(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોંઘવારીએ સામાન્ય નાગરિકોના ઘરના રસોડાનું બજેટ ઉપર નીચે કરી નાખ્યું છે. લગભગ ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો પહોંચી ગયેલા ટમેટાના ભાવ ઘટ્યા છે, તો ગુવાર, ભીંડા, કાકડી, ફલાવર, વટાણા જેવી શાકભાજી મોંઘા થઈ ગયા છે.
વધતી જતી મોંઘવારીમાં શાકભાજીના ભાવ સતત વધી રહ્યા હોવાને કારણે ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા થોડા દિવસમાં ટમેટા અને ઘેવડા પાપડીના દરમાં ઘટાડો થયો છે, તો ગુવાર, ભીંડી, કાકડી, ફલાવર, કોબી, વટાણા, સીમલા મરચાના દરમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં જુદા જુદા રાજ્યમાંથી શાકભાજી આવે છે, જેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, તમિળનાડુનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાતથી લીલા મરચા, આંધ્ર પ્રદેશ અને તમિળ નાડુથી સરગવાની સીંગ, કર્ણાટકથી ઘેવડા પાપડી, ઈંદોરથી ગાજર, બેલગાવથી વટાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી લસણ, આગ્રાથી બટાટા વગેરે શાકભાજી આવતી હોય છે. હાલ બજારમાં ગયા અઠવાડિયાની સરખામણીમાં શાકભાજીની આવક ઓછી હોવાથી શાકભાજીના દરમાં વધારો થયો છે. રવિવારે હોલસેલ બજારમાં કોથમીર, મેથી, સુવાની, કાંદાની ભાજી, ફુદીનો, ચોળાની ભાજી અને પાલકના દરમાં વધારો થયો છે.
ફ્રૂટમાં પણ દાડમ, પપૈયા, પેરુના દરમાં વધારો થયો છે. કલિંગર, લિંબુના દરમાં ઘટાડો થયો છે. સીતાફળના ભાવ સ્થિર છે.
