Homeઉત્સવકાબુલનો સુલતાન તો નલવા પર તૂટી પડવાને બદલે ભાગી છૂટયો

કાબુલનો સુલતાન તો નલવા પર તૂટી પડવાને બદલે ભાગી છૂટયો

વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ

(૩૨)
એક-એક દિવસ, એક-એક પગલું અને દરેક યુદ્ધમાં સરદાર હરિસિંહ નલવાના વ્યક્તિત્વના નવાં-નવાં પાસાં સામે આવે છે. કોઇ માણસની અંદર અંદર કેટકેટલી આવડત, કસબ, કૌશલ, વફાદારી, માનવતા અને મૂડી ઊંચેરાપણું હોય છે એ સમજવા માટે કે અભ્યાસ કરવા માટે આ મહામાનવનું જીવન-કવન આદર્શ તક છે.
કાબુલના સુલતાન મોહમ્મદ અઝીમખાન બારકજાઇએ શીખ સેના ખદેડીને પ્રાંત પર કબજો જમાવવાની મુરાદ સાથે બે ભત્રીજાને અટક સુધી દોડાવ્યા હતા એ પણ ધર્મઝનૂનીઓના ધાડેધાડા સાથે. અટક પાસેથી ગાઝીઓને હટાવવા માટે હરિસિંહની સેના મોહમ્મદ જમાનખાન અને ખબાસખાન સામે મેદાને ઉતરી, ત્યારે શત્રુઓએ નવો પેંતરો કર્યો. તેમણે અટક નદી પરના પુલના દોરડાં કાપી નાખ્યાં. આને લીધે હવે તેમને જમીનને રસ્તે વધારાની મદદ કે પુરવઠો મળી ન શકે. યોગાનુયોગ એ જ દિવસે અગાઉની વ્યવસ્થા મુજબ શૂરવીર સેનાપતિ ફૂલાસિંહ અકાલી લશ્કરી ટુકડી સાથે અટક નદીને કિનારે હાજર થઇ ચૂકયા હતા. એમની સાથે પણ મહારાજા રણજિત સિંહ પણ પધાર્યા હતા.
નદી પરનો પુલ કપાઇ ચૂક્યો હતો એટલે મહારાજા રણજિત સિંહ, ફુલાસિંહ અને સેનાની આગેકૂચ અટકી ગઇ. અહીંથી મદદ ન પહોંચવાથી કયાંક અટક પાર શીખ સેનામાં ગભરાટ ન ફેલાઇ જાય એની ચિંતા વચ્ચે વાવડ આવ્યા કે હરિસિંહ નલવા અને રાજકુમાર શેરસિંહ શત્રુ સેનાને ઊભા મોલની જેમ વાઢી રહ્યાં છે.
આ સાંભળીને બીજો કોઇ મહારાજા શાંતિથી બેસીને આરામ કરે, વધુ સમાચારની રાહ જુએ, પરંતુ રણજિત સિંહ તો અલગ જ માટીના ઘડાયા હતા. તેઓ બોસ નહોતા, ખરા અર્થમાં લીડર હતા. ત્યારે જ નલવા જેવા કોહિનૂર મેળવી શકે ને? મહારાજાએ જીવની પરવા કર્યા વિના પોતાનો અશ્ર્વ નદીમાં ઉતાર્યો, એમનું અનુકરણ ફુલાસિંહ અકાલીએ કર્યું. પોતાના માલિકની હિંમત જોઇને સૈનિકો પણ પોરસાયા. એક-એક જવાન નદીમાં ઉતરી ગયા. ખાલસા સેના નદીમાં આગેકૂચ કરવા માંડી. કેવું ભવ્ય દૃશ્ય હશે એ?
વધુ કુમક, મદદ કે પુરવઠો ન મળે એ માટે પુલનાં દોરડાં કાપી નાખવાં પાછળનો ઇરાદો બર ન આવ્યો. નદીના પાણીમાં સેનાને ધસી આવતા જોઇને ગાઝીઓના હાંજા ગગડી ગયાં. જોશનું બાષ્પીભવન થવા માંડ્યું. એકાએક બધા એ જે દિશા સુઝી ત્યાં જીવ બચાવા ભાગદોડ મચાવી દીધી. એક-એક ગાઝી એટલો ગભરાયેલો ડરેલો હતો કે પોતાના મૃતક સાથીને જવા દો પણ ઘાયલોને ય સાથે લેવાનો વિચાર કર્યા વગર ઊભી પૂંછડીએ નાઠા.
આવા સંજોગો હોય પછી તો પૂછવું જ શું? ખાલસા સેનાને રહીસહી કામગીરી પૂરી કરવામાં ઝાઝો સમય ન લાગ્યો. જોતજોતામાં હરિસિંહ નલવાએ જહાંગીરા કિલ્લા કબજે કરી લીધો. એની ઉપર મહારાજા રણજિતસિંહની આણ સમી ખાલસા ધજા ફરકાવીને જ એમણે નિરાંતના શ્ર્વાસ લીધા.
જોકે શત્રુઓ ભાગી છૂટવા છતાં હજી હાર સ્વીકારી નહોતી. હવે બધા ભાગેડુ ભેગા થતા નૌશેહરા શહેરમાં આ વખતે મોહમ્મદ આઝીમખાન બારકજાઇએ ભાઇને મદદરૂપ થવા માટે વિશાળ સેના અને શસ્ત્ર-સંરજામ મોકલી દીધાં. સ્પષ્ટ થઇ ગયું કે હવે નૌશહેરા સમારાંગણ બનશે. આ નૌશહરા અને હરિયાણાના નૌશેરા બન્ને અલગ-અલગ સ્થળ છે એ જાણ ભેળસેળ ટાળવા પૂરતી. બ્રિગેડિયેર મોહમ્મદ ઉસ્માન (મહાવીર ચક્ર વિજેતા) ૧૯૪૭માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયા હતા. પણ એટલા બહાદુરીથી લડયા કે ‘નૌશેરા કા શેર’નું બિરૂદ મેળવ્યું હતું.
અને ઇ. સ. ૧૮૨૩ની ૧૪મી માર્ચે મહારાજા રણજિતસિંહની સેનાએ નૌશહરામાં શત્રુ સેના પર આક્રમણ કરી દીધું. ધમસાણ લડાઇ શરૂ થઇ. શરૂઆતમાં એક બીજાને મચક ન આપે. લોહીના રેલા, મોતની ચીસ અને દર્દનાક ચિક્કાર વચ્ચે બન્ને અડીખમ રહ્યાં, પરંતુ અફઘાનોની શૂરવીરતા નલવાની તાકાત-કૌશલ-હિંમત સામે ઊણી સાબિત થઇ. પઠાણો લડતા રહ્યાં, પણ હાર સામે દેખાતી હતી. એટલે હદ સુધી કે નલવા સેના દુશ્મનોની તોપો પર કબજો જમાવવા માંડયા. આ આગમનો સ્પષ્ટ અણસાર હતો.
સરદાર હરિસિંહ તો હોડીઓ-નૌકાની ય વ્યવસ્થા કરી રાખી હતી કે કદાચ જળ-યુદ્ધ થાય તો વાંધો ન આવે, પરંતુ શત્રુઓ એટલા ‘શૂરવીર’ કે પાણીમાં ઉતર્યાં વગર જ પાણીમાં બેસી ગયા. આવા માહોલમાં ખુદ ગબ્બર યાની મોહમ્મદ અઝિમખાન બારકજાઇ ઓચિંતા હરિસિંહની સામે આવી ગયો. કાબુલના સુલતાનના ગાત્ર થીજી ગયા, પગ પાણી-પાણી થઇ ગયા. સરહદ હરિસિંહનું વ્યક્તિત્વ અને ઇમેજ એટલા જોરદાર બારકજાઇ એમના પર હુમલો જ ન કરી શકયો. એને બદલે જીવ બચાવીને નાસવા માંડયો. નલવાએ એને લડવા માટે લલકાર્યો. પાછું વળીને જોવાને બદલે ભાગતો જ રહ્યો. છેક ખૈબરઘાટમાં આવેલા મિચની પહોંચીને એનો શ્ર્વાસ હેઠા બેઠો. કયાં શીખોને તગેડીને બધુ કબજે કરવાની ભ્રામક મહત્ત્વાકાંક્ષા અને કયાં શરમજનક ભાગેડુ લાચારી. સરદાર હરિસિંહ નલવા સામે લડવાનુ દુ:સાહસ કરવાનું બીજું થાય
પણ શુંં? (ક્રમશ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -