Homeટોપ ન્યૂઝજ્ઞાનવાપી કેસમાં કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, કેસને સુનાવણી યોગ્ય માન્યો

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, કેસને સુનાવણી યોગ્ય માન્યો

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે. આજે ફાસ્ટ ટ્રેકે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકાર, જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા અંગેના કેસને સુનાવણીને લાયક ગણ્યો છે. વિશ્વ વૈદિક સનાતન સંઘે આ અંગે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે હિંદુ પક્ષ દ્વારા જ્ઞાનવાપી પરિસર ખાતે દરરોજ પૂજા અને દર્શન કરવાની માગ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે આ માગનો વિરોધ કરતી અરજી કરી હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા ચાર મુખ્ય માંગણીઓ રાખવામાં આવી હતી. તે માંગણીઓમાં તાત્કાલિક અસરથી ભગવાન આદિ વિશ્વેશ્વર શંભુ વિરાજમાનની નિયમિત પૂજા શરૂ કરવી, સમગ્ર જ્ઞાનવાપી સંકુલમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો, સમગ્ર જ્ઞાનવાપી સંકુલ હિંદુઓને આપવા તેમ જ મંદિરની ઉપર બનેલા વિવાદિત માળખાને હટાવવાનો સમાવેશ થાય છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશ બાદ મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, તેઓ આ આદેશનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલા 14 નવેમ્બરના રોજ આ મુદ્દા અંગે કોર્ટ આદેશ આપવાની હતી, પરંતુ ત્યારે કોર્ટે 17 નવેમ્બરે આ કેસની સુનાવણી કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઑર્ડર રેડી કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.
અગાઉ મે મહિનામાં કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલનો વીડિયોગ્રાફી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાં શિવલિંગ જેવી આકૃતિ મળી આવી હતી. હિંદુ પક્ષે તેને શિવલિંગ ગણાવ્યું હતું, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો.
હવે આ કેસની આગામી સુનાવણી બીજી ડિસેમ્બરના થશે જ્યારે કોર્ટ પૂજા અને દર્શન અંગે ચૂકાદો આપશે.

RELATED ARTICLES

Most Popular