ભારતીય સ્ટેટ બેંકને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને પરદેશભેગા થઈ ગયેલા વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે ઝોર કા ઝટકા ઝોરથી જ આપ્યો છે. ગુનેગાર જાહેર કરવાથી લઈને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી રોકવામાં આવે એવી વિનંતી કરતી અરજી માલ્યાએ દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી.
વિજય માલ્યાને ગુનેગાર જાહેર કરીને તેમની સંપત્તિ જપ્ત કરવા માટે મુંબઈની સ્થાનિક કોર્ટે કાર્યવાહી શરૂ કરી હતી અને આ કાર્યવાહી રોકવામાં આવે એ માટે માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે માલ્યાની યાચિકા પરથી 7મી સપ્ટેમ્બર, 2018ના રોજે ઈડીને નોટિસ મોકલાવી હતી. તેમ જ મુંબઈમાં પીએમપીએલ કાયદા અનુસાર પાંચમી જાન્યુઆરી, 2019ના વિજય માલ્યાને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
ફરાર જાહેર થયા બાદ વિજય માલ્યા હાલમાં બ્રિટનમાં રહે છે અને તે પ્રત્યાર્પણ માટે ભારત સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ તેને ભારત પાછો લાવવામાં સફળતા મળી નથી.