એક પ્રાણીને બચાવવા કોઈ શું કરી શકે કણાર્ટકની આ 31 વર્ષીય વેટરીનરી ડોક્ટર દીપડાને બચાવવા માટે 25 ફૂટ ઉંડા કૂવામાં ગઈ અને પોતાનાથી અમુક ઈંચ દૂર એવા દીપડાને બચાવી લાવી. આ વિરાંગનાનું નામ છે ડો. મેઘના પેમ્માઈ. કણાર્ટકના દક્ષિણા કન્નાડા જિલ્લામાં આ ઘટના બની હતી.
દીપડો 25 ફૂટ ઊંડા કૂવામાં 36 કલાકથી ફસાયેલો હતો. ડો. મેઘના ત્યાં આવી અને દીપડાને પુરવાના પાંજરામાં પોતે જ બેસી ગઈ. આ પાંજરાને કૂવામાં રસ્સી વડે ઉતારવામાં આવ્યું. ધબકારા વધારતા બે કલાકના આ બચાવકાર્ય બાદ તેણે દીપડાને બચાવી લીધો હતો. વન વિભાગ જ્યારે આ દીપડાને બચાવી ન શક્યો ત્યારે તેમણે મેંગલુરુની ટીમને બોલાવી. ટીમમાં બીજા ડોક્ટર પણ હતા, પરંતુ મેઘનાએ હિંમત બતાવી. એક વર્ષનો દીપડો ભૂખ્યો હતો અને ડીહાઈડ્રેશન થયું હોવાનું જણાતું હતું. જોકે ઉપરથી તેને બરાબર જોઈ શકાતો ન હતો. દીપડો એક બાજુમાં ભરાઈ ગયો હોવાથી તે બહાર આવવા માગતો ન હતો. મેઘના પાંજરામાં બેસી કૂવામા ઉતરી. દીપડો ઘુરક્યા કરતો હતો, પરંતુ તે એવી પોઝિશનમાં બેઠો હતો કે મેઘના માટે તેને ડાર્ટ એટલે કે જંગલી પ્રાણીઓને બેભાન કે નિષ્ક્રિય કરવાનું ઈન્જેક્શન મારવાનું સહેલું બની ગયું. મેઘનાએ ઈન્જેક્શન માર્યુ તેની વીસેક મિનિટમાં તે લગભગ બેહોશ થઈ ગયો.
દીપડાને પાંજરામાં બેસાડવા બે જણની જરૂર પડતા તેને પણ કૂવામાં ઉતારવામાં આવ્યા. મેઘના દીપડા સાથે જ પાંજરામાં એકલી ઉપર આવી અને તે બાદ બીજા બન્નેને બોલાવવામાં આવ્યા. લગભગ 45 મિનિટમાં દીપડો ફરી હોશમાં આવી ગયો અને તે સ્વસ્થ જણાતા તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો.
મેઘનાની હિંમત અને પ્રાણી પ્રત્યેની તેમ જ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને સલામ