સાર્વજનિક જગ્યાઓ પર પોર્ન જોવું: બહાદુરી કે લત?

વીક એન્ડ

પ્રાસંગિક-અનંત મામતોરા

ભારતમાં અત્યારે અભિનેત્રી તરીકે કાર્યરત સની લિયોન એક સમયે પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી. તેનો એક વિશાળ ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. લોકોને ગલગલિયા કરાવતા સાહિત્ય, પછી કોઈ પણ માધ્યમમાં હોય, તેનું મોટું માર્કેટ છે. વાચકો જાણતા હશે કે એક સમયે આ શ્રેણીમાં આવતી હિન્દી નવલકથાઓ ધૂમ વેચાતી હતી એટલું જ નહીં, દ્વિઅર્થી સંવાદો અને નામ ધરાવતી ફિલ્મો પણ ભારતમાં ઘણી બની છે. ગુજરાતી નાટકોમાં પણ આવા પ્રયોગો થયા છે. તેના પરથી એક તારણ તો અવશ્ય નીકળે કે આવા ગલગલિયા કરાવતા મનોરંજનનો એક બહોળો ચાહક વર્ગ આપણા દેશમાં પણ ઠેર ઠેર છે.
બ્રાઉનવેન રીડ બ્રિટનની એક સાર્વજનિક લાઇબ્રેરીમાં બેઠી હતી. અન્ય કોઈ પણ વિદ્યાર્થીની જેમ તે ત્યાં અભ્યાસ માટે આવી હતી. ત્યારે તેણે એક અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો જે માટે કોઈ છોકરી માનસિક રીતે તૈયાર પણ ન હોય અને સ્વીકારી પણ ન શકે. તેણે જોયું કે એક વિદ્યાર્થી લાઇબ્રેરીના કોમ્પ્યુટર પર પોર્ન જોઈ રહ્યો હતો. તે જણાવે છે કે ‘મને તો આઘાત જ લાગ્યો! મને એ જ સમજાતું નહોતું કે હું શું કરું?’
માન્ચેસ્ટરમાં રહેતી રીડને લાગ્યું કે કદાચ આ એક અપવાદ હશે, પણ થોડાં અઠવાડિયાં પછી એ જ લાઇબ્રેરીમાં, એ જ વ્યક્તિ, ફરીથી એ જ હરકત કરી રહી હતી. બ્રાઉનવેનની જેમ અન્ય લોકોએ પણ બસ, ટ્રેન કે લાઇબ્રેરી જેવી જાહેર જગ્યાઓ પર લોકોને પોર્ન જોતાં જોયા છે.
તાજેતરમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના એક સાંસદને ચાલુ સંસદે પોતાના ફોન પર પોર્ન જોતાં પકડ્યા બાદ રાજીનામું આપવું પડ્યું હતું અને આ ઘટનાઓ હમણાં જ શરૂ થઇ છે એવું ન માની લેશો. ૧૯૮૦ના દશકમાં ક્રિમિનલ લો રિવિઝન કમિટીને આપવામાં આવેલા પુરાવાઓને એક પુસ્તકમાં છાપવામાં આવ્યા હતા. તેમાં એક સાક્ષીના જણાવ્યા મુજબ ટ્રેક્ટર વેબસાઈટ શોધતી વખતે ભૂલથી પોર્નસાઈટ ખૂલી ગઈ હતી. તેમનો ઈરાદો પોર્ન જોવાનો નહોતો. બ્રિટનમાં મીડિયા પર નજર રાખતી સંસ્થા ઑફકોમના જણાવ્યા મુજબ બ્રિટનની અડધાથી વધુ વસ્તી પોર્ન જુએ છે.
લોકો સાર્વજનિક સ્થળો પર પોર્ન કેમ જુએ છે? તે વિષે પોર્નોગ્રાફી અને સેક્સની લત પર કામ કરતા સાઇકોથેરપિસ્ટ કહે છે કે તેનું એક સંભવિત કારણ તેમની ‘લત’ હોઈ શકે. તેઓ જણાવે છે કે ‘પોર્ન જોવાની ઈચ્છા અને જરૂરિયાત’ એટલી વધારે હોય છે કે વ્યક્તિ પોતાને એ નથી કહી શકતો કે ‘હું ઘરે જઈને જોઈ લઈશ.’ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની લત લાગી જાય ત્યારે તેના ‘મગજનો વિચાર કરતો હિસ્સો ઘણી વાર ઓફલાઈન થઈ જાય છે!’ કેલમ સિન્ગલ્ટનને ગ્લાસગોમાં બસ પ્રવાસ દરમ્યાન એક વ્યક્તિ ફોન પર પોર્ન જોતી દેખાઈ હતી. ૧૯ વર્ષનો કેલમ એ જોઈને અસહજ તો મહેસૂસ કરતો જ હતો, પણ જાહેર સ્થળો પર કોઈ પોર્ન કેવી રીતે જોઈ શકે? એવો વિચાર પણ તેને આવી રહ્યો હતો. કેલમ કહે છે કે ‘એવું લાગે છે કે આ એક વ્યાપક મુદ્દો છે. આ તેમની રાજિંદી જિંદગીનો હિસ્સો છે, પણ તેવું ન હોવું જોઈએ.’
ડોક્ટર્સ કહે છે કે જાહેર સ્થળો પર પોર્ન જોનારા પોતાના વિષે જાગૃત ન હોય તેવું બની શકે. ‘એ લોકો ઈબે અથવા ફેસબુક સ્ક્રોલ કરતા હોય અને બીજી જ પળે તેમને કોઈ પોર્ન લિંક મળે છે અને તેઓ પોર્નોગ્રાફીમાં પહોંચી જાય છે.’ તેમનું કહેવું છે કે ‘સમાજની મુખ્ય ધારામાં પોર્નોગ્રાફીનું સામાન્યકરણ થયું છે અને લોકો તેની અસરમાં આવે છે. આજે બધે જ પોર્નોગ્રાફી છે. પાછલાં વર્ષો કરતાં હવે એ ખૂબ વધ્યું છે અને શું પોર્ન કહેવાય અને શું ન કહેવાય, તેનો ભેદ જાણે મટી ગયો છે.’ કેટલાક લોકો એવું પણ વિચારતા હોઈ શકે કે મારી જેમ બીજા પણ પોર્ન તો જોતા જ હશે. પુરુષોનો એક નાનકડો વર્ગ એવું વિચારતો હોય છે કે જાહેર સ્થળે પોર્ન જોઈને તેઓ પોતાની મર્દાનગીનું પ્રદર્શન કરે છે. ‘આ એક પુરુષવાદી માનસિકતા છે, જેમાં લોકો એમ વિચારે છે કે પોર્ન જોવું તે તેમનો અધિકાર છે. તેમના વિચાર મુજબ પોતાના પોર્ન જોવાથી કોઈને તકલીફ થતી હોય તો તે તેમની સમસ્યા છે!’
નાની ઉંમરે જો કોઈએ પોર્ન જોવાનું ચાલુ કર્યું હોય તો તેની પણ અસર હોઈ શકે. ‘બધા જ પ્રકારના વ્યવહાર પર આ વાત લાગુ થાય છે. આપણી લત કેટલી ગાઢ છે તેનો આધાર એ વાત પર છે કે આપણે કેટલી નાની ઉંમરે તે કરવાનું શરૂ કર્યું. ‘જ્યારે તમે આ એક ખરાબ આદત છે તેવું સ્વીકારતા જ ન હો, ત્યારે તેને છોડવી વધારે મુશ્કેલ બને છે.’
નાની ઉંમરથી પોર્ન જોનાર માટે જાહેર સ્થળોમાં પોર્ન જોવું એક ઑટોમેટિક પ્રક્રિયા બની જાય છે. બ્રાઉનવેન કહે છે કે ‘આ ચિંતાજનક છે. સાર્વજનિક સ્થળો બધા માટે સુરક્ષિત હોવાં જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે જાહેર સ્થળોએ સૌ કોઈ સહજ અને સુરક્ષિત અનુભવ કરવા જોઈએ, પણ હંમેશાં તેવું થતું નથી. કેટલાક લોકો માટે આ ખૂબ પરેશાની ઊભી કરે છે.’
ડોક્ટર કહે છે કે ‘લોકોમાં જાગૃતિનો અભાવ પણ એક કારણ છે. પોતાના કારણે બીજા કેટલું અસહજ અનુભવે તેની જાણકારીનો અભાવ પણ કારણ હોઈ શકે. તે લોકો ભૂલી જાય છે કે બીજા માટે આ ઘૃણાસ્પદ છે.’
એપ્રિલ, ૨૦૨૦ના એક રિપોર્ટ અનુસાર, ભારત દુનિયાના સૌથી વધુ પોર્ન જોતા લોકોમાં અમેરિકા અને બ્રિટન પછી ત્રીજે નંબરે છે. દેશમાં એવી ઘણી ઘટનાઓ થઈ છે જેમાં સરકારી અધિકારીઓ પણ પોર્ન જોતાં પકડાયા હોય. વર્ષ ૨૦૧૨માં કર્ણાટક વિધાનસભામાં બે વિધાનસભ્યો પોર્ન જોતાં કેમેરામાં પકડાયા હતા. તાજેતરમાં આસામમાં કેન્દ્રીય મંત્રી રામેશ્ર્વર તેલીના કાર્યક્રમ દરમ્યાન સાર્વજનિક સ્ક્રીન પર પોર્ન ચાલુ થઈ ગયું હતું. તેની પહેલાં એપ્રિલ, ૨૦૧૭માં દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશનમાં જાહેરાતના સ્ક્રીન પર પોર્ન ચાલુ થઈ ગયું હતું.
ભારતમાં સત્તાવાર રીતે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ છે. સરકારે ઘણી પોર્ન વેબસાઈટને બ્લોક પણ કરી છે. ભારતીય કાયદા પ્રમાણે જાહેર સ્થળે પોર્ન જોવું અશ્ર્લીલતાની શ્રેણીમાં આવે છે અને તે અપરાધ ગણાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.