તીર્થધામની પવિત્રતા જળવાઈ રહેશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને પારસનાથ પર્વત (સંમેત શિખરજી) પર તમામ પર્યટન પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપતાં એ સ્થળનો તીર્થધામનો દરજ્જો યથાવત્ રાખવાનો સરકારનો નિર્ણય સ્પષ્ટ થયો છે. એ સાથે ઝારખંડમાં સંમેત શિખરજી તીર્થધામના રક્ષણની માગણી કરતા જૈન સમુદાયની લાગણી નહિ દુભવવાની બાંયધરી કેન્દ્રના પર્યટન ખાતાના પ્રધાન જી. કિશન રેડ્ડીએ આપી હતી.
સરકારે સંમેત શિખરજી પર્વત પર ઇકો ટુરીઝમ ઍક્ટિવિટી બંધ કરવા સાથે ત્યાં દારૂ, ડ્રગ્સ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તે ઉપરાંત લાઉડ સ્પીકર વગાડવા, પાળેલાં પ્રાણી લાવવા, ગેરકાયદેસર કૅમ્પિંગ અને ટ્રૅકિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે સંમેત શિખરજીની તીર્થધામ તરીકે પવિત્રતા જાળવવા આવશ્યક પગલાં લેવાની સૂચના ઝારખંડની રાજ્ય સરકારને આપી છે. મધ્ય પ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન ઓ.પી. સકલેચાએ જણાવ્યું હતું કે આ બાબતે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી ચૂક્યા છે. વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની સૂચના પ્રમાણે સંમેત શિખરજીનો તીર્થધામ તરીકેનો દરજ્જો જાળવી રાખવામાં આવશે. સંમેત શિખરજીના તીર્થધામ તરીકે વિકાસ માટે કેન્દ્ર સરકાર વિશેષ સમિતિની રચના કરશે. એ સમિતિમાં જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિવાસી સમુદાયના એક સભ્યનો પણ સમાવેશ રહેશે. દરમિયાન કેન્દ્રના શ્રમ, રોજગાર, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવે દિલ્હીમાં જૈન સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. યાદવે જણાવ્યું હતું કે મોદીની સરકાર સંમેત શિખરજી સહિત જૈન સમાજના તમામ ધાર્મિક સ્થળોના રક્ષણ અને જાળવણી માટે પ્રતિબદ્ધ છે. (એજન્સી)
JAINAM JAYATI SHASHANAM