સિનેમા જગતમાંથી આવેલા ચોંકાવનારા સમાચારમાં અભિનેત્રી વીણા કપૂરનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બેરોજગાર પુત્રે પ્રોપર્ટીના કારણે માતાની હત્યા કરી છે. અભિનેત્રી વીણા કપૂર 74 વર્ષના હતા અને તેમની હત્યા કરનાર પુત્રની ઉંમર 43 વર્ષની છે. આ સમાચાર આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. આ કેસમાં ઝડપ બતાવતા મુંબઇ પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લીધો છે. મીડિયા રિપોટર્સ અનુસાર પુત્ર સચિને ગુનો સ્વીકારી લીધો છે.
વીણા કપૂરને બે દીકરા છે. મોટો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે અને અમેરિકામાં રહે છે. નાનો દીકરોસચિન તેની માતા સાથે જૂહુની કલ્પતરૂ સોસાયટીમાં ચાર બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. ઘણા દિવસો સુદી માતા વીણાનો ફોન ના આવતા અને કોઇ વાતચીત ના થતા મોટા પુત્રએ પોલીસને ફોન કર્યો હતો. તેણે આસપાસના ઘરોમાં ફોન કરીને માહિતી મેળવી હતી કે તેની માતા ઘરે નથી. આ સંબંધે પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વીણા કપૂર અને આરોપી પુત્ર સચિન કપૂર વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટીને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. સચિનની માતા વીણા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ગુસ્સામાં સચિને માતા વીણાના માથા પર બેઝબોલના બેટથી ઉપરાછાપરી માર મારતા વીણાનું મૃત્યુ થયું હતું. પોલીસના ડરથી સચિને લાશને પ્લાસ્ટિકની થેલીમાં ભરી નોકરની મદદથી રાયગઢ જિલ્લામાં એક નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
વીણા કપૂર ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી હતી.