યાકુબની કબરના મુદ્દે સાવ છિછરું રાજકારણ

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણનું સ્તર સાવ નીચે જતું રહ્યું છે ને જેની ચર્ચા પણ ના કરી શકાય એવા મુદ્દાઓને ચગાવાય છે એ આપણે રોજ જોઈએ છીએ. દેશ સામે અનેક સમસ્યાઓ છે, દેશનાં લોકોને જાતજાતની તકલીફો પડે છે એ બધાંનો નિકાલ કરવાના બદલે રાજકારણીઓ અત્યંત છિછરી ને હલકી કક્ષાની વાતોમાં છબછબિયાં કરીને નેતાગીરી કરી ખાય છે. આ પ્રકારની નેતાગીરીનું તાજું ઉદાહરણ મુંબઈમાં યાકુબ મેમણની કબર મુદ્દે શરૂ થયેલો દેકારો છે.
મુંબઈને માર્ચ ૧૯૯૩માં ધમરોળી નાંખનારા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપી યાકૂબ મેમણને ૨૦૧૫માં ફાંસી અપાઈ હતી. એ પછી તેનો મૃતદેહ તેના પરિવારને સોંપાયેલો. પરિવારે તેને મુંબઈના બડા કબ્રસ્તાનમાં દફનાવેલો. એક ટીવી ચેનલ દ્વારા બુધવારે એવો અહેવાલ પ્રસારિત કરાયો કે, યાકુબ મેમણની કબરને મઝારમાં ફેરવી દેવાઈ છે. તેની કબર ફરતે આરસના પથ્થર લગાવી દેવાયા છે ને કબર પર ફૂલ ચઢાવીને એલઆઈડી લાઈટ્સથી શણગાર કરવામાં આવ્યો છે.
ટીવી ચેનલના અહેવાલને પગલે એક્શનમાં આવેલી મુંબઈ પોલીસે કબર પરથી એલઈડી લાઈટ્સ દૂર કરી દીધી પણ ભાજપના નેતાઓને મુદ્દો મળી ગયો તેથી ભાજપના નેતા મેદાનમાં આવી ગયા. તેમણે સીધો ઉદ્ધવ ઠાકરે સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો. ઉધ્ધવના શાસનમાં એક દેશદ્રોહીની કબરની સજાવટ કરાવાઈ એવો આક્ષેપ કરીને ભાજપના નેતાઓએ આ કૃત્ય માટે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધી દેશની માફી માગે એવું કોરસ શરૂ કર્યું છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે મેમણની કબરની સજાવટ સાથે પોતાને કંઈ લેવાદેવા નહીં હોવાની ચોખવટ કરી છે. ઉદ્ધવ જૂથનું કહેવું છે કે, યાકુબની કબર જ્યાં આવેલી છે એ ખાનગી મિલકત છે ને વકફ બોર્ડની પ્રોપર્ટી છે તેથી તેને સરકાર સાથે કંઈ લેવાદેવા નથી. ઉદ્ધવ જૂથે એવો વળતો પ્રહાર પણ કર્યો છે કે, ભાજપ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન બીજે વાળવા આવા વાહિયાત મુદ્દા ચગાવે છે.
આપણે શિવસેનાએ ઉઠાવેલા મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે વાત નથી કરતા પણ ભાજપે મચાવેલો દેકારો વાહિયાત છે તેમાં શંકાને સ્થાન નથી. યાકુબ મેમણ દેશદ્રોહી હતો એ જોતાં તેની કબરની સજાવટ કરાય કે યાકુબને હીરો બનાવવાની મથામણ કરાય એ આઘાતજનક છે ને એ બિલકુલ ના ચલાવી લેવાય. સામે ભાજપ આ વાતને રાજકીય રંગ આપવાની હરકત કરી રહ્યો છે એ પણ શરમજનક છે. રાજકીય ફાયદા માટે કોઈપણ પૂરાવા વિના હરીફોને આતંકવાદીઓ સાથે જોડી દેવા એ હલકી માનસિકતા છે ને ભાજપના નેતા આ માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે.
યાકુબની કબરની સજાવટ કોણે કરી તેની તપાસ મુંબઈ પોલીસે શરૂ કરી છે. આ તપાસમાં શું બહાર આવશે એ ખબર નથી પણ પ્રાથમિક તપાસમાં મુંબઈ પોલીસે જે કંઈ કહ્યું એ સાંભળવા જેવું છે. પોલીસનું કહેવું છે કે, બડી રાત એટલે કે શબ-એ-બારાતને અનુલક્ષીને બડા કબ્રસ્તાનમાં હેલોજન લાઈટ્સ લગાવાઈ હતી એ ટ્રસ્ટીઓએ બીજા દિવસે દૂર કરી છે જ્યારે એલઈડી લાઈટ્સ પોલીસે દૂર કરી છે. પોલીસે એ સ્પષ્ટતા પણ કરી છે કે, કબર પર આરસ ત્રણ વર્ષ પહેલાં લગાવાયો હતો.
પોલીસની વાતનો અર્થ એ થાય કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે યાકુબની કબર પર આરસ લગાવાયો હતો. એ વખતે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા. ભાજપના નેતાઓએ જવાબ આપવો જોઈએ કે, કોના આશિર્વાદથી યાકુબની કબર પર આરસ લગાવાયો હતો?
બીજું એ કે, મહારાષ્ટ્રમાં તો છેલ્લા બે મહિનાથી એકનાથ શિંદેની સરકાર છે કે જે ભાજપના ટેકાથી બનેલી છે. ૩૦ જૂનથી એકનાથ શિંદે મુખ્યમંત્રી છે ને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી છે. એ લોકોનું તંત્ર કેવું કે, યાકુબની કબર પર એલઈડી લાઈટ લગાવી દેવાઈ છે એ વાતની ખબર છેક હવે પડી? આ ખબર પણ એક ટીવી ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પડી, બાકી શિંદે-ભાજપની સરકારને તો ખબર જ નહોતી.
ભાજપના નેતા પોતાની સરકારને સવાલ કરશે કે, કેમ તમે ઘોરતા હતા? એક આતંકવાદી, એક દેશદ્રોહીની કબર ઝગમગ થતી હતી ને તમને ખબર જ નહોતી? ભાજપવાળા આ સવાલ નહીં કરે કેમ કે તેમનામાં હિંમત નથી. એ લોકોને હરીફોને દેશદ્રોહી ઠેરવીને રાજકીય રોટલો શેકવામાં માને છે તેથી હોહા કર્યા કરે છે, સત્ય બહાર આવે તેમાં તેમને રસ નથી.
વાસ્તવમાં આ મુદ્દો જ વાહિયાત છે. યાકુબની કબરને સજાવવાની શરમજનક હરકતની તપાસ મુંબઈ પોલીસ કરી જ રહી છે ત્યારે વાતને તપાસ પૂરતી મર્યાદિત રાખવાની જરૂર છે. યાકુબ મેમણ દેશદ્રોહી હતો ને તેનાં કુકર્મોની તેને સજા મળી ગઈ, તેને ફાંસીના માંચડે લટકાવી દેવાયો એ પછી તેનું પ્રકરણ સમાપ્ત થઈ ગયું. તેને બિનજરૂરી મહત્ત્વ આપવાની જરૂર જ નથી.
યાકુબ આ દેશ માટે ને મુંબઈનાં લોકો માટે પણ ભૂલાઈ ગયેલું પ્રકરણ છે એ બહુ પહેલા જ સાબિત થઈ ગયેલું. મુંબઈના માહિમમાં બડા કબ્રસ્તાનમાં યાકૂબ મેમણની અંતિમવિધિ થઈ ત્યારે બસો લોકો પણ હાજર નહોતાં. મુંબઈમાં માર્ચ ૧૯૯૩માં કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં લોહીની નદીઓ વહી હતી. મુંબઈના બોમ્બ બ્લાસ્ટમાં સત્તાવારરીતે ૨૫૭ લોકો મર્યા હતા પણ યાકૂબની દફનવિધિમાં માંડ બસ્સો માણસ પણ હાજર નહોતા. આ બધા પણ પરિવારજનો હતા ને એવા લોકો હતા કે જેમણે બે આંખની શરમે આવવું પડે. બાકી યાકૂબ તરફ પ્રેમ કે માનના કારણે અંતિમવિધિમાં કોઈ હાજર નહોતું. આવા માણસને મહત્ત્વ ના જ આપવું જોઈએ.
યાકુબની કબરને સજાવવાની હરકત કોઈ અકલદોકલ વ્યક્તિએ કરી હોય તો તેને મુંબઈ પોલીસ પકડશે પણ આ ઘટનાને મોટી બનાવવાની પણ જરૂર નથી. આ ઘટનાના બહાને રાજકીય હિસાબ સરભર કરવાની કે વાહિયાત આક્ષેપોની તો બિલકુલ જરૂર નથી. આતંકવાદ કે આતંકવાદીઓના મુદ્દે રાજકારણ ના રમવું જોઈએ એવી સૂફિયાણી સલાહ ભાજપના મોવડીઓ આપ્યા કરે છે, આ સલાહનો અમલ ભાજપના નીચલા સ્તરના નેતાઓએ પણ કરવો જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.