(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાલબાગ વિસ્તારમાં માતા વીણા જૈનની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ઘરના કબાટ અને સ્ટીલની ટાંકીમાં છુપાવવા બદલ ધરપકડ કરાયેલી પુત્રી રિંપલ જૈનના સંપર્કમાં રહેલા યુવકની શોધમાં પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રવાના કરાઇ હતી. બીજી તરફ ઇલેક્ટ્રિક માર્બલ કટર જે જ્યાંથી ખરીદવામાં આવી હતી એ દુકાનદારને ઓળખી કાઢવામાં આવ્યો હોઇ તેની હવે પૂછપરછ કરવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રિંપલ જૈનના મોબાઇલમાં પોલીસને યુવકનો નંબર મળી આવ્યો હતો અને રિંપલ એ યુવકના સતત સંપર્કમાં હતી, એવું જાણવા મળ્યું હતું. રિંપલે યુવકને હત્યા વિશે જાણ કરી હશે કે પછી તેણે ગુનામાં રિંપલની મદદ કરી હશે. એ યુવક રિંપલનો બોયફ્રેન્ડ હોઇ શકે છે, એવી પોલીસને શંકા છે. યુવક તેના વતન ગયો હોવાની
શંકા પરથી તેની શોધમાં પોલીસ ટીમને ઉત્તર પ્રદેશ રવાના કરાઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન રિંપલે પૂછપરછ જણાવ્યું હતું કે અચાનક થયેલા ઝઘડાને પગલે તેણે માતાની હત્યા કરી હતી. જોકે તે વધુ માહિતી આપતી નથી, એવું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લાલબાગમાં ઇબ્રાહિમ કાસમ ચાલમાં પહેલા માળે પુત્રી રિંપલ સાથે રહેતાં વીણા જૈનનો મંગળવારે રાતના ઘરમાં કોહવાયેલો અને ટુકડા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વીણા જૈનના હાથ-પગ કાપીને બાથરૂમમાં સ્ટીલની ટાંકીમાં છુપાવાયા હતા. પોલીસને ઘરમાંથી ઇલેક્ટ્રિક માર્બલ કટર, કોયતો અને છરી મળી આવ્યાં હતાં, જેનો ઉપયોગ મૃતદેહના ટુકડા કરવામાં કરાયો હતો, એમ પોલીસે જણાવ્યુંં હતું.
વીણા જૈન હત્યાકેસ: રિંપલના સંપર્કમાં રહેલા યુવકની શોધમાં પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ રવાના
RELATED ARTICLES