ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વર્ષે ભારતીય સિનેમાના અનેક રત્નો ગુમાવી રહી છે. હવે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આધારભૂત સૂત્રોના અહેવાલ મુજબ, બોલીવુડના દિગ્ગજ અભિનેતા, વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબી માંદગીને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત સ્થિર હતી, પરંતુ તે ફરીથી બગડવાની શરૂઆત થઈ હતી અને આજે સવારથી જ તેમની સ્થિતિ નાજુક હતી અને આખરે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બે દિવસ પહેલા પણ પીઢ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, અભિનેતાના પરિવારે મૃત્યુની અફવાઓનું ખંડન કર્યું હતું.
ઘણી સેલિબ્રિટીઓએ પ્રતિષ્ઠિત અભિનેતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે બોલીવૂડની ઘણી ફિલ્મો કરી છે અને તેઓ તેમની કેટલીક ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેમણે અમિતાભ બચ્ચન સ્ટારર પરવાનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિક્રમ ગોખલેએ સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. તેઓ ‘તુમ બિન’, ભૂલ ભુલૈયા’ અને ‘મિશન મંગલ’ ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે શિલ્પા શેટ્ટી સાથે ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા.
તેઓ તેમની પત્ની સાથે છેલ્લા થોડા વર્ષથી પુણેમાં રહીને એક અભિનય એકેડમી ચલાવતા હતા. તેમને 2010માં રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યો હતો. વિક્રમના પરિવારમાં તેમની પત્ની વૃષાલી ગોખલે અને બે પુત્રીઓ છે. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે તેમના સમયના પ્રખ્યાત મરાઠી ફિલ્મ અને સ્ટેજ કલાકાર હતા.
પાંચ દાયકા સુધી રંગભૂમિ અને ફિલ્મોમાં રાજ કરનારા અભિનય સમ્રાટ વિક્રમ ગોખલેની એક્ઝિટ
RELATED ARTICLES