મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલા તાલુકાના એક ગામનું વેચાણ થવા જઈ રહ્યું છે. ગ્રામજનોએ જાતે જ તેમનું ગામ વેચવા માટે મૂક્યું છે. દેવલા તહસીલના ફુલેમાલવાડી ગામમાં સૌએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. ગ્રામજનો તેમના ગામને વેચવા માટે આ પ્રસ્તાવ પ્રશાસનને મોકલવાના છે. આ ગામની ચર્ચા આખા નાસિક જિલ્લામાં થઇ રહી છે. ગ્રામજનોના આ નિર્ણયથી રાજ્યના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ આશ્ચર્યચકિત છે. આખરે ગ્રામજનોએ પોતાનું ગામ કેમ વેચવા મૂક્વું પડ્યું? આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પોતાની ખેત પેદાશનો યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ પોતાનું ગામ જ વેચવાનું નક્કી કર્યું છે. થોડા દિવસો પહેલા કોઈ સુવિધાના અભાવે કેટલાક ગામના લોકોએ કર્ણાટક અને ગુજરાતમાં જોડાઇ જવાનું નક્કી કર્યું હતું. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ સમગ્ર રાજ્યમાં આ બાબતની ચર્ચા થઈ હતી. હવે ફરી એકવાર આવો જ નિર્ણય લઈને નાશિક જિલ્લાના દેવલા તહસીલના ફૂલેમાલવાડી ગામના લોકોએ રાજ્ય પ્રશાસનને ચોંકાવી દીધું છે. હવે ગ્રામજનોએ તેમનું ગામ રાજ્ય પ્રશાસનને વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના કારણે આ ફૂલેમાલવાડી ગામ ચર્ચામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોને તેમની ઉપજ પાણીના ભાવે વેચવી પડી રહી છે. ગ્રામજનોને તેમની ખેત પેદાશોનો ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે. જુદા-જુદા ગામોના ખેડૂતો અલગ-અલગ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગામડાના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને કાંદા, ઘઉં, શાકભાજી અને રોકડિયા પાક સહિતની કોઈપણ ચીજની યોગ્ય કિંમત મળી રહી નથી. જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ફુલેમાલવાડી ગામના લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે આ અનોખી રીત શોધી કાઢી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોના ભોગે શહેરી ગ્રાહકોની જ ચિંતા કરી રહી છે, જેના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ફુલેમાલવાડી ગામમાં લગભગ 534 હેક્ટર જમીન છે. આખું ગામ ખેતી પર નિર્ભર છે. ખેત પેદાશોની નજીવી ઉપજને કારણે બાળકો અને યુવાનોની શિક્ષણ, આરોગ્ય અને રોજીંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની રહી છે.