નવી દિલ્હી/મુંબઈ/કોલકાતા/ગાંધીનગરઃ દેશભરમાં ગુરુવારે રામ નવમીના મહાપર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ અનેક મહાનગરોમાંથી હિંસા, આગજની અને રમખાણના અહેવાલ મળ્યા હતા. આગજની અને હિંસાના બનાવને લઈને આ પર્વની ઉજવણીમાં તંગ માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતના વડોદરામાં શોભાયાત્રા વખતે ફતેહપુરા વિસ્તારમાં બે વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વડોદરાના પથ્થરામારાના બનાવમાં દસ જણની અટક કરવામાં આવી હતી, ત્યારબાદ પરિસ્થિતિ અંકુશમાં રહી હતી.
દરિમયાન મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગરમાં બુધવારે રાતના બે જૂથ વચ્ચે હિંસાના બનાવ વચ્ચે વાહનોને આગ ચાંપવામાં આવી હતી, તેથી પરિસ્થિતિ દિવસભર તંગ રહી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ના કિરાડપુરા વિસ્તારમાં પણ બે જૂથની વચ્ચે મારામારી થઈ હતી, ત્યારબાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચેની મારપીટ વધુ હિંસક બન્યા પછી પોલીસના વાહનોની સાથે અમુક ખાનગી વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે લોકોને શાંતિ રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. જેમ દરેક તહેવારની ઉજવણી સાથે કરીએ છીએ તેમ દરેક તહેવાર સાથે મનાવવા જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ નહીં કરવાની અપીલ કરવામાં આવે છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આપેલી ચેતવણી પછી મામલો સાંજના બીચક્યો હતો.હાવડામાં પણ રામ નવમીની શોભાયાત્રા વખતે પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ બનાવ મુદ્દે મમતા બેનરજીએ કહ્યું હતું કે શોભાયાત્રાની મનાઈ નથી, પરંતુ તલવાર અને બુલડોજર લઈને માર્ચ કરવાનો કોઈને અધિકાર નથી. મમતા બેનરજીએ કહ્યું હતું જો રામનવમીની રેલી કરશો તો હિંસા થઈ શકે છે. હાવડામાં પણ રુટ બદલવામાં આવ્યો હતો તો કોને પૂછ્યું હતું? તેમણે આગળ કહ્યું હતું કે જો તમે એમ માનતા હો તો કે બીજા પર હુમલા કરશો અને કાયદાકીય પ્રક્રિયામાં દખલગીરીથી રાહત કરતા રહેશો તો તમને જણાવવાનું કે જનતા એક દિવસ તમને પણ અસ્વીકાર કરશે. જેમણે ખોટું કર્યું નથી તેમની ધરપકડ થશે નહીં, એવું મમતા બેનરજીએ જણાવ્યું હતું. આ મુદ્દે ભાજપના નેતાએ કહ્યું હતું કે હાવડામાં હિંસા માટે મમતા બેનરજી દોષી છે. મમતાએ હિંદુઓને ધમકાવ્યા હતા.
લખનઊ અને દિલ્હીમાં પણ ક્યાંક અણબનાવ બન્યા હતા. લખનઊ પોલીસે કહ્યું હતું કે અહીંના એક વિસ્તારમાં એક વ્યક્તિ પર દસ-પંદર લોકોએ મ્યુઝિક વગાડવા સંબંધમાં ધમાલ થઈ હતી, ત્યારબાદ બે જૂથની વચ્ચે હિંસાનો બનાવ બન્યો હતો, પરંતુ પોલીસ પ્રશાસન પહોંચ્યા પછી પરિસ્થિતિને અંકુશમાં લાવ્યા હતા. દિલ્હીમાં પણ જહાંગીરપુરી વિસ્તારમાં અગાઉથી રામ ભગવાનની યાત્રા કાઢવા અંગે પોલીસે ઈનકાર કર્યો હતો.