વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મૂકવામાં આવેલી દરેક વસ્તુની પોઝિટિવ અને નેગેટિવ અસર ઘરના વાતાવરણ અને સભ્યો પર જોવા મળે છે. આ જ કારણ છે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે એક ચોક્કસ દિશા નક્કી કરવામાં આવી છે. સાવ બેઈઝિક વાત કરીએ તો ઘરમાં રાખવામાં આવતી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળતી હોય છે અને આજે આપણે એ જ વિશે વાત કરીશું.
વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે સંકળાયેલી અનેક ખાસ અને મહત્ત્વની વાતો જણાવવામાં આવી છે અને આ જ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ મૂકવાની પણ યોગ્ય દિશા અને પદ્ધતિઓ જણાવવામાં આવી છે. જો એને અનુસરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને જો ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની માઠી અસરોનો સામનો પણ કરવો પડે છે. ખોટી દિશામાં લગાવવામાં આવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિ પર પણ અસર કરે છે, તો આવો જોઈએ કે વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ મૂકવા માટેના નિયમો શું છે…
દરવાજા પર નહીં લગાવવી ઘડિયાળ
ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ક્યારેય ન લગાવવી જોઈએ અને જો આવું કરવામાં આવે તો ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સિવાય જો ઘરની ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય કે પછી તૂટી ગઈ હોય તો આવી ઘડિયાળ પણ ઘરમાં ના રાખવી જોઈએ. આને કારણે પણ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
ન આગે, ના પીછેઃ ઘડિયાળના ટાઈમિંગ પરફેક્ટ રાખો
બંધ પડેલી ઘડિયાળને કાં તો સમારકામ કરાવીને ચાલુ કરાવી લો અથવા તો તેને ઘરની બહાર કાઢવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ હોવાને કારણે સારો સમય પણ અટકી જાય છે. એટલા માટે જ બંધ પડેલી ઘડિયાળનું તાત્કાલિક સમારકામ કરાવી લેવું જોઈએ. આ સિવાય ઘડિયાળ પર ક્યારેય ધૂળ ના જામવા દો. વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘડિયાળ પર જામેલી ધૂળ તમારી પ્રગતિમાં અવરોધ ઊભા કરે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય મેચ ના થતો હોય તો તમારો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. આ જ કારણસર માટે હંમેશા ઘડિયાળના ટાઈમિંગ્સ હંમેશા મેચ કરીને રાખો..
ક્યાં લગાડશો ઘડિયાળ?
દિવાલ પર ઘડિયાળ લગાવવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, એટલું જ નહીં એવી પણ માન્યતા છે કે આ દિશામાં ઘડિયાળ રાખવામાં આવે તો પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. આ દિશામાં પણ ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ રહે છે.
કઈ દિશામાં ઘડિયાળ બિલકુલ ના લગાવવી?
દક્ષિણ દિશામાં આવેલી દિવાલ પર ક્યારેય ઘડિયાળ લગાવવી નહીં. આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે અને તેને શુભ નથી ગણવામાં આવતી. આ દિશા પર મૃત્યુના સ્વામી યમનું શાસન હોય છે. ઘરમાં લોલકવાળી ઘડિયાળ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે અને ગોળાકાર ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે.