધીશો કે અધિકારીઓ સહેજ પણ ગંભીર નથી. આ પરિસ્થિતિમાં મુંબઈગરાઓએ પોતે જ તકેદારી લઈને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે એ અંગે બેમત નથી.