Homeપુરુષહારનો સ્વીકાર કરો, તણાવથી મુક્ત રહો

હારનો સ્વીકાર કરો, તણાવથી મુક્ત રહો

વિશેષ-નિધિ ભટ્ટ

જીવનમાં કોઇને હારવું ગમતું નથી, પરંતુ માણસે ક્યારેકને ક્યારેક તો હાર ખમવી પડતી હોય છે અને આ હારને કારણે તેણે માનસિક તાણનો ભોગ પણ બનવું પડતું હોય છે. ઘણા લોકો તેમને મળેલી હારથી એટલા નાસીપાસ થાય છે કે ભવિષ્ય માટે પણ હારને માની લે છે અને તાણ હેઠળ આવી જાય છે. તેની અસર તેમની ભવિષ્યની કામગીરી પર પણ પડે છે. આ જગ્યાએ જો હારને સ્વીકારી લેવાય તો જિંદગી થોડી સરળ બની જાય છે. તણાવ દૂર ભાગે છે.
હારી ગયા તો શું?
જ્યારે તમે હારનો સ્વીકાર કરી લો છો ત્યારે ખુદને કહો છો કે હારી ગયા તો શું? ફરીથી કામ કરીશું. મહેનત કરીશું અને જીતીશું. હારને સ્વીકારવી એ સકારત્મક ક્રિયા છે જે જીવનને સરળ બનાવે છે. ચિંતાઓ હટી જાય છે અને કશુંક બહેત્તર કરવાની તૈયારીઓ કરવા મંડો છો. એક વાર મન પરથી હારનો ભાર કાઢી નાખ્યો તો કામમાં મન લાગવા માંડે છે અને તે પણ કોઇ પરિણામની ચિંતા કર્યા વગર.
સાચું શું? ખોટું શું?
હારને હાર નહીં પણ સાચા કે ખોટા નિર્ણય તરીકે જુઓ. તમે ખોટો નિર્ણય કર્યો હતો ને તમે હારી ગયા. એક વાર ખોટું શું છે એ ખબર પડે પછી તમે સાચે રસ્તે જ આગળ વધશો. બસ તો હારને નિરાશામાં પલટવા કરતા તેનો સ્વીકાર કરો. તેની સમીક્ષા કરો.
હાર તમને દઢ નિર્ણય માટે તૈયાર કરે છે
અગાઉ હારી ગયા હોવ તો જરૂર કોઇ ઉણપ રહી ગઇ હશે. પરંતુ હવે એ ઉણપ નહીં રહે. તમે જીતશો. હારને આ રીતે જોવાથી તમે જીતવા માટે દઢ નિશ્ર્ચયી બની જશો. તમને મનમાં થશે કે હવે અગાઉ કરતા વધુ મહેનત કરવી પડશે. હારને માની લેશો તો અટકી પડશો. પચાવી જશો તો આગળ વધશો.
લાગણીઓને ઓળખો
હારને હાર ન માનવી હોય તો સૌ પ્રથમ ખુદની ભાવનાઓને સમજો. મતલબ અગર ગુસ્સો આવે છે તો કેમ આવે છે? રડવું આવે છે તો કેમ આવે છે? જો કોઇ કારણ વગર આવી લાગણી થતી હોય તો તમે જ તેને દૂર કરી શકશો. જેમ કે, તમને ગુસ્સો ખુદથી વધુ અપેક્ષા રાખવાથી આવતો હતો તો હવે તમે અપેક્ષા પૂર્ણ કરવા વધુ મહેનત કરશો અથવા તમારી ક્ષમતા અનુસાર અપેક્ષા રાખતા થઇ જશો.
અગાઉની સફળતા જુઓ
જ્યારે તમે હારી જાવ છો તો ઘણી વાર મનમાં એવી લાગણી આવે છે કે તમે હવે જીતી નહીં શકો, પરંતુ તમને અગાઉ સફળતા મળી હોય એ ધ્યાનમાં લેવાની છે. તમે ક્યારેક બેસ્ટ સ્ટુડન્ટ બન્યા હોવ કે કેમ્પસ સિલેક્શનમાં સૌપ્રથમ નોકરી મળી હોય કે અન્ય કોઇ સફળતા મળી હોય તે યાદ કરવાથી તમારો કામ કરવાનો જુસ્સો વધશે.
જવાબદારીઓ નિભાવો
હાર કોઇને કોઇ ભૂલથી જ થતી હોય છે. જો હાર માટે તમે ખુદને જવાબદાર માની લો તો પછી દિલ હલકું થઇ જાય છે. જવાબદારી સ્વીકારી લીધા પછી આગળ શું કરવું એ સારી રીતે વિચારી શકશો.
દા.ત. તમારી પાસે કોઇ ટેસ્ટ આપવા માટે ઓનલાઇન શીખવું કે કોઇ નિષ્ણાત પાસે શીખવું તેવા બે વિકલ્પ હોય. તમે પહેલો વિકલ્પ અપનાવી નિષ્ફળ થયા તો જવાબદારી સ્વીકારો. બીજી વાર બીજો વિક્લ્પ અપનાવવાની તૈયારી કરો.
તમે એકલા નથી
એવા ઘણા મહાનુભાવો છે જેમને ઘણી વાર જીવનમાં હાર મળી હોય છે છતાંય તેમણે નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખીને અંતે જીત મેળવી હોય. આવા લોકો પાસેથી તમારે પ્રેરણા લેવી જોઇએ. તમે એકલા નથી. ઘણા લોકોએ અનેક વાર હારીને પછી જીતનો માર્ગ શીખ્યો અને
સમજ્યો છે.

RELATED ARTICLES

Most Popular