વિશેષ – સોનલ કારિયા
તાવ, શરદી-ઉધરસમાં જેને આપણે આડઅસર વિનાની દવા માની બાળકોને પીવડાવતા હોઈએ છીએ એ પેરાસિટામોલનો આડેધડ ઉપયોગ બાળક માટે વિષ સમાન પુરવાર થઈ શકે છે
—-
બાળકને તાવ આવે તો સામાન્ય રીતે માતા-પિતા કે ઘરના વડીલ તેમને પેરાસિટામોલ સિરપ પીવડાવી દેતા હોય છે. બાળક તાવમાં હોય કે પીડાથી રડતું-કણસતું હોય તો તેને તરત મીઠો સ્વાદ ધરાવતું આ સિરપ પીવડાવાથી રાહત થાય છે એવી માન્યતા શિક્ષિત, અશિક્ષિત કે અર્ધશિક્ષિત વાલીઓમાં પણ છે. આ પેરાસિટામોલ જુદા-જુદા બ્રાન્ડ હેઠળ દવાની દુકાનોમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય છે અને આપણી સામાન્ય સમજણ એવી છે કે એનાથી બાળકને કોઈ નુકસાન થતું નથી. આ પેરાસિટામોલ તાવ ઉતારવા માટે મદદરૂપ થાય છે, એનાથી બાળકને સારી ઊંઘ પણ આવી જતી હોય છે તેમ જ આ દવા નિર્દોષ છે એવું માનીને જો બાળકને આડેધડ આ દવા પીવડાવતા હો તો થોભી જજો, કારણ કે હવે ડૉક્ટરો એવા તારણ પર પહોંચ્યા છે કે તાવમાં પીવડાવવામાં આવતા પેરાસિટામોલ દવાના ડોઝનું પ્રમાણ વધી જાય તો બાળક માટે એ પોઇઝન બની શકે છે.
તાજેતરમાં ચેન્નાઈની એક હોસ્પિટલમાં ત્રણ વર્ષના એક છોકરાને દાખલ કરવામાં આવ્યો. આ શિશુને ત્રણેક દિવસથી કફ અને તાવ હતો. પિડીઆટ્રીશિયન એટલે કે બાળરોગ નિષ્ણાતે તેના તાવને કાબૂમાં રાખવા જરૂર પડે એ પ્રમાણે આઠ કલાકના અંતરે એક એમ.એલ ટીપાં આપવાની સલાહ આપી હતી. જો કે તેનો તાવ ઊતર્યો નહીં એટલે બાળકની મમ્મીએ દવાનો ડોઝ વધારીને ૨.૫ એમ.એલ. કરી નાખ્યો કારણ કે તેને યાદ આવ્યું કે તેના મોટા દીકરાને તાવ આવ્યો હતો ત્યારે ડૉક્ટરે તેને અઢી એમ.એલ.નો ડોઝ આપ્યો હતો. જો કે તે માતા જાણતી નહોતી કે ટીપાં અને સિરપમાં ભેદ હોય છે. જે દવા ટીપાંના રૂપમાં અપાય છે એમાં દવાની માત્રા વધુ હોય છે. તેણે પોતાના બાળકને આવા અઢી એમ.એલ.ના આઠ કલાકના અંતરે બે ડોઝ આપ્યા બાદ બાળક ગુમસુમ થઈ ગયું અને તેને લોહીની ઊલ્ટી થઈ. તેને તરત હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે પેરાસિટામોલના ઓવરડોઝને લીધે બાળકનું લિવર ફેઇલ થઈ ગયું હતું!
જેને આપણે આડઅસર વિનાની દવા માનીએ છીએ એ પેરાસિટામોલ બાળકો માટે આટલી હાનિકારક સાબિત થઈ શકે એનો મોટા ભાગના લોકોને અંદાજ જ નથી, પરંતુ ફક્ત ચેન્નાઈની જ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં પેરાસિટામોલને કારણે લિવર ફેઇલ થયા હોય એવા ૪૫ બાળકોના કેસ આવ્યા છે. જેમાંનું સૌથી નાનું બાળક ચાર મહિનાનું અને સૌથી મોટું ૧૭ વર્ષનું હતું. આંકડાંઓ કહે છે કે દર વર્ષે ઓછામાં ઓછું એક બાળક પેરાસિટામોલના ઓવરડોઝને કારણે મૃત્યુ પામે છે અને અનેક બાળકોના લિવરને નુકસાન પહોંચે છે. સૌથી મોટી કરુણતા એ છે કે બાળકને પેરાસિટામોલનો ઓવરડોઝ અપાઈ ગયો હોય તો તરત કોઈ લક્ષણો દેખાતા નથી. તાવ ઊતરી જાય છે એટલે તેની સારસંભાળ લેનારા વાલીઓ હાશકારો અનુભવે છે, પરંતુ પેરાસિટામોલના ઓવરડોઝથી થયેલા નુકસાનનાં લક્ષણો દેખાતા થોડો સમય લાગે છે અને ત્યાં સુધીમાં બાળકના લિવરને ઘણું નુકસાન પહોંચી ચૂક્યું હોય છે.
ડૉક્ટરો કહે છે કે પેરાસિટામોલ જે હકીકતમાં બાળકને રાહત આપવા માટેની દવા છે એ પોઇઝન એટલે કે ઝેર ત્યારે બને છે જ્યારે માતા-પિતા કે વાલીઓ કાં તો જાતે જ બજારમાંથી ગમે તે બ્રાન્ડ કે પછી એ દવામાં કયાં રસાયણો કેટલી માત્રામાં છે એની સમજણ વિના બાળકને એ પીવડાવી દેતા હોય છે. બીજું એક કારણ એ પણ છે કે સામાન્ય રીતે બાળક બીમાર પડે તો મા-બાપ વધુ પડતા ચિંતાગ્રસ્ત થઈ જાય છે અથવા ઘણી વાર બીમાર બાળકને સાચવવાનો તેમની પાસે સમય હોતો નથી એટલે તેમને જલદી સાજા કરવા માટે વધુ માત્રામાં પેરાસિટામોલનો ડોઝ પીવડાવી દેતા હોય છે. આની પાછળ એવી સર્વ સામાન્ય માન્યતા છે કે પેરાસિટામોલ તો નિર્દોષ દવા છે. એ પીવડાવવાથી કોઈ નુકસાન થતું નથી. આ માન્યતા સદંતર ભ્રામક છે. પેરાસિટામોલ અસરકારક અને સલામત ત્યારે જ ગણાય છે જ્યારે એને નિષ્ણાત ડૉક્ટર દ્વારા બાળકનું વજન, તેની તંદુરસ્તી તેમ જ અન્ય બાબતોને લક્ષ્યમાં લઈને એનો યોગ્ય માત્રામાં ડોઝ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. એક ડોઝ અને બીજા ડોઝ વખતે દવાની માત્રા અને સમયનું અંતર કેટલું રાખવું એ પણ મહત્ત્વનું હોય છે, પરંતુ મા-બાપને મોટા ભાગે આ બધી જાણકારી હોતી
નથી. તેમને તો લાગે છે કે આ દવાનો મોટો ડોઝ કે વારંવાર દવા પીવડાવવાથી તાવ જલદી ઊતરી જાય છે એટલે તેઓ આ દવા આડેધડ પીવડાવી દેતા હોય છે. ઉપરાંત બાળકો માટેની આ દવા મીઠી અને બાળકોને ભાવે એવી હોય છે એટલે તેઓ પણ આ સહેલાઈથી પી લેતા હોય છે.
પેરાસિટામોલ બજારમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના પણ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જતી હોવાથી ઘણા મા-બાપ પોતાના બાળકને આ દવા પીવડાવતા પહેલાં ડૉક્ટરની સલાહ કે માર્ગદર્શન મેળવવાનું જરૂરી સમજતા નથી. ડૉક્ટર પાસે જઈને ફી ચૂકવવા ઉપરાંત એટલો સમય આપવાના કંટાળાને લીધે કે પછી સમયના અભાવને લીધે વાલીઓ બાળકોને પેરાસિટામોલ પીવડાવી દેવાનો સગવડિયો રસ્તો અપનાવે છે. તેઓ જાણતા નથી કે બજારમાં ઉપલબ્ધ દરેક બ્રાન્ડમાં દવાની માત્રાનું પ્રમાણ અલગ-અલગ હોય છે. બાળકની ઉંમર, વજન, સ્વાસ્થ્ય જેવી બાબતોને લક્ષ્યમાં લઈને જે તેને કેટલી માત્રામાં તેમ જ કેટલા દિવસ સુધી દવા આપવી એ નિષ્ણાત ડૉક્ટર જ નક્કી કરી શકે છે.
આજના જમાનામાં વિભક્ત કુટુંબમાં રહેતા મા-પિતા પોતાનું બાળક સહેજ બીમાર પડે તો રઘવાટમાં પણ પેરાસિટામોલ જેવી દવાઓ ગટગટાવા માટે બાળકને ફરજ પાડતા હોય છે. અગાઉના જમાનામાં સામાન્ય તાવમાં ઘરગથ્થુ ઉપચારોને પ્રાથમિકતા આપતા. જેને આપણે ડોસીમાનું વૈદું કહીએ છીએ એવી દવાથી રાહત ન થાય તો જ ડૉક્ટર પાસે લઈ જતા હોય છે, પરંતુ મોટા ભાગના આધુનિક માતા-પિતાને આયુર્વેદ કે આવા દેશી શાસ્ત્રની જાણકારી હોતી નથી. આ કહેવાતા ભણેલાગણેલાં મા-બાપ બાળકને તાવ આવે તો પેરાસિટામોલના શરણે જતા હોય છે. ઘણી વાર તેઓ માની લે છે કે પેરાસિટામોલનો વધુ ડોઝ આપવાથી બાળક જલદી સાજું થઈ જશે, પરંતુ બાળક પ્રત્યેના આવા પ્રેમમાં મા-બાપ પેરાસિટામોલના ઓવરડોઝના રૂપમાં પોતાના વહાલસોયાઓને પોઈઝન પીવડાવી રહ્યા છે એનો તેમને ખ્યાલ જ નથી હોતો. ડૉક્ટરો વારંવાર એક જ વાત કહે છે કે તમારાં બાળકો હોય, તમે પોતે હો કે પછી તમારું કોઈ અન્ય સ્વજન બજારમાંથી સ્વયં જ દવા લાવીને ખાવા-ખવડાવવાનું ટાળવું જોઈએ. ડૉક્ટરે દવા લખી આપી હોય તો એ જ દવા અને એટલી જ માત્રામાં લેવી જોઈએ, કારણ કે ઓવરડોઝ જોખમી પુરવાર થઈ શકે છે.
ખાસ કરીને બાળકોની બાબતમાં તો આવા જોખમ લેવાનું બિલકુલ ટાળવું જોઈએ અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ જ દવા આપવી જોઈએ. ઉ