‘વંદે ભારત’ ટ્રેનની ટ્રાયલ રન સફળ, દશેરા-દિવાળીથી ટ્રેન દોડાવવાની સંભાવના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેના સૌથી વ્યસ્ત રેલ કોરિડોરમાં બુલેટ ટ્રેનની સાથે સાથે વંદે ભારત ટ્રેન દોડાવવાનો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગતની ટ્રાયલ રન સફળ રહી છે. આધુનિક અને સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ ટ્રેન (એન્જિન વિના)ને મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રાયલ રન સંપૂર્ણપણે સફળ રહ્યા પછી દશેરા અથવા દિવાળી સુધીમાં દોડાવી શકાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈથી અમદાવાદ વચ્ચે નોન-સ્ટોપ પાંચ કલાકથી થોડા વધુ સમયમાં સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો. સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ ટ્રેનની ટ્રાયલ દરમિયાન હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની સ્પીડનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. વંદે ભારત ટ્રેન ૫૨ સેક્ધડમાં ૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પહોંચી હતી, જે અગાઉની તુલનામાં ૫૪.૬ સેક્ધડમાં તેના સમાન ઝડપ મેળવી હતી. નવમી સપ્ટેમ્બરના મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ વચ્ચે (૪૯૨ કિલોમીટર) ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદથી મુંબઈ વચ્ચે સવારના ૭.૦૬ વાગ્યે રવાના થઈ હતી, જ્યારે મુંબઈ સેન્ટ્રલ બપોરના ૧૨.૧૬ વાગ્યે પહોંચી હતી, જે ૫.૧૦ કલાકમાં મુંબઈ પહોંચી હતી, જ્યારે રિટર્નમાં ૪૯૨ કિલોમીટરનું એ જ અંતર ૪.૫૦ કલાકમાં કાપવામાં આવ્યું હતું. બંને દિશામાં ટ્રાયલ હાથ ધરવામાં આવતા વંદે ભારત ટ્રેનની સરેરાશ સ્પીડ કલાકના ૧૦૫ કિલોમીટરની રહી હતી, એમ રેલવેનાં વર્તુળોએ જણાવ્યું હતું.

YouTube player

બંને દિશામાં ટ્રાયલ રન દરમિયાન વંદે ભારત ટ્રેનની મેક્સિમમ સ્પીડ કલાકના ૧૩૦ કિલોમીટર રહી હતી. સામાન્ય રીતે મુંબઈથી અમદાવાદ વચ્ચેની પ્રીમિયમ ટ્રેન રાજધાની, શતાબ્દી અને તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવાય છે, જે સરેરાશ છ કલાકથી વધુ સમય લે છે, પરંતુ ભવિષ્યમાં જો વંદે ભારત પાંચ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચશે તો પ્રવાસીઓને એક કલાકનો ફાયદો થઈ શકે છે. વંદે ભારત ટ્રેનની સાથે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પણ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવવાની યોજના છે, જે બેથી ત્રણ કલાક લેશે. મૂળ યોજના પ્રમાણે કામકાજ થયું અને તમામ ટ્રાયલ સફળ રહ્યા તો દશેરા અથવા દિવાળીથી પ્રવાસીઓ ટ્રેનમાં ટ્રાવેલ કરી શકે છે, પરંતુ તેના પૂર્વે રેલવે ચીફ સેફ્ટી કમિશનર (સીઆરએસ)નું પ્રમાણપત્ર લેવાનું જરૂરી રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉથી વારાણસી અને નવી દિલ્હી કોરિડોરમાં વંદે ભારત ટ્રેન દોડાવાય છે. દરેક વંદે ભારત ટ્રેન મેક ઈન ઈન્ડિયાની સામગ્રીથી બનાવવામાં આવી છે, જ્યારે ટ્રેનના ૧૬ એસી કોચ તમામ એસી અને ૧૮૦ ડિગ્રીએ ફરતી ખુરશી છે, જ્યારે ૧,૧૨૮ પ્રવાસીની બેઠક ક્ષમતા ધરાવે છે. ઑગસ્ટ, ૨૦૨૩ સુધીમાં ભારતીય રેલવે લગભગ વંદે ભારત પ્રકારની ટ્રેનનું મેન્યુફેકચરિંગ કરવાની યોજના છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.