પાકિસ્તાનની જેલમાં 4 વર્ષ યાતના વેઠ્યા બાદ 20 માછીમારો વતન પરત ફર્યા, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

આપણું ગુજરાત

પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ દ્વારા ગુજરાતના નિર્દોષ માછીમારોને પકડી જવાના બનાવો અવારનવાર બનતા રહે છે. ત્યારે વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રહીને વતન પરત ફરવું એ માછીમારો માટે સદભાગ્ય બાબત હોય છે. પાકીસ્તાન જેલમાં બંદીવાન 20 માછીમારો મુક્ત થયા બાદ ગુરુવારે વેરાવળ પહોંચી પરિવારજનોને મળ્યા ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આ માછીમારો ચારેક વર્ષ જેલમાં રહ્યા બાદ મુક્ત થયા છે. મુક્ત થયેલા માછીમારો ગીર સોમનાથ અને હાલાર પંથકના રહેવાસી છે. મુક્ત થયેલા માછીમારોએ કહ્યું હતું કે, ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને ભારત છોડશે તે પછી જ પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડશે તેવી વાત પાકિસ્તાની જેલ સત્તાવાળાઓ કરતા હતા.
પરત ફરેલા એક માછીમારે જણાવ્યું હતું કે, પોરબંદરની રેખા સાગર બોટમાં અમે માછીમારી કરતા હતા. ચાર વર્ષ પહેલા રાત્રે સુતા અને સવારે ઉઠ્યા ત્યારે, પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ અમને પકડી લીધા. ત્યાંથી મને જેલમાં લઇ ગયા. ત્યાની જેલમાં કોઇ મારકુટ નહોતું કરતું પણ ચાર વર્ષ સુધી પરિવાર સાથે કોઇ સંપર્ક નહીં, કોઇ ટપાલ નહીં, કોઇ ટેલિફોનીક વાત નહીં. બેરેકમાં અમને 186 કેદીઓને જોડે રાખ્યા હતા. ચાર વર્ષ કેમના કાઢ્યા અમારો જીવ જાણે. એક હવે મજુરી કરીશ, ખેતી કરીશ પણ માછીમારી ક્યારેય નહીં કરૂ.’
ભારત સરકાર પાકિસ્તાને બંધક બનાવેલા ભારતીય માછીમારોને છોડાવવા સતત પ્રયત્ન કરતી રહે છે. પાક. સત્તાવાળાઓએ 20 ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા. ત્યાંથી ગુજરાત રાજ્ય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત વેરાવળ લઈ આવવામાં આવ્યા હતા. અહિયાં માછીમારોનું જૂદી જૂદી સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં ફિશરીઝ કચેરી ખાતે સવારથી રાહ જોઈ રહેલા પરિવારજનો સાથે પુનઃમિલાપ કરાવાયો હતો. ચાર વર્ષ પાકિસ્તાનની જેલમાં યાતના વેઠ્યા બાદ પરત ફરેલા માછીમારોને જોઇને સ્વજનોના મનમાં હરખની હેલી થઇ પડી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.