તીર્થસેવા અને તીર્થોદ્ધારને જીવનકાર્ય બનાવનાર વિજય નેમિસૂરીશ્ર્વરજી મહારાજ

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી તાજેતરમાં નવરચિત બોટાદ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં આવેલ છે. આ જિલ્લાનું વહીવટી મથક બોટાદ શહેર છે. ભૌગોલિક દૃષ્ટિએ બોટાદ ઉત્તર-પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, પશ્ર્ચિમે રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લા, દક્ષિણે અમદાવાદ જિલ્લાથી ઘેરાયેલું છે.
બોટાદ માટે વપરાયેલા મૂળ શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યા તે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ અંગ્રેજી શબ્દ BOTANY માંથી BOTAD શબ્દ અપભ્રંશ થઈ ઊતરી આવ્યો હશે, જેનો અર્થ વનસ્પતિ કે વનસ્પતિશાસ્ત્ર થાય તેમ જ સંસ્કૃત શબ્દ બોટ શબ્દનો અર્થ ગોરખમૂડી (ગોખરું) થાય. આદ એટલે સ્થળ થાય. આમ જ્યાં ગોરખમૂડી વનસ્પતિ છે તેવું સ્થળ. ઉપરોક્ત બંને અર્થને ગ્રીક ભાષાનું સમર્થન મળતું જણાય છે. ગ્રીકમાંTHERAPEFTEI જેનો અર્થ ચિકિત્સા કે ઉપચાર થાય. જ્યાં વનસ્પતિ દ્વારા ચિકિત્સા કે ઉપચાર થતો હોય.
બોટાદના અર્થ પછી તેની સ્થાપના સંદર્ભે જોઈએ તો લોકોક્તિ અનુસાર ભોજભાઈ ખાચરે ઈ. સ. ૧૬૬૬ (સવંત ૧૭૨૨)માં આ ગામ વસાવ્યું. આ ગામ પાંચ ગામ ભાંગીને બન્યું છે, જેમાં ભોમવદર, સમળી, ધોળી, સાંઢગઢ અને ભોજાવદરનો સમાવેશ થાય છે. આજે સાંઢગઢના અવશેષો નવહથ્થા હનુમાન મંદિરના પાછળના ભાગમાં દેખાય છે. તો ઉત્તર દિશા સમળીની ધાર તરીકે ઓળખાય છે. લાતીની બાજુમાં રેલવે સ્ટેશનના રસ્તા પર આજે પણ અવાડા તરીકે જોવા મળે છે.
સતવારા સમાજના કિશોરભાઈ નટવરલાલ બારોટના ચોપડાની વિગતો પ્રમાણે ચાવડા શાખના સતવારાએ તાજપરના જાંપે સાંઢગઢ, ભોજાવદર અને સમળી એમ ત્રણ ગામ ભાંગી બોટાદનું તોરણ બાંધ્યું, જે પ્રમાણે જોઈએ તો ભોજભાઈ ખાચરે ગામ વસાવ્યા બાદ સતવારાએ તોરણ બાધ્યું છે અને સમય જતાં ભોમવદર અને ધોળી બંને બોટાદમાં ભળી ગયાં હતાં.
એક પ્રસંગે બોટાદમાં મહારાજશ્રીનાં દર્શન કરવાનો મને લાભ મળ્યો હતો. મહારાજશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર્ય, પ્રખર વ્યાખ્યાનશૈલી અને સર્વધર્મ પ્રત્યે સમભાવ જોઈ તેમના તરફ માન થયા સિવાય રહે નહિ. આવા પ્રભાવશાળી ધર્મોપદેશક ભાવનગર રાજ્યમાં જન્મ્યા હતા. ભાવનગર રાજ્યમાં આચાર્ય પદવીને પામ્યા હતા અને ભાવનગર રાજ્યમાં જ સ્વર્ગવાસ પામ્યા હતા તે એક ગૌરવનો વિષય છે. આ શબ્દો છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સ્વ. સૂરિસમ્રાટને અંજલિ સાથે દિલગીરી વ્યક્ત કરતા સમયના છે. (જૈનધર્મ પ્રકાશ, પુસ્તક ૬૬, મુ. એક બીજામાંથી અને શ્રી નેમિ-લાવણ્યસૂરિ ગ્રંથમાલા રત્ન – ૮ મુ.માંથી.) સૂરિસમ્રાટ વિજય નેમિસૂરીશ્ર્વરજી મહારાજે પોતાના જીવન દરમિયાન ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ જેવાં વિભન્ન સ્થળોએ ૬૧થી વધુ ચાતુર્માસ કરેલા એમાં પણ બોટાદનું સૌભાગ્ય કે મહારાજશ્રી વિ. સ. ૧૯૬૬, ૧૯૮૮ અને ૧૯૯૮માં ત્રણેક ચાતુર્માસ દરમિયાન બોટાદમાં પધારેલા.
ગંભીરસિંહ ગોહિલ પોતાના પુસ્તક ‘પ્રજાવત્સલ રાજવી’માં એક ચાતુર્માસ પ્રસંગનું વર્ણન કરતાં લખે છે કે ‘ચાતુર્માસ દરમિયાન બોટાદ પધારેલા શાસનસમ્રાટ તરીકે પ્રસિદ્ધ થયેલા નેમિસૂરીશ્ર્વરજી મહારાજ (૧૮૭૨-૧૯૪૯)નાં દર્શને મહારાજા ગયા હતા. આચાર્યશ્રીના આગમને તેઓ ઊભા થયા, ઊભા જ રહ્યા. આચાર્યશ્રીને ગાદી પર બેસવા વિનંતી કરી પણ તેઓ તો સાધુકર્મ પ્રમાણે નીચે જ સાદા આસન પર બેસી ગયા. મહારાજને આશ્ર્ચર્ય સાથે માન થયું. પોતે પણ જમીન પર બેસી ગયા. ‘ગુરુ મહારાજશ્રીથી ઊંચા આસને મારાથી ન બેસાય.’ બેથી અઢી કલાક ધર્મોપદેશ સાંભળ્યો.
આજે આપણે એવા સૂરિસમ્રાટ વિજય નેમિસૂરીશ્ર્વરજી મહારાજના જીવન અને કાર્યનો પરિચય મેળવીએ.
ભારતની ભવ્ય વિભૂતિ, જૈન જગતના મહાન જ્યોતિર્ધર સ્વર્ગસ્થ પૂ. શ્રીમદ સૂરિસમ્રાટ વિજય નેમિસૂરીશ્ર્વરજીનો જન્મ સૌરાષ્ટ્રના લીલાછમ નાધોર પ્રદેશના સૌન્દર્યધામ સમા મધુમતી (મહુવા) બંદરની પવિત્ર ભૂમિ છે.
વિજય નેમિસૂરીશ્ર્વરજીનો જન્મ વિ. સ. ૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૩)માં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મીચંદ અને માતાનું નામ દિવાળીબહેન હતું. જન્મ પછી તેમનું નામ નેમચંદ રાખવામાં આવ્યું. ૧૬ વર્ષની ઉંમરે તેમણે પ્રશાંતમૂર્તિ પૂ. શ્રી. વૃદ્ધિચંદ મ. પાસે વિ. સ. ૧૯૪૫માં જેઠ સુદ સાતમના રોજ ભાવનગર મુકામે શ્રી ભાગવતી દીક્ષાનો સ્વીકાર કરી ‘મુનિરાજશ્રી નમ વિજય’ નામ ધારણ કરીને ધર્મયાત્રામાં પ્રણાય કર્યું હતું. વિજય નેમિસૂરીશ્ર્વરજીએ સાધુક્રિયાના શુદ્ધ આચરણ અને ગુરુભક્તિની સાથે વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને આગમનશાસ્ત્રોનું અધ્યયન કરવાનું આરંભ્યું. અગાધ બુદ્ધિબળના કારણે ટૂંક સમયમાં જ તેઓ વિવિધ શાસ્ત્રોના પારંગત બન્યા. તેમના પાંડિત્યથી મુગ્ધ બનેલ શ્રી જૈન સંઘે વિ. સ.૧૯૬૦ માં વલ્લીભુર (વળા) મુકામે (પૂ. શ્રી ગંભીરવિજયજી ગાણીવરના વરદ હસ્તે) પુરભક્તિથી ગણપદ અને એ જ વર્ષે માગશર સુદ બીજે પન્યાસપદ અપર્ણ કર્યું હતું.
વિ. સ. ૧૯૬૪ના રોજ ભાવનગર પૂ. ૫. શ્રી ગંભીરવિજયજી ગણીવરશ્રી અખિલ ભારતવર્ષીય હીન શ્ર્વેતામ્બર કોન્ફરન્સની ઐતિહાસિક બેઠકના પ્રસંગે મહાઉત્સવપૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્ર્વરજીના ગૌરવિત નામથી શાસનધુરાનું વહન કરવા માંડ્યું અને સૂરિસમ્રાટ – શાસન સમ્રાટ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સૂરિસમ્રાટ સમ્રાટ પછી તેમણે બાર હજારી બૃહદહેમપ્રભા, છ હજારી લઘુહેમપ્રભા અને અઢી હજારી પરમહેમપ્રભા એમ ત્રણ પ્રક્રિયાક્રમે વ્યાકરણ ગ્રંથો તેમ જ નવ નવા અને ભિન્ન ભિન્ન વિષયના ન્યાયપ્રભા, ખંડનખાદ્યબૃહદવૃતિ, ન્યાયાલોકવૃતિ, સમ્મતિતર્ક ટીકા, ન્યાયસિન્ધુ, સંપૂછ્યુંપનિષદ, અનેકાંતતત્ત્વમીમાંસા અને સપ્તનપોર્પિષદ વગેરે સવા લાખ શ્ર્લોકપ્રમાણ ન્યાય ગ્રંથોની અનુપમ રચના કરી.
આ ઉપરાંત તેમણે તીર્થસેવા અને તીર્થોદ્ધારના કાર્યને જીવનકાર્ય બનાવી ર્જીણોદ્ધાર કર્યા છે, જેમાં કાપરડાજી તીર્થ, સેરીસા અને વામજ તીર્થ, શ્રીસ્થંભત તીર્થ વગેરે કીર્તિમાં વૃદ્ધિ કરી છે. તદુપરાંત રોહીશાળા, તળાજા, માતર, પોસિના, રાણકપુરજી, રાજનગર, ભાવનગર, વઢવાણ, જાવાલ, ચાણસા, કલોલ, ધોલેરા, ડાંગરવા, ભંડારિયા, ધાણેરાવ, રાજપર, બોટાદ આદિ અનેક સ્થળે પૂ. શ્રીએ અંજનશલાકા પ્રતિષ્ઠાદિ મહાન કર્યો કર્યાં છે.
વિજય નેમિસૂરીશ્ર્વરજીના અદમ્ય પ્રભાવના કારણે ભાવનગર, ગોંડલ, લિમડી, ચૂડા, ઉદેપુર વગેરે સ્થળોના રાજા-મહારાજાઓએ નાનાંમોટાં ગામોના ઠાકોરોને, વિવિધ સ્થળના અનેક અધિકારીશ્રીઓને આકર્ષ્યા હતા. તેઓને ધર્મઉપદેશનું અનુપમ સુધાપાન કરાવીને શાસનને પ્રભાવ કરનારાં ધર્મકાર્યો અને ક્રમશ: તેઓ દ્વારા કરાવ્યા હતા. જેમાં જર્મનીના ડો. હર્મન જેકોબી, યુ.પી.ના સ્વ. પ્રો. મદન મોહન માલવિયા, ગુજરાતના આનંદશંકર ધ્રુવ, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, પ્રભાશંકર પટણી, અનંતરાય પટણી વગેરે અનેક દેશના ઓફિસરો અને જૈનેતર વિદ્વાનો પર ઉપદેશદ્વારા તેઓશ્રીએ ઊંડી છાપ પાડી છે. પૂજ્યશ્રીએ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ જેવા વિભન્ન પ્રદેશોમાં વિહાર કરી અનેક જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ કરવા સાથે ધર્માંગાર સભા અને ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, જ્ઞાનશાળાઓ, ભોજનશાળાઓ, ભોજનાલયો, ધર્મશાળાઓ વગેરે સદુપદેશથી સ્થાપન કરાવેલ. પ્રાચીન જૈનશાસ્ત્રોનો ઉદ્ધાર કરવાનું તેઓ વીસર્યા નથી એ વાતની તેઓશ્રીએ રાજનગરમાં સ્થાપેલ શ્રી જૈન ગ્રંથ પ્રકાશકસભા સાક્ષી છે. સભા દ્વારા પ્રાચીન -અર્વાચીન અનેક પુસ્તકો પ્રગટ કરાવ્યાં છે તેમ જ પ્રાચીન ગ્રંથોની વૃત્તિઓ – ટીકાઓ અને વ્યાખ્યાઓ પોતે રચેલી અથવા શિષ્ય પ્રશિષ્યાદિએ રચેલી. આ સભા દ્વારા પ્રકાશિત સાહિત્યની અપૂર્વ સેવા બજાવી છે. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૨૯ કાર્તિક સુદી એકમે એ જ નગરમાં થયો હતો અને દેહવિલય અગ્નિસંસ્કાર પણ વિ. સં.ના કાર્તિક સુદી એકમે એ જ નગરમાં થયો. આ એ મહાપુણ્યવંત મહાપુરુષની કોઈ અકલ્પ્ય ઘટના જ ગણાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.