દરેક દેખાતા ચહેરાની પાછળ બીજો એક ચહેરો છુપાયેલો હોય છે એવું કહેવાય છે. મચ્છર છે તો નાનો અમથો જીવ પણ કેવો કાળો કેર વર્તાવવાની ક્ષમતા ધરાવે છે એ વાતથી આપણે બધા સુપેરે પરિચય છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ લોહી પીવાનું કામ માત્ર માદા જ કરે છે, નર તો ફૂલ અને છોડમાંથી રસપાન કરીને ગુજરાન ચલાવી લે છે. હવે તમે જો આને મનુષ્ય જીવનની ફિલસૂફી સાથે જોડવાનો પ્રયત્ન કરતા હો તો તમે તમારું જાણો. વિજ્ઞાન એમ કહે છે કે માદાને તેના બચ્ચાના વિકાસ માટે મનુષ્યના લોહીની જરૂર પડે છે. બીમારી ફેલાવતા મચ્છરને પૃથ્વી પરથી નામશેષ કરવા અબજો રૂપિયા ખર્ચાયા છે, પણ સફળતા હાથ નથી લાગી. આપણે આજે વિલન તરીકે ઓળખ મેળવનાર મચ્છરના સારા કામની વાત કરવી છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર કાતિલ માદા મચ્છર દુનિયાભરમાં જોવા મળતા વર્ષાવનની (રેઇન ફોરેસ્ટની) રક્ષાની અને એની સારસંભાળની જવાબદારી પાર પાડે છે.
એમેઝોન અને દક્ષિણપૂર્વ એશિયાનાં જંગલો આ મચ્છરના ઉપદ્રવને કારણે જ ટકી રહ્યા છે. અલબત્ત મચ્છર બહુ બદનામ જંતુ છે. હકીકત એ છે કે એની ત્રણેક હજાર જાતમાંથી ગણીને ત્રણ જાત જ રોગચાળો ફેલાવવા માટે જાણીતી છે. ચોંકી ગયા ને?