વિશેષ -કે. પી. સિંહ
કર્ણાટકની ચૂંટણી વખતે ભારતમાં બજરંગબલી ચર્ચાનું કેન્દ્ર બની ગયા પણ સંકટમોચનના શ્રીલંકાસ્થિત વંશજો ઉપર ઘેરાતા સંકટ વિશે એટલી ચર્ચા નથી થઇ રહી. વાત એમ છે કે, ચીને શ્રીલંકા પાસે ટોકે મકાક જાતિના એક લાખ વાનરોની માગણી કરી છે, જેથી તે પોતાના ૧૦૦૦ પ્રાણીબાગોમાં તેમને પ્રદર્શિત કરી શકે. પરંતુ ચાલબાજ ચીનની દરેક હરકતોની જેમ આ માગણી માટે પણ નિષ્ણાતો તેનો ભરોસો નથી કરી રહ્યા અને તેમને શંકા છે કે ચીન આ વાનરોને પ્રાણીબાગમાં પ્રદર્શિત કરવા નહીં, પણ તેમના વિશિષ્ટ માંસને આરોગવા માટે ઉપયોગ કરવા માગે છે. જોકે સોદાની કિંમત જોઈને એવું લાગતું નથી. કેમકે દરેક વાનરને પકડીને, તેમને કેદ કરીને જહાજ દ્વારા ચીન સુધી પહોંચાડવા, ચીન પ્રત્યેક વાનર દીઠ ૪૫ થી ૫૦ હજાર શ્રીલંકન રૂપિયા ચૂકવવાનું છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે જો ચીન વાનરોના માંસનો ઉપયોગ કરવા માગતું હોય તો તેને દરેક વાનર એક લાખ શ્રીલંકન રૂપિયામાં પડે.
પણ માત્ર કિંમતને આધારે એ નક્કી ન કરી શકાય કે ચીન વાનરોનો માંસના રૂપમાં ઉપયોગ નહીં કરે. આમ પણ તે આ એક લાખ વાનરોનો સીધો માંસના રૂપે ઉપયોગ કરવા નહિ માગે, પણ આ વાનરોથી પેદા થનાર વાનરોનો ઉપયોગ કરશે. આમ પણ જો તમને કોઈ પ્રાણીની વિશિષ્ટ ખાસિયત પસંદ આવી ગઈ હોય તો થોડા હજાર રૂપિયાની શું વિસાત?! ચીનમાં તો ચિત્તાના ંહાડકાં માટે લાખો રૂપિયા ફેંકનારા પડ્યા છે, કેમકે ચીનાઓ માને છે કે ચિત્તાનાં હાડકાં ખાવાથી એમની યૌન શક્તિ પણ ચિત્તા જેવી થઇ જશે.
જોકે શ્રીલંકાએ ચીનને વાનરો આપવા હા નથી પાડી, પરંતુ ના પણ નથી પાડી. શ્રીલંકાના કૃષિ મંત્રી મહિંદા અમરવીરાએ પોતાના અધિકારીઓને ચીનની વિનંતી ઉપર વિચાર કરવા જણાવ્યું છે. પરંતુ જો શ્રીલંકા માટે ચીનને વાનરો આપવા એ કાયદાકીય સમસ્યા ન બને તો પણ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની બદનામી થઇ શકે છે; કેમકે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચરની લાલ સૂચિમાં શ્રીલંકાના ટોકે મકાક વાનરોનો પણ સમાવેશ થાય છે. તેનો મતલબ એ છે કે તેમનો સમાવેશ વિલુપ્ત થઇ રહેલી જાતિમાં કરવામાં આવ્યો છે. એટલે જો શ્રીલંકા ચીનને એક લાખ વાનરો આપે તો દુનિયા એમ કહેશે કે પોતાની ગરીબીમાંથી બહાર આવવા શ્રીલંકાએ મૂક પ્રાણી વાનરોનો સોદો કરી નાખ્યો.
તેની સામે, બીજી હકીકત એ પણ છે કે શ્રીલંકામાં અત્યારે વાનરોની વસ્તી ૩૦ લાખની આસપાસ છે, જે તેમના કૃષિ અને ફળોની ખેતી માટે માથાનો દુખાવો સાબિત થાય છે. શ્રીલંકામાં વાનરોની વધતી વસ્તીને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, જેમકે તેમની નસબંધી કરવામાં આવે છે. પરંતુ શ્રીલંકામાં કાયદાકીય રીતે કોઈ પણ જીવિત પ્રાણીની નિકાસ કરવી પ્રતિબંધિત છે. તેથી ચીનને એક લાખ વાનરો આપવા સ્થાનિક રાજકારણમાં પણ ભૂકંપ લાવી શકે છે. શ્રીલંકામાં સરકાર ચીનને એક લાખ વાનરો વેચવા માગે છે, એ ખબર ફેલાતા અનેક સંગઠનો સાંસ્કૃતિક રીતે વિરોધ કરી રહ્યાં છે. આમ તો, શ્રીલંકામાં હિન્દુ ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા ૧૦ ટકાથી વધુ નથી, પરંતુ હિન્દુ સંગઠનો મોટા પાયે સરકારના પગલાંનો વિરોધ કરી શકે છે, કેમકે હિંદુઓ માટે હનુમાનજીને કારણે વાનરો સાથે ભાવનાત્મક જોડાણ છે.
બીજો પણ એક તર્ક છે, શ્રીલંકામાં જેટલા પર્યટકો આવે છે, તેમાં સૌથી વધુ સંખ્યા ભારતીય પ્રવાસીઓની છે. ભલે આધુનિક ભૂગોળ અને ઇતિહાસ એ વાતની પુષ્ટિ ન કરતા હોય કે હિંદુઓ જે રામકથાના કારણે રાવણને શ્રીલંકાવાસી માને છે, તેનો એની સાથે કોઈ સંબંધ નથી, તો પણ, શ્રીલંકાના પર્યટન ઉદ્યોગની કમાણીમાં નોંધપાત્ર પ્રદાન આ કથાનું જ છે. કેમકે ભગવાન શ્રીરામે અહીં જ રાવણનો વધ કરેલો તે શ્રદ્ધા સાથે અસંખ્ય હિંદુઓ આ ટાપુ દેશની મુલાકાતે આવે છે. અહીંના સ્થાનિક વાનરોને શ્રદ્ધાળુઓ હનુમાનજીના વંશજ માને છે. તેથી જો ચીન સાથે શ્રીલંકાએ લાખો વાનરોનો સોદો કર્યાની ખબર ફેલાઈ જાય તો આ લોકોને નહીં ગમે. તેની અસર આવનારા પ્રવાસીઓની સંખ્યા ઉપર પડી શકે છે. શ્રીલંકાને આ સમજાઈ રહ્યું છે. તેથી જ, ૧૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ શ્રીલંકન કૃષિ મંત્રાલય દ્વારા ચીનને વાનરો આપવાનો જે નિર્ણય લેવાનો હતો, તે ન લઇ શકાયો. હવે આ નિર્ણયને ભવિષ્યની મીટિંગ ઉપર ઠેલી દેવાયો છે.
શ્રીલંકા સરકારે હવે આ મામલે એક વિશેષ કમિટી બનાવી છે, જે આ સોદાના ન માત્ર કાયદાકીય , પરંતુ સાંસ્કૃતિક પાસાને પણ સમજવા કોશિશ કરશે. આમ તો, શ્રીલંકામાં એક એવો પણ મત પ્રવર્તે છે કે વાનરોની ગીચ વસ્તીને કારણે પણ શ્રીલંકાની આર્થિક સ્થિતિ બગડી છે. કેમકે કૃષિ મંત્રી મહિંદા અમરવીરાએ રજૂ કરેલા આંકડા મુજબ ગયા વર્ષે વાનરોએ બે કરોડ નાળિયેર બરબાદ કરી નાખ્યાં હતાં. અત્યારે શ્રીલંકામાં વાનરો વેચવા કે ન વેચવા તેનો ભારે ઊહાપોહ છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે દેશની સાંસ્કૃતિક શ્રદ્ધા જીતે છે કે આર્થિક કમાણીનું ગણિત.